Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૨૯૧
જે માણસ નિર્મળ એવા ધર્મનું આચરણ કરે છે, તે અવશ્ય મહાફળ મેળવે છે. કેમ કે-ધર્મથી એકાંત લાભ જ છે. પછી તે ગમે તે રીતે થયેલો હોય, પણ પરંપરાએ પણ તે ભવ્યને અવશ્ય અને અભવ્યને કિંચિત્ સફળ થાય જ છે.
૧૧. સ્થૂલભદ્ર મુનિ : પાટલીપુત્રમાં પ્રસિદ્ધ નંદવંશના નવમા નંદના કલ્પક મહામંત્રીના વંશ જ શકપાળ મહામંત્રીના લક્ષ્મીવતી પત્નીના પુત્ર સ્થૂલભદ્ર હતા, તેને શ્રીયક નામે એક નાના ભાઈ હતા, અને સાત બહેનો હતી. શ્રીયકની વાત આગળ આપી છે. અને સાત બહેનોની વાત આગળ ઉપર આપીશું. અહીં તો માત્ર સ્થૂલભદ્ર સ્વામીનું જ ચરિત્ર ટૂંકામાં કહીશું. . રાજ્ય ખટપટને અંગે નંદ રાજાના અંગરક્ષક શ્રીયક પુત્રને હાથે જ મહામંત્રી શકટાળે પોતાનું મૃત્યુ થવા દીધા પછી મંત્રી પદ લેવા નંદે શ્રીયકને આગ્રહ કર્યો. શ્રીયકે કોશ્યા વેશ્યાને ત્યાં બાર વર્ષથી કળા શીખવા રહેલા પોતાના મોટા ભાઈ થૂલભદ્રને તે પદ આપવા ભલામણ કરી. નંદે સ્થૂલભદ્રને બોલાવી, પોતાની ઈચ્છા જણાવી. સ્થૂલભદ્ર “વિચાર કરી જોયા પછી તે પદ સ્વીકારવાનું” કહી વિચાર કરવા અશોકવનમાં ગયા ને ખૂબ વિચારને અંતે તેણે નિર્ણય કર્યો કે-“મારે રાજખટપટમાં મારું જીવન વિતાડવું, તેના કરતાં વધુ ભવ્ય કર્તવ્યમાં શા માટેન વિતાડવું?” ઈત્યાદિ વિચારપરંપરામાંથી તેમણે “કેવળ ત્યાગી જીવન સ્વીકારી સ્વપરને કલ્યાણના અનન્ય માર્ગે જીવનની કિંમતી ક્ષણોનો ઉપયોગ કરવો એ જ સૌથી વધારે યોગ્ય છે.” એમ વિચારીને મુખવત્રિકા તથા રજોહરણ સાથે નંદ પાસે જવાનો નિર્ણય કર્યો અને ગયા. નંદે પૂછયું “કિમાલોચિતમ્ ?-શો વિચાર કર્યો ?” શ્રી સ્થૂલભદ્ર જવાબ આપ્યો-“લોચિત-લોચ કર્યો. એટલે વિચારને અંતે “દીક્ષા લેવી” એ વિચાર કર્યો.” એ પ્રમાણે પ્રધાનપદની મુદ્રાનો ત્યાગ કરી ધર્મલાભ આપી શ્રી સંભૂતિવિજય આચાર્ય મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી. શ્રીયકે પ્રધાનપદની મુદ્રા સ્વીકારી, અને શ્રી સ્થૂલભદ્રના વિયોગથી શોકમગ્ન કોશ્યા વેશ્યાનો પણ શોક ઓછો કરાવ્યો.
નિરંતર સંયમ અને શાસ્ત્રાભ્યાસમાં લીન શ્રી સ્થૂલભદ્રસ્વામીના ગુરુ ભાઈઓએ ચોમાસું કરવા-એકે સર્પના બિલ પાસે, એકે સિંહની ગુફા પાસે, એકે કૂવાના ભારવટિયા ઉપર, આજ્ઞા માગી. ત્યારે સ્થૂલભદ્ર સ્વામીએ કોશ્યા વેશ્યાની ચિત્રશાળામાં-દીવાનખાનામાં ચોમાસું કરવાની આજ્ઞા માંગી. ગુરુ મહારાજાએ ધર્મમાં તત્પર રહેવાની શીખામણ આપી, દરેકને પોતપોતાની ઈચ્છા પ્રમાણે ચોમાસું કરવા જવાની આજ્ઞા આપી. ને સૌ પોતપોતાના ઈચ્છિત સ્થાનકે ચોમાસું કરવા ગયા.
તે સમયની વેશ્યા જાતિમાં અગ્રગણ્ય અને લૌકિક બાહ્ય સભ્યતાની મૂર્તિ કોશ્યાએ પોતાના પૂર્વપરિચિત પ્રિય સ્થૂલભદ્ર કુમારને મુનિ વેષમાં પણ આવેલા જોઈ, સહર્ષ પુલકિત ચિત્તે તેમનો અપૂર્વ આદરસત્કાર કર્યો અને આદેશ ફરમાવવા વિજ્ઞપ્તિ કરી. સ્થૂલભદ્ર સ્વામીએ “ધર્મલાભ” આપ્યો ને ચોમાસું રહેવા માટે ચિત્રશાળાની યાચના કરી તે મળવાથી મુનિ તેમાં ચાતુર્માસ રહ્યા.
કોશ્યાની ધારણા એવી હતી કે-“ચારિત્ર પળી ન શકવાથી મુનિ મારી પાસે પાછા આવ્યા છે, પરંતુ હાલમાં કાંઈ બોલશે નહીં, છતાં ધીરે ધીરે તે મારા તરફ આકર્ષાશે અને ધન પણ આપશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org