________________
રત્નની પેટીમાં રત્ન ભર્યા હોય ત્યારે જ પેટીની કિંમત છે, આંબામાં જયારે કેરીના ફળ આવ્યા હોય તો જ આંબાનું મહત્ત્વ છે એ જ રીતે વાતોમાં જો રત્નકણિકાઓ હોય તો તે વાત રત્નની પેટી જેવી છે પણ રત્ન વિનાની ખાલી પેટી કોઈ મહત્ત્વ રાખતી નથી. ધન ન હોય તો તે તિજોરી નથી, ખાલી ડબો છે, તેમ વાતોમાં જો આત્માર્થ ન હોય તો, તત્વચિંતન ન હોય તો આ બધી વાતો ખાલી ડબ્બા જેવી વ્યર્થ વાતો છે. વાતચીત એ જીવનનું સૌથી મોટું અંગ છે વાતચીતમાં જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે અને અહંકાર ભરેલી વાતચીતથી કંકાસ અને ઝગડા પણ ઉદ્ભવે છે. વાત તે બેધારી તલવાર છે. અહીં શાસ્ત્રકાર કહે છે કે ત્યાં જ સાચી વાત છે જયાં આત્મકલ્યાણનું નિરૂપણ છે અસ્તુ.
ઉપસંહાર : અહીં આપણે આ ચોથા પદનો ઈશારો સમજીને ૩૮મી ગાથા પૂરી કરીએ છીએ અને તેનો સારાંશ એ છે કે જીવ ઉપશમ ભાવને વરે, પોતાની ખોટી અભિલાષાઓ મૂકી એક મોક્ષની જ અભિલાષા રાખે, સાંસારિક જે કાંઈ પ્રવૃતિ છે તેમાંથી નિરાળો બને, જયાં સુધી સંસારમાં છે ત્યાં સુધી પણ પોતાનું કર્તવ્ય બજાવે છતાં ખેદનો અનુભવ કરે કે આ બધી માયાજાળ થી કયારે છૂટાય ? આ તત્ત્વશ્રેણીમાં રમણ કરવા છતાં પ્રાણીમાત્ર પ્રત્યે સદ્ભાવ રાખે, કોમળ ભાવનાઓ કેળવી પ્રાણીઓની દયાનો ખ્યાલ રાખે તો આવો વ્યકિત ખરા અર્થમાં આત્માર્થી છે. અહીં આવી હકીકતમાં જ આત્માર્થીની અમે વાત કરી ગયા છીએ અને આ વાતમાં જ આત્માર્થ છે તેવું ભારપૂર્વક કહીને વાતોના નિર્મળ ઝરણામાં સ્નાન કરી પવિત્ર થવા માટે આ ગાથા પ્રેરણા આપી જાય છે. સાચું કહો તો આ ગાથામાં હીરે જડયા છે.
ઉપોદઘાત : સમગ્ર શાસ્ત્ર એક પ્રકારની મોક્ષમાર્ગની દીવાદાંડી છે. જેમ વિશાળ સમુદ્રમાં નાવિકો દીવાદાંડીને આધારે જહાજ ચલાવે છે અને જો આધાર મૂકી દે તો વિશાળ સમુદ્રમાં ભટકી જાય છે. માર્ગ નિશ્ચિત હોય તો જ મનુષ્ય લક્ષ સુધી પહોંચી શકે. દેશી ભાષામાં કહીએ, તો ઠેકાણે પહોંચે. એટલે લક્ષ જેટલું મહત્ત્વપૂર્ણ છે તેટલો માર્ગ પણ મહત્ત્વપૂર્ણ છે. માર્ગ જેટલો મહત્વપૂર્ણ છે તેનાથી પણ વિશેષ માર્ગની જાણકારી વધારે મહત્ત્વપૂર્ણ છે. ઠેકાણું શું છે? તેનો માર્ગ શું છે? તેનું ચાલનારને જ્ઞાન હોવું જોઈએ. માર્ગ છે પણ જાણપણું નથી, માર્ગ ન હોય પરંતુ જો જાણપણું હોય કે અહીં માર્ગ નથી, તો તે જ્ઞાનથી જીવ ઠેકાણે પહોંચી શકે છે અથવા ખોટા માર્ગથી બચી શકે છે, ભટકી જતો નથી. માર્ગ વિષે જાણપણું લેવું તે જેટલું મહત્ત્વપૂર્ણ છે તેનાથી પણ એક મહત્ત્વની વાત છે, વ્યકિતની અવસ્થા કે દશા. જેમ કોઈ માણસ રસ્તામાં બીમાર થઈ જાય, બેચેન બની જાય, પોતે ભાન પણ ભૂલી જાય, તેની જો તંદુરસ્ત અવસ્થા ન હોય તો માર્ગ અને માર્ગનું જ્ઞાન, બન્ને વ્યર્થ થઈ જાય છે. - અહીં ત્રિવેણી યોગ છે. માર્ગ હોવો. એક, માર્ગનું જાણપણું હોવું છે અને તંદુરસ્ત અવસ્થા હોવી ત્રણ, આ ત્રિવેણીનો સમાવેશ થાય અથવા સમયોગ બને, તો સાચી રીતે સફળતા મળે છે. મતાર્થી અને આત્માર્થીના ઘણા લક્ષણો બતાવ્યા પછી આ લક્ષણોની પૂર્ણાહુતિ કરતા પહેલા શાસ્ત્રકાર ત્રિવેણી સંગમનો સુંદર શબ્દોમાં ઉલ્લેખ કરીને એક બહુ જરુરી સ્પષ્ટતા કરે છે જે હવે આપણે આ ગાથામાં વાગોળીએ અને આ ત્રિવેણીમાં સ્નાન કરીએ.