Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
અને કોઈ પરમાર્થ સમજાવે તો પણ તેને ગ્રહણ કરી શકતો નથી, તેવી દુર્ગમ સ્થિતિમાં જીવ ઊભો છે. પરમાર્થ એ જીવનનું પ્રધાન લક્ષ્ય છે. સારભૂત તત્ત્વ છે, જેમ દહીનું વલોણું કરે તો તેમાં નવનીત તે સાર તત્ત્વ છે. તેમ જીવનના કાર્યોમાં ભૌતિક સમાગમોમાં કોઈ એવો પરમ અર્થ નથી જે જીવને શાશ્વત શાંતિ આપી શકે. પરમ અર્થ તો સ્વયં શુધ્ધ આત્મા છે પરંતુ અશુધ્ધ આત્મામાં તે સ્વીકારવાની શકિત નથી, તે ગ્રહણ કરતો નથી. પરમાર્થ શું છે, પરમ અર્થ શું છે, તેવો પ્રશ્ન જેના મનમાં ઊભો થતો નથી તે એક પ્રકારે સંજ્ઞાહીન છે. દરિદ્ર વ્યકિત ઘરમાં હીરો છે પરંતુ તે હીરાને તે ઓળખાતો નથી. મારા ઘરમાં હીરો છે તે સ્વીકારતો નથી. બીજા કાચ અને કાંકરા જેવા પદાર્થોને સાચવીને તેની ચિંતા કરે છે અને કરોડોનો હીરો છતાં તે દરિદ્રનારાયણ દરિદ્રતાનો અનુભવ કરે છે. આ છે પરમાર્થ વિહીનતાનું દર્શન.
શાસ્ત્રકારે અહીં સામાન્ય જીવના વર્ણનમાં તે પરમાર્થ ગ્રહણ કરતો નથી તેમ કહીને જાણે અબુધ્ધ જીવો માટે મોટો આરોપ મૂકયો છે. પરમાર્થ ન ગ્રહણ કરવામાં શું શું કારણો છે એ આપણે વધારે ઊંડાઈથી તપાસવા જોઈએ. ગાથાના પૂર્વાર્ધમાં સ્વયં શાસ્ત્રકારે બે કારણો તો મૂકયા જ છે પરંતુ પરમાર્થ દ્રષ્ટિને મેળવવા માટે હજુ પણ બીજા વધારે કારણો હોવા જોઈએ તેમ આ ગાથાના અધ્યાહારથી સમજાય છે.
સર્વ પ્રથમ, પ્રશ્ન થાય છે કે અસંખ્ય જીવો મનુષ્ય અવતારને પામ્યા પછી પણ પરમાર્થથી વંચિત રહે છે અને શા માટે તેઓ પરમાર્થ ગ્રહણ કરતા નથી તે એક વિશ્વ વ્યાપી કોયડો છે. ખરેખર પરમાર્થ તો અમૂલ્ય તત્ત્વ છે અને મનુષ્ય બુધ્ધિજીવી છે તો પોતાના હિતને કેમ ન સમજે?
બાધક તત્ત્વોની પ્રધાનતા : વિશ્વદ્રષ્ટાઓએ સમગ્ર વિશ્વનું ગણિત કર્યું અને વિશ્વની રચના, તેના કાર્ય કલાપો અને તેની ગતિ-વિધિ પર પણ સૂક્ષ્મ વિચાર કર્યો છે. જગતના બધા દર્શનો એક વાત પર એક મત છે કે વિશ્વમાં એક માયાવી તત્ત્વ કામ કરી રહેલું છે. આ માયા તત્ત્વને અલગ અલગ શબ્દોથી સંબોધન કરી તેનું દિગ્દર્શન કરાવેલું છે અને માયા તત્ત્વની પ્રબળતા વિષે પૂરો ખ્યાલ આપ્યો છે. એ માયા તત્ત્વ જગતની અનાદિ નિધન સંપત્તિ છે. વિશ્વ તેમાં જ ફાલ્ય ફૂલ્યું છે અને જીવાત્માના મન, પ્રાણ, ઈન્દ્રિય અને જ્ઞાન, અંતઃકરણ એ બધા પર આ માયા તત્ત્વની પ્રબળ પક્કડ છે. બીજી બાજુ જીવ માત્ર સુખના કામી છે. સુખ બે પ્રકારનું છેઃ એક અનિત્ય અને ક્ષણિક આનંદ આપતું; બીજુ નિત્ય અને શાશ્વત આનંદ આપનારું. ક્ષણિક સુખ પ્રત્યક્ષ છે તેથી સામાન્ય જીવ તેમાં લોભાય છે. પાણીમાં નાખેલી જાળમાં અથવા કાંટામાં બાંધેલા લોટના પિંડાને ખાવા માટે માછલી અજ્ઞાનવશ તત્પર થઈ જાય છે, તેમ જીવો અજ્ઞાનવશ ક્ષણિક સુખમાં લોભાય છે. જૈનદર્શન પણ કહે છે કે જયાં સુધી સાધના ન થઈ હોય ત્યાં સુધી જીવ કર્મના પ્રભાવ નીચે ઉદયભાવથી, દબાયેલો છે. જેમ પાણીમાં સેવાળ નીચે રહેલો દેડકો ચંદ્રને જોઈ શકતો નથી, તેમ કર્મના પ્રભાવમાં દબાયેલો જીવ આત્મ-ચંદ્રના દર્શન કરી શકતો નથી.
મૂળ વાત પર આવીએ કે જીવ પરમાર્થ શા માટે ગ્રહણ કરતો નથી, તો તેનો સીધો જવાબ એ છે કે નાશવાન ક્ષણિક પદાર્થો અને તેની સુખાનુભૂતિવાળી પર્યાયો જીવને પરમ અર્થના દર્શન
૨૯૪ -