Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
કવિરાજે અહીં “જે લહે' ન જોગ કહ્યું છે તે ગૂઢાર્થવાળો શબ્દ છે અર્થાત્ જીવ યોગ માર્ગનું અવલંબન કરી શકતો નથી. અષ્ટાંગયોગના એકપણ યોગને સ્પર્શી શકતો નથી, અંતરાત્માને પણ ઓળખતો નથી, અને તેવા સત્ સ્થાન, સદ્વર્તન કે સદગુરુનો યોગ મેળવી શકતો નથી, એ રીતે જોગ' શબ્દ ચોતરફ કલ્યાણના નિમિત્ત માટે સૂચના આપે છે અને જીવ જો ઉત્તમ દશાને પ્રાપ્ત કરે, તો જ આવો જોગ મળે તેમ કહીને હવે ત્રીજા પદમાં જો આવો જોગ ન મળે, તો તેનું પરિણામ શું આવે? તે સ્વયં બતાવે છે. “મોક્ષ માર્ગ પામે નહીં.” મોક્ષ તો સામાન્ય રીતે સિદ્ધ અવસ્થામાં પ્રાપ્ત થાય છે, પરંતુ આ સાંસારિક, આધિ, વ્યાધિ, ઉપાધિથી મુકત થવું, એ પણ મોક્ષનો એક સાક્ષાત પ્રકાર છે. સર્વથા કર્મક્ષય થયા પછી જે સિધ્ધ અવસ્થા પ્રગટ થશે તે મોક્ષ તો બહુ દૂર છે પરંતુ વર્તમાન અવસ્થામાં પણ જીવ મુકત થાય, અજ્ઞાનથી મુકત થાય, કષાયોથી મુકત થાય, સાંસારિક દુઃખ અને ચિંતાઓથી મુકત થાય તે પણ મોક્ષનો એક પ્રત્યક્ષ પ્રકાર છે અસ્તુ.
અહીં જે મોક્ષ શબ્દ વપરાયો છે તે અંતિમ મોક્ષને લક્ષમાં રાખી સિધ્ધ ભગવંતોને દષ્ટિગત રાખી મોક્ષ પ્રાપ્તિનો જે પ્રયાસ થાય છે, તે મોક્ષ આદેય છે, ઉપાદેય છે, આરાધ્ય છે, આદરણીય છે, લક્ષ છે, ગંતવ્ય સ્થાન છે, જન્મ મરણના ચક્રથી મુકત થઈ શાશ્વત શાંતિ મળે અને જીવ પોતાના કેન્દ્રમાં સ્થિત થાય, તે મોક્ષને શાસ્ત્રોમાં કે સાધનોમાં વણી લેવામાં આવે છે.
આ મોક્ષનો માર્ગ પણ નિશ્ચિત કરવામાં આવ્યો છે. પાછળના વિવરણમાં મોક્ષ માર્ગ માટે આપણે ઘણું કહી ગયા છીએ. બહુ જ વિસ્તારથી તેનું વિવરણ કર્યું છે. અહીં હવે ફરીથી પુનઃરુકિત ન કરતા સામાન્ય રીતે દષ્ટિપાત કરી આ ગાથાને પૂર્ણ કરશું.
મોક્ષ કરતા મોક્ષ માર્ગનું મહત્ત્વ વધારે છે, મોક્ષ તો મહત્ત્વપૂર્ણ છે જ પરંતુ જો મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય તો મોક્ષ દુર્લભ નથી. હકીકતમાં મોક્ષ માર્ગ દુર્લભ છે. સાધન દુર્લભ છે, શુધ્ધ સાધન મળે તો સાધ્ય દુર્લભ નથી. સંપૂર્ણ આત્મસિધ્ધિમાં શાસ્ત્રકારે મોક્ષમાર્ગ શબ્દનો બે ચાર વખત પ્રયોગ કર્યો છે અને માર્ગની ઉપાદેયતાને જ મહત્વ આપ્યું છે. બીજ સારું હોય, સારી ભૂમિ અને પાણી મળે, તો તે અંકુરિત થઈ વૃક્ષનું રુપ પામવાનું છે. સાધનાકાળમાં સાધનની જ પ્રમુખતા છે. જો કે સાધ્ય પ્રાપ્ત થયા પછી સાધન વ્યાવૃત્ત થઈ જાય છે અથવા સાધ્યમાં વિલીન થઈ જાય છે. મોક્ષમાર્ગના જે ઉપકરણ જ્ઞાન, દર્શન, ભકિત, ઈત્યાદિ સિધ્ધિ પ્રાપ્ત થતાં સોળે કળાએ ખીલી તેમાં વિલીન થઈ જાય છે અર્થાત્ સાધન સાધ્યરુપે પરિણત થઈ જાય છે. દૂધમાં નાખેલું મેળવણ બધા દૂધને દહીં કરી પોતે સ્વયં દહીં રુપે પરિણત થઈ જાય છે. અહીં જે બે વિભાજન કર્યા છે મોક્ષ અને મોક્ષનો માર્ગ, તેમાં પ્રાથમિક અવસ્થામાં માર્ગ ઉપાદેય છે અને અંતિમ ક્ષણે મોક્ષ ઉપાદેય છે. અહીં જે મોક્ષમાર્ગ શબ્દનો પ્રયોગ કર્યો છે, આ માર્ગ નિમિત્ત કારણરુપે નથી પરંતુ મોક્ષનું ઉપાદાન છે.
ઉપાદાન કારણ સ્વયં કાર્યરુપે પરિણત થઈ કારણ કાર્યની એકતા પ્રદર્શિત કરે છે તેમ અહીં મોક્ષ અને મોક્ષનો માર્ગ બને ઉપાદાન હોવાથી એકરુપ થઈ જાય છે. અહીં શાસ્ત્રકારે મોક્ષમાર્ગ શબ્દનો ઉપયોગ કર્યો છે. મોક્ષ માર્ગ પામવાની દુર્લભતા બતાવી છે અને જો મોક્ષમાર્ગ ન પામે તો મોક્ષ પણ ન પામે તેવો સ્પષ્ટ ઉપદેશ આપ્યો છે.
*
* *
*
, , ,
, , ,
, ,
દાદા ૩૮૧