Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
વ્યાખ્યા છે અને તેનું જે મૌલિક સ્વરુપ છે, તેને જીવ પ્રાપ્ત કરે છે અને કર્મથી ભિન્ન સમસ્ત ઉદયભાવો રહિત પારિણામિક ભાવમાં સંસ્થિત એવા આત્મતત્વને પ્રત્યક્ષ જુએ છે, ત્યારે તે નિર્વાણપદને પામે છે અસ્તુ.
" હકીકતમાં જીવની જે યોગ્યતા છે. તે પ્રમાણે તે નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે. નિર્વાણ વિશે પૂર્વેમાં આપણે ઘણું જ કહી ગયા છીએ. તે એક પ્રકારની સમગ્ર વિભાવ રહિત સ્થિતિ છે. બૌધ્ધ દર્શનમાં પણ નિર્વાણ શબ્દ છે. ત્યાં પણ સમગ્ર વાસનાનો ક્ષય થયા પછી જીવ નિર્વાણ પામી જાય છે, અર્થાત્ આખી ખલાઓનો અંત થઈ જાય છે, કશું રહેતું જ નથી. શૂન્યમાં વિલીન થઈ જાય તે બૌધ્ધ દર્શનનું નિર્વાણ છે, જયારે અહીં અનંત શાંતિનું અધિષ્ઠાન અને બાકીના ભાવો શૂન્ય થયા પછી જે નિર્મળ તત્ત્વ બચે છે, તે નિર્વાણપદ છે. નિર્વાણ એ આદિકાળથી સાધકોનું એક માત્ર લક્ષ રહ્યું છે. જેમ બધી નદીઓ સમુદ્ર તરફ વહે છે તેમ બધી ઊંચી સાધનાઓ નિર્વાણ તરફ વહે છે. અહીં આપણે ૪૧ મી ગાથામાં પણ સાર તત્ત્વ નિર્વાણ છે તેનો ઉલ્લેખ કરી હવે ૪૨ મી ગાથાનો ઉપોદ્દાત કરીએ.
ઉપોદ્દઘાત ? આ આત્માર્થીના લક્ષણોનો અંતિમ ભાગ ૪૨ મી ગાથામાં પરિપૂર્ણ થાય છે. આત્માર્થીના બધા લક્ષણો સદ્ગુરુના સહવાસથી લઈ મોક્ષ પદ સુધીની એક સાંકળ છે. અને એ આખી સાંકળનું આપણે વિવરણ આપી ચૂકયા છીએ. અહીં શાસ્ત્રકાર સ્વયં એ વાતનો ઉપસંહાર કરી બે પદમાં અર્થાત્ અર્ધી ગાથામાં સંકેત કરે છે અને ત્યારબાદ નવા વિષયનો સ્પર્શ કરશે તેમ સ્વયં જણાવે છે.
આ પ્રથમના બે પદમાં જે હકીકત છે તે પાછલી ગાથાઓમાં કહેલા બધા લક્ષણોનો ઉપસંહાર છે, અર્થાત્ શું કહી ગયા છે અને જો તે મેળવે તો શું પ્રાપ્ત થાય. તેમ જણાવી મોક્ષમાર્ગનો પુનઃ ઉલ્લેખ કરે છે. આ ગાથાના પ્રથમ પદમાં સુવિચારણા શબ્દ ત્રીજી વખત આવ્યો છે, એટલે તે પણ વિચારણીય છે કે સુવિચારણા એક અલગ અલગ ભાવોથી ભરેલી રત્નમંજૂષા છે. પેટીનું એક જ નામ હોવા છતાં ત્રણેય પેટીઓમાં ત્રણ પ્રકારનો વિભિન્ન ખજાનો ભર્યો હોય તેવું પ્રતિભાષિત થાય છે. ચાલો ત્યારે ૪૨ મી ગાથાના અર્ધભાગને આપણે પ્રથમ ટટોલીએ.
૩૯૪