Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
વિપરીત ભાવોથી મોક્ષમાર્ગના આરાધક જીવો ઉપર એક પ્રકારે અજ્ઞાનનો પડદો છવાય છે. વસ્તુતઃ મોક્ષમાર્ગનો લોપ થતો નથી તે આપણે પાછળ કહી ગયા છીએ. પરંતુ મોક્ષમાર્ગ સ્પષ્ટ સમજવાની બુદ્ધિનો લોપ થાય છે અને તે સામે રહેલા ક્ષેત્રમાં અને દષ્ટિગોચર થતાં કાળમાં સ્પષ્ટ જણાય છે. આંધળો માણસ પોતે જોઈ શકતો નથી પણ જે જોઈ શકે છે તેને આંધળાના અંધાપાનું ભાન સ્પષ્ટપણે થાય છે, તે રીતે જે મિથ્યાત્વથી ઘેરાયેલો છે તેને પોતાનું સ્પષ્ટ જ્ઞાન થતું નથી, પરંતુ જે સમ્યગું દ્રષ્ટા છે તે તેની અવરુદ્ધ દશાને જોઈ શકે છે અને આવા અવરુદ્ધ થયેલા જીવો ચારે તરફ ફેલાયેલા છે તેથી “અત્ર' કહીને તેનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.
મોક્ષમાર્ગ અને તેનું જ્ઞાન તો મહાવિદેહક્ષેત્ર અને બીજા ઘણા ક્ષેત્રોમાં સજીવ છે પરંતુ આ ભરતક્ષેત્રમાં તેનો બહુધા અભાવ થયો છે તેથી અત્ર' શબ્દ મૂકયો છે. આ “અત્ર' શબ્દથી જે કોઈ સમ્યદ્રષ્ટા જીવ છે તેનો જરાપણ અવિનય થતો નથી અને જે લોકો અવરુદ્ધ થયેલા છે તેને પણ ઠેસ પહોંચાડયા વિના બહુજ સહજભાવે “અત્ર' શબ્દ મૂકીને અવરુદ્ધ દશાને જ દુષિત બતાવી છે અને તે જીવને આદર આપી તેમાંથી મુકત કરવા માટે એક પ્રકારનો કરુણાભાવ પ્રગટ થયો છે. જે આગળના દોહાઓમાં સ્પષ્ટપણે આવશે.
અહીં તો આપણે અત્ર શબ્દની વિશેષતા ઉપર જ ધ્યાન આપી રહયા છીએ. વ્યવહાર અને તત્ત્વદષ્ટિએ ઘણો જ વ્યાપક અને વિધિનિષેધનો સ્પર્શ કરી કાળ અને ક્ષેત્રની અચૂક મર્યાદાનું ભાન કરાવી, ક્ષેત્ર કે કાળને આશ્રિત જીવોને ઉબોધન કરવા માટે કવિરાજે એક વિલક્ષણ પ્રયોગ કર્યો છે. જો આમાંથી અત્ર શબ્દ બાદ કરીયે તો આત્મસિદ્ધિના બીજા પદનું મૂલ્ય ઘણા અંશે ઘટી જાય તેમ છે. તેથી અમે અહીં પાઠકને “અત્ર' શબ્દ ઉપર ગંભીરતાથી વિચારવા માટે તેમાં જોડાયેલી તત્ત્વશ્રેણીનો ઉલ્લેખ કર્યો છે અને મોક્ષમાર્ગની અને તેના અવરોધની વ્યાપકતા અને મર્યાદા બંનેનું અહીં ભાન કરાવ્યું છે. અસ્તુ.
હવે આપણે આગળ “ભાખ્યો અગોપ્ય' એ શબ્દ ઉપર વિવેચન કરશું.
તે પહેલા અત્રનો સામાન્ય અર્થ એ છે કે અહીં એટલે આ આત્મસિદ્ધિમાં આ આત્મ કાવ્યમાં તેનું વિવેચન કરશું.
વર્તમાનકાળમાં જે માર્ગ લુપ્ત થયો છે અથવા મિથ્યાત્વની ભાવનામાં અટવાઈ ગયો છે તે બાબત સ્પષ્ટ ઘટસ્ફોટ કરી આત્મહત્ત્વનું નિરૂપણ કરી આ કાવ્યમાં અમે અગોપ્ય ભાવે વિવેચન કરશું.
અગોપ્યનો ગંભીર અર્થ : અગોણનો અર્થ છે સામાન્ય રીતે જે છૂપાવવા લાયક નથી. અંધારામાં રાખવા લાયક નથી. ગુપ્ત રાખવાનું જેનું પ્રયોજન નથી તેને અગોપ્ય કહી શકાય પરંતુ અગોપ્ય શબ્દનો આ સામાન્ય અર્થ આ મહાન તત્ત્વજ્ઞાન માટે અપર્યાપ્ત છે. જેથી અહીં અગોપ્ય વિષે ઊંડી ડૂબકી લગાવવાની જરુર છે.
ગોપ્ય એટલે ગુપ્ત રાખવા લાયક. ખરું પૂછો તો પ્રકૃતિ જગતમાં આત્મતત્ત્વ સ્વયં ગોપ્ય છે. તે ઘણું જ ઊંડાણમાં રહેલું છે, સામાન્ય ઈન્દ્રિયજ્ઞાનથી પ્રત્યક્ષ થાય તેવું નથી. તેમજ બીજા