Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
કરવો, તે અંદરનો વૈરાગ્ય છે. તેમાં અનુકૂળતા કે પ્રતિકૂળતાનો પ્રભાવ નથી. સ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, બન્ને સ્થિતિમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય સમતુલા જાળવે છે અને જીવ તથા મન–પ્રાણ ઈન્દ્રિયોને તટસ્થ રાખી નિર્લિપ્ત રાખે છે તે છે અંતરનો વૈરાગ્ય. અંતરના વૈરાગ્યમાં શુધ્ધ જ્ઞાનની પરિણતિ આધારભૂત છે અને ઈન્દ્રિયાદિ જે ઉપકરણો છે તે સૂક્ષ્મ થવાથી વિષયોથી પરાર્મુખ થઈ આત્માની સન્મુખ થઈ પાંચે ઈન્દ્રિયો સાચા અર્થમાં ભોગેન્દ્રિય મટી જ્ઞાનેન્દ્રિય બને છે, તેથી ઈન્દ્રિયોનું આકર્ષણ વિષયો તરફથી હટી જતાં વૈરાગ્યને પ્રબળ વેગ મળે છે. પ્રાણ પણ શુધ્ધ થઈ જાય છે. યોગનિષ્ઠ બને છે અને એ જ રીતે મનોમયકોષ જ્ઞાનમયકોષ તરફ વળી જતાં અથવા ઊર્ધ્વગામી બનતા તે આત્માનું આલોકન કરે છે. આ રીતે મન પણ જ્ઞાનનું ઉપકરણ બની મુકિતનું એક તાળુ ખોલે છે. “મનઃ વસ્ મનુષ્યાળાં કારળમ્ બંધ મોક્ષવો” જે લખ્યું છે તે સાર્થક થાય છે, અને હવે મન પણ વૈરાગ્યને સાથ આપી વિષયોથી વિમુકત થવા માંગે છે. અંતરનો વૈરાગ્ય એક મહાપ્રકાશ છે.
શાસ્ત્રકાર કહે છે કે આવા દુર્ભાગી, મતાર્થી, જીવ વૈરાગ્યના પ્રકાશમય ક્ષેત્રમાં પ્રવેશ ન કરતાં વૈરાગ્યહીન બની રાગ–દ્વેષના અંધકારમાં અને વિષયોના કણકણમાં ફસાવા માટે તત્પર થાય છે. આ તેની ગુણહીનતા તે મોટો મતાર્થનો એક પ્રકાર છે. ઘણા ઘણા મતાર્થના લક્ષણોમાં વૈરાગ્યનો અભાવ એ સૌથી મોટો મતાર્થ છે અને તેના કારણે જીવાત્માના જે બે સારા સદ્ગુણો સરળતા અને માધ્યસ્થભાવ, એ બંને હણાય છે. શાસ્ત્રકાર સ્વયં સરળતા અને માધ્યસ્થભાવના સચોટ ઉપાસક તથા જીવંત મૂર્તિ હોવાથી તેઓએ આ બન્ને ગુણોને પરમ આવશ્યક હોય તેમ ઈશારો કર્યા છે.
સરળતા અને માધ્યસ્થતા ઃ જેમ શાસ્ત્રમાં ચાર કષાય બતાવ્યા છે. તેમ તેનાથી વિરૂધ્ધ સ્વભાવજન્ય ચાર સદ્ગુણ પણ બતાવ્યા છે. ક્રોધ, માન, માયા અને લોભ, આ ચાર કષાયના સ્તંભ છે. જયારે ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ, એ ચારે સ્વભાવમાં પ્રવેશ થયા પછી જે ખીલી ઊઠતા ગુણો છે. ક્ષમા એ ક્રોધની દવા છે, જયારે નમ્રતાથી માનનો અંત થાય છે. સરળતા એ માયા–કપટને પરિહરી જીવને ઉચિત રસ્તા ઉપર મૂકે છે અને સંતોષ લોભથી વિમુકત કરી જીવને પરમ શાંતિ આપે છે. આ ચારે સદ્ગુણોમાં સરળતા એ નિરાળું સ્થાન ધરાવે છે. જેથી અહીં કવિરાજે સરળતાનો ઉલ્લેખ કર્યા છે અને સરળતા ન હોવી તે મહાદુર્ગુણ છે અને સરળતાના અભાવમાં ન્યાયબુધ્ધિનો લય થઈ જાય છે. માધ્યસ્થભાવનો અર્થ છે, ન્યાયબુધ્ધિ, સમતુલા, સમભાવ, સમતા, સમાનતા, ઉચિત વિભાજન, આ બધા માધ્યાસ્થ ભાવના પાસા છે. જેમ ત્રાજવાનો કાંટો બન્ને પલ્લાને સમતુલ રાખી યોગ્ય વજન કરે છે અને મધ્યમાં સ્થિર થાય છે, ત્યારે કશો અન્યાય થતો નથી, તે જ રીતે મનુષ્યના મનનો કાંટો સ્થિર થઈ, સારા નરસા, ઊંચા—નીચા બધા ભાવોને નિહાળી સ્થિર થાય, ત્યારે જીવમાં માધ્યસ્થ ભાવનો વિકાસ થાય છે. માધ્યસ્થ ભાવ તે આધ્યાત્મિક ગુણ તો છે જ, પરંતુ વ્યવહારિક જગતમાં કે બીજા કોઈપણ સાંસારિક જીવનમાં, કોર્ટ કચેરીમાં કે વ્યાપારી બુધ્ધિમાં માધ્યસ્થભાવ ઘણો જ જરૂરી છે. સંસારનું નીતિમય તંત્ર માધ્યસ્થ ભાવના આધારે છે. મધ્યસ્થતા ન જળવાય તો અનીતિનો ઉદય થાય છે,
૩૨૨