Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
સાથે દીક્ષા લઇ વૈભારગિરિ પર તપશ્ચર્યા કરી અનુત્તર વિમાનમાં દેવ પણે ઉત્પન્ન થનાર મહા પુણ્યશાળી. ધન્ના-શાલિભદ્ર’” એ બે પ્રસિદ્ધ નામોમાં પ્રસિદ્ધ ધન્ય નામના શેઠ, તે આ.
તેનો જન્મ પ્રતિષ્ઠાન પુરના ધનસાર શેઠની શિયળવતી પત્નીની કુક્ષિથી થયો હતો. તેના જન્મસમયે નાળ દાટવા જતાં જમીનમાંથી ધન નીકળ્યું હતું.
૩૧૭
પૂર્વ ભવમાં આજ નગરમાં નિર્વાહ માટે આવેલા એક ગરીબ કુટુંબનો તે બાળક હતો. ગામનાં લોકોના ઢોરો ચારીને તે ગુજરાન ચલાવતો હતો. તેને એક વાર ખીર ખાવાનું મન થયું, એટલે જુદી જુદી ચાર પાડોશણોએ ઘી, દૂધ, ચોખા, સાકર આપ્યા. એટલે તેની ખીર રાંધી આપી. માતા પીરસીને બહાર ગઈ. આ તરફ માસક્ષમણને પારણે કોઈ મુનિ વહોરવા નીકળેલા અહીં આવી ચડ્યા. તેને ઊભા થઈ બાળકે વિનયપૂર્વક વિજ્ઞપ્તિ કરી મુનિ ખીર વહોરી, ગયા. તેવામાં માતા પાછી આવી અને તેણે પુત્રની થાળી ખાલી જોઈ બીજી ખીર પીરસી, તે તેણે ખાધી ને વાછરડા ચારવા ચાલ્યો ગયો. ત્યાં તે જ મુનિરાજે તેને ધર્મોપદેશ આપ્યો. તેથી બાળક ઘણો આનંદ પામ્યો. પરંતુ ઘેર આવ્યા બાદ પેટમાં પીડા થવાથી મરણ પામી તે ધન્ય કુમારપણે જન્મ્યા.
તેને બીજા ત્રણ મોટા ભાઇઓ હતા. પરંતુ તેઓ હીન પુણ્યવાળા હોવાથી ધન્ય કુમારની ચતુરાઈ ઉપરથી માબાપ તેના વખાણ કરે, તે ઈર્ષાથી તેઓ સહન કરી શકયા નહીં.
પિતાએ ૩૨-૩૨ રૂપિયા આપી દરેકને હોશિયારીની પરીક્ષામાં પસાર થવાની તક આપી. ત્યારે ભાઈઓ થોડું કમાયા અને ધન્યકુમારે એક બળવાન્ ઘેટો ખરીદી બીજાના ઘેટા સાથે લડાવીને શરતમાં એક હજાર સોના મહોર મેળવી.
પછી ૬૦-૬૦ માસા સોનું આપ્યું. ભાઈઓ તેમાંથી થોડો લાભ મેળવીને પાછા આવ્યા. પરંતુ ધન્ય ચાંડાલ પાસેથી એક પલંગ વેચાતો લીધો. તે એક કૃપણ શેઠનો હતો. તેમાં તેણે રત્નો છુપાવ્યાં હતાં. તે રત્નો કાઢીને ધન્યકુમારે પિતાને આપ્યાં. પિતાએ ઘણી પ્રશંસા કરી. ભાઈઓ આથી મારી નાંખવા સુધીના વિચાર ઉપર આવ્યા. એ વાત ભાભીઓએ ધન્યને કરી, તેથી તે છાનામાના દેશાવર ચાલ્યા ગયા. બહુ ફરતાં એક ખેતરમાં હળ ખેડતાં તેના માલિકે તેને જમવાનું નોતરું આપ્યું, તેવામાં તેની સ્ત્રી ભાત લઈને આવી, તેવામાં હળ ખેડતાં સુવર્ણનો ચરુ નીકળી પડ્યો. તે ખેતરના માલિકે ધન્યકુમારના ભાગ્યથી નીકળ્યો જાણીને તેને આપવા માંડ્યો. પરંતુ તે ન લેતાં ખીરનું ભોજન જમીને તે આગળ ચાલ્યા, ને છેવટે રાજગૃહીમાં આવ્યા.
ત્યાં એક બગીચામાં પેસતાં તે સૂકોખંખ બગીચો નવપલ્લવ થઈ ગયો. તેથી પુણ્યવાન્ માનીને તેનો માલિક તેને પોતાને ઘેર જમવા તેડી ગયો. માળીના શેઠ કુસુમપાળની પુત્રી પુષ્પવતી, ક્ષેણિકરાજાના પુત્રી સોમશ્રી અને શાલિભદ્ર શેઠની બહેન સુભદ્રા એ ત્રણેય એક દિવસે જન્મેલી બાળ સખીઓ સાથે તેનાં લગ્ન થયાં. રાજાએ ઘણાં ગામોનો ગરાસ આપ્યો ને ધન્યકુમાર ત્યાં સુખે રહેવા લાગ્યા.
માતાપિતા વગેરે દુ:ખી હાલતમાં ફરતાં ફરતાં ત્યાં આવ્યાં. તે સર્વને ઓળખી પોતાને ત્યાં ભકિતથી આનંદમાં રાખ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org