Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
લયનપુણ્ય, વસ્ત્રપુણ્ય, ઈત્યાદિ પુણ્યક્રિયા કરવાનો ઉલ્લેખ છે પરંતુ તે બહુ જ ગૌણભાવે છે.
આટલી તાત્ત્વિક ચર્ચા કર્યા પછી અહીં આપણે શાસ્ત્રકારે જે પ્રાણીદયાની વાત કરી છે તે જીવો પ્રત્યે કોમળ ભાવ રાખવાનો છે, કોઈ જીવને ઠેસ ન પહોંચે તેનો ઉપયોગ રાખવાનો છે, અથવા આત્માર્થીમાં આવી પ્રાણીદયાની ભાવનાઓ સહેજે પ્રગટ થાય છે, તેમ શાસ્ત્રકારનું મંતવ્ય છે. અહીં આપણે થોડી તત્ત્વ મીમાંસા કરીએ.
તત્ત્વ મીમાંસા :- કેટલાક તત્ત્વચિંતકો જેમ પાપને બંધન માને છે તેમ પુણ્યને પણ બંધન માને છે. પાપ એક પ્રકારનો અશુભ આશ્રવ છે. જયારે પુણ્ય તે શુભ આશ્રવ છે. બન્ને ક્રિયા આશ્રવ તત્ત્વ હોવાથી અધ્યાત્મદષ્ટિએ કલ્યાણકારી નથી. આ અશુભ અને શુભ ભાવનાઓ, બન્ને વિકારી ભાવનાઓ છે તેમાંથી મુકત થઈ શુદ્ધ અધ્યાત્મદષ્ટિએ સાધના કરવી જોઈએ. જ્ઞાન માર્ગનું અવલંબન કરી આ બધી ક્રિયાઓથી નિવૃત્ત થઈ સ્વરૂપ રમણ કરવું જોઈએ. આ રીતે, પુણ્ય ક્રિયાઓથી દૂર રહી આત્મસાધના કરવી જોઈએ. પરંતુ હકીકતમાં તત્વજ્ઞાન એમ કહે છે કે, જયાં સુધી શરીર છે ત્યાં સુધી અશુભ કે શુભ એ ક્રિયાઓ તો રહેવાની જ છે. અશુભ ક્રિયાથી નિવૃત્ત થાય અને જીવ જ્ઞાનભાવમાં રમણ કરે ત્યારે પણ મન વચન કાયાના યોગ સહેજે શુભ થઈ જવાથી પુણ્યનો આશ્રવ થવાનો જ છે, જયાં સુધી શરીરની અવસ્થા છે અને જયાં સુધી જીવ પુણ્યથી મુકત થયો નથી ત્યાં સુધી તે પુણ્યથી નિરાલો થઈ શકતો નથી. પાપથી નિરાલો થાય ત્યારે પુણ્ય ક્રિયા તો થવાની જ છે. પાપાશ્રવ કે પુણ્યાશ્રવ એ બધાનો સંપૂર્ણ ક્ષય તો તેમાં ગુણાસ્થાનના અંતે થાય છે. ત્યાં સુધી ઉત્તરોત્તર પુણ્ય ક્રિયામાં તારતમ્ય ભાવો આવતા જ રહેશે અને જીવાત્મા સાધનાકાળમાં છે ત્યારે તેને અનુકૂળ પુણ્ય ક્રિયાઓ થતી રહેશે, આવી અવસ્થાઓમાં સાધક જીવદયાના બને પાસાનો સ્પર્શ કરશે અર્થાત્ કોઈને દુઃખ ન આપવું તેવી દયા પણ રહેશે અને સુખ આપવાની પણ લાગણી પ્રવર્તમાન થશે, માટે સાધક તત્ત્વજ્ઞાનની કે આત્મજ્ઞાનની શ્રેણી ઉપર આરૂઢ રહીને શુદ્ધ સ્વરૂપનું ધ્યાન રાખી યોગોને અર્થાત્ મન વચન કાયાના સાધનોને કે પોતાની જે કોઈ સંપત્તિ ધન પરિગ્રહ ઈત્યાદિ છે, તેનો સદુપયોગ કરવાની પ્રવૃત્તિ પણ કરે જ છે.
આ છે આત્માર્થનું સાચું પુણ્યલક્ષણ. હું પુણ્ય ન કરું, તે પણ બંધન છે તેવી રીતે આત્માર્થી ખતવણી કરતો નથી, પરતું હું સદ્ગુરુના ચરણે રહું, આત્મસાધના કરું અને મારી જે કાંઈ બાહ્ય શકિત કે સંપતિ છે તે મારા ભોગ માટે નથી પણ સહુના કલ્યાણ માટે છે આવી ભાવના રાખે, તો આત્મજ્ઞાનની સાથે તેમને સહેજે પુણ્ય પ્રક્રિયા બની રહેશે અસ્તુ.
અહીં શાસ્ત્રકારે પ્રાણીદયા કહીને ખરેખર ખૂબજ સુંદર ઈશારો કર્યો છે અને સાત્વિક ભાવો કેળવવા માટે જીવ પ્રયાસ કરે તો તે પણ આત્માર્થીનું લક્ષણ છે. પ્રાણીઓ પ્રત્યે દયા પાળે પછી તે દયા નિષ્ક્રિય હોય કે સક્રિય હોય, બન્ને રીતે દયાનો પ્રવાહ વહેતો રહે, તે આત્માર્થીનું સાચું લક્ષણ છે.
આત્મસિધ્ધિમાં સંપૂર્ણ આત્મજ્ઞાનની વાત હોવા છતાં શાસ્ત્રકાર સ્વયં કોમળ છે અને આત્મજ્ઞાનના નિમિત્તે માનવધર્મ કે માનવતાનું જરાપણ ખંડન ન થાય તેનું પૂરેપુરું ધ્યાન રાખી