Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૯૦
પંચ પ્રતિક્રમણ સૂત્રો
પોતાના માટે લાકડાં સળગાવ્યાં હોય કે દીવા કર્યા હોય કે સગડી સળગાવી હોય, પણ ઉપયોગ થઈ રહ્યું યતનાપૂર્વક તેને ઠારી નાંખવામાં ન આવે, તો તે પણ પ્રમાદાચરણ છે. જો કે અગ્નિ ઠારવામાં અગ્નિકાય જીવોની વિરાધના છે, પણ ન ઠારવામાં છયે કાયની વિરાધના છે. માટે યતનાપૂર્વક ઠારવામાં અલ્પ દોષ છે. યતનાપૂર્વક ઠારવાના પ્રકારો પણ શ્રાવક કુળના રીતરિવાજથી જાણી લેવા. ચૂલા, દીવા, સગડી વગેરે ઢાંકવા નહિ, પ્રમાજવા નહિ, ચૂલા વગેરે ઉપર દશ ચંદ્રવા બાંધવાને ઠેકાણે ચંદરવા ન બાંધવા, તે પણ પ્રમાદાચરણ છે. ચંદરવા બાંધવાનાં ૧૦ સ્થળો નીચે પ્રમાણે છે.
ચૂલા ઉપર, ઘંટી ઉપર, પાણિયારા ઉપર, સૂવાના સ્થળ ઉપર, જમવાના સ્થળ ઉપર, છાશ કરવાને ઠેકાણે, દેરાસરમાં, ખાંડવાના સ્થાન ઉપર, (ધર્મક્રિયા કરવાના સ્થાન ઉપર) તથા એક છૂટો વધારાનો. ચૂલા પર ચંદરવા ન બાંધવાથી, ધુમાડાથી ગૂંગળાઈને સર્પ અજાણતાં ખોરાકમાં રંધાઈ જવાથી ઘણા માણસોનું મરણ થયાનું જાણવા જેવું દષ્ટાંત શાસ્ત્રમાં આવે છે.
ધાન્ય, કઠોળ, છાણાં, લાકડાં, કોલસા, પાણી, વાસણો વગેરે શોધ્યા વિના, જોયા તપાસ્યા વિના, યતના વિના વાપરવામાં પ્રમાદાચરણ છે. માટે અનર્થદંડ રૂપ છે. અત્રે ગણાવેલા અનર્થ દંડોના પ્રકારો કેટલા શ્રાવિકાઓને, કેટલાક શ્રાવકોને અને કેટલાક ઉભયને લગતા સમજવા.
ચારેય પ્રકારના અનર્થ દંડથી અનર્થ થાય છે, અનર્થ દંડ સેવ્યા વિના જીવનનિર્વાહ ન નભે તેવું નથી હોતું. બુદ્ધિમાંદ્ય, કુતૂહલો, અસાવધતા વગેરે કારણોથી અનર્થ દંડ સેવાય છે, જે સેવવાની ખાસ જરૂર નથી હોતી તથા ખાસ જરૂરને પ્રસંગે તે અનર્થ દંડ ગણાતો નથી. આર્ત તથા રૌદ્ર ધ્યાનથી ઉદ્વેગ, શરીરની ક્ષીણતા, દુર્ગતિ, ઘોર પાપનું બંધન વગેરે અનર્થો થાય છે. કદાચ અપધ્યાન થઈ જાય, તો પણ મનોવિગ્રહ કરીને તે દૂર કરવું, ધર્મધ્યાન અને શુફલ ધ્યાન ધ્યાવાની સ્થિતિનો અભાવ એ પણ અનર્થ દંડ છે. ભાઈ, પુત્ર, સ્ત્રી, મિત્ર વગેરેને, બીજી રીતે નિર્વાહ થાય તેમ ન હોય તો, કાંઈક સલાહ દેવી પડે, કે જેમાં હિંસાદિકનો કંઈક સંભવ હોય, પણ તે અશકય પરિહારે જ એવી સલાહ દેવી પડે તો જ દેવી પરંતુ, અન્યને અતિખાસ કારણ વિના તે પણ ન આપવી જોઈએ. તેવી સલાહ દેવામાં તો વિના કારણે પાપ જ છે.
એકંદર યતના, અપ્રમત્તભાવ, સદાશય વગેરે પૂર્વક શ્રાવકોએ જીવનનિર્વાહ કરવો જોઈએ. મશ્કરી, વાચાળપણું, મેણાં, ટોણાં, ફટાણાં, ઠપકા, ઉપાલંભ, તિરસ્કાર વગેરે પણ અનર્થદંડ રૂપ જ છે. ભાંડ, ભાટ, ભવાયા, ચેટક, વિટક-છાકટાના-ચાળા જેવા કે તેના જેવા ચાળા જાતે કરવા, તે પણ અનર્થદંડ જ છે. અવ્યવસ્થિત-અનિયમિત, ઉડાઉ, લોભી, પ્રમાદી, અસાવધ, ભયભીત, નિરર્થક, પાપકારી, અકડાઈભર્યું, ઉચિત મર્યાદા બહારનું જીવન અનર્થ દંડ રૂપ છે. હિંસા, અસંયમ, અસહિષ્ણુતા, અસત્યતા, વગેરે અનર્થદંડનાં મૂળ કારણો છે.
ખાસ પ્રયોજનને ઉદ્દેશીને કોઈ પ્રસંગે દોષ સેવવો પડ્યો હોય, તેના કરતાં નિપ્રયોજન સેવેલા દોષો વધારે ભયંકર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org