Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
રીતે પોતપોતાનું કામ કરે. ત્રણે યોગનો વિષય અથવા લક્ષ નિશ્ચિત હોય, ત્રણે યોગ દ્વારા લક્ષ પ્રતિ અર્પણભાવ હોય, ત્યારે બાહ્ય રૂપે ત્રણે યોગની એકતા કહેવાય છે. હકીકતમાં આ એકત્ત્વ શબ્દ તે લક્ષનું એકત્ત્વ છે, સદ્ગુરુનું એકત્ત્વ છે. અર્થાત્ મન જે સદ્ગુરુમાં જોડાયેલું છે, વચન પણ તે જ ગુરુનો મહિમા બોલે છે અને કાયા પણ સદ્ગુરુની સેવામાં જોડાય છે. હકીકતમાં આ લક્ષની એકતા ત્રણે યોગને માટે સમાનભાવે આદરણીય હોવાથી શાસ્ત્રકારે અહીં ‘ત્રણે યોગનું એકત્વ’ એ શબ્દ મૂકયો છે. હકીકતમાં ત્રણે યોગો એક નથી પરંતુ ત્રિયોગનું લક્ષ તે એક છે. ત્રણે યોગ એક જ દિશામાં પ્રવાહિત થાય છે. એક સદ્ગુરુ પ્રત્યે ત્રણે યોગ સમ્યક્ પ્રવૃત્તિથી જોડાય છે, તેથી અહીં ત્રણે યોગની એકતા કહી છે.
ઉદાહરણરૂપે, સાધન અલગ અલગ હોય પરંતુ બધા સાધનો યોગ્ય ગુણધર્મથી એક કાર્યને નિષ્પન્ન કરે ત્યારે ત્યાં બધા સાધનોનું એકત્ત્વ સ્થાપિત થાય છે. પરિણમન લક્ષને અનુકૂળ હોવાથી સાધનનો સુમેળ એકત્ત્વરૂપે પ્રતિભાષિત થાય છે. ઘરમાં આવેલા કોઈ ભાગ્યશાળી અતિથિના સન્માનમાં પતિ-પત્ની-પુત્રો, પુત્રવધુ કે પુત્રી સહુ ભકિતથી જોડાય જાય અને અતિથિનું બધા મળી એક યોગ્ય સન્માન જાળવે, જેમાં દ્વિધાભાવ ન હોય, પરિવારના બધા સભ્યોમાં એકવાકયતા હોય ત્યારે એમ કહી શકાય કે સેવામાં બધા સભ્યો એક થઈ ગયા હતા. હકીકતમાં અતિથિ એક છે, તેમનું સન્માન, તે પરિવારનું લક્ષ છે. પરિવારના બધા સભ્યો સ્વતંત્ર છે પરંતુ લક્ષને અનુકુળ પરિવારના બધા સભ્યોમાં સમાન પ્રવૃત્તિના દર્શન થયા, ત્યારે બાહ્યભાવે તેમનું એકત્વ જોઈ શકયા. અસ્તુ.
આ સ્થૂળ ઉદાહરણથી ઉપરના ત્રણે યોગની એકતાને જાણી શકાય છે. સંક્ષેપમાં યોગોની પ્રવૃત્તિમાં ચૈતભાવ નથી, લક્ષને અનુકુળ ત્રણે યોગો એક થઈ ગયા છે.
મન તે જીવાત્માનું સૂક્ષ્મ ઉપકરણ છે. તે સૂક્ષ્મ પરમાણુઓનું બનેલું કર્મજનિત ઉદયભાવની તીક્ષ્ણધારારૂપ છે. પ્રત્યેક પળે આ સૂક્ષ્મ પરમાણુઓ આંતરિક ઈચ્છાને અનુકૂળ પ્રતિકૂળ શુભાશુભ કર્મોના પ્રભાવ પ્રમાણે વિકાર પામી અતિ વેગવાન પધ્ધતિએ ગતિશીલ રહે છે. વચનયોગ અને કાયયોગ તે સ્થૂળયોગ છે, જોઈ શકાય તેવા છે, સાંભળી શકાય તેવા છે, પરંતુ મનોયોગ શું છે? અને મન શું છે ? અને મનનું સ્થાન કયાં છે ? મન કેવી રીતે કામ કરે છે ? તે ઘણો જ ગૂઢ વિષય છે. મોટા મોટા મહાત્માઓ અને સાધક યોગીઓ પણ મનની પ્રવૃત્તિને હજી પૂર્ણ રીતે સમજી શકયા નથી. આજકાલના વિજ્ઞાનમાં પણ મનોવિજ્ઞાન, માનસિક ચિકિત્સા ઈત્યાદિ વિષયક વૈજ્ઞાનિક શાસ્ત્રો પણ લખાયા છે પરંતુ ડૉકટરો હજી મનની ગતિને પામી શકયા નથી. મનની ગતિ પણ ઘણી જ વિચિત્ર અને અવળા લગામના ઘોડા જેવી છે એટલે મનને સર્વથા સાધી શકાય કે કેમ? તે એક અનત્તર પ્રશ્ન છે. છતાં પણ મનની સાધનાઓ ચાલે છે અને ઘણે અંશે મનપર કાબુ મેળવી મનોયોગને સ્થિર કરી તેનાથી સાધક લાભ પણ મેળવે છે. મનોયોગનું ઉપાદાન કોઈ માનસિક ભૂમિ છે. જયાં અતિસૂક્ષ્મ પૌદ્ગલિક પરમાણુ અને તેના સૂક્ષ્માતિસૂક્ષ્મ રજકણો ક્ષણે ક્ષણે સાંયોગિક અને વિયોગિક ક્રિયામાં નિરંતર પ્રવૃત્ત રહે છે. મનોયોગ તે નિરંતર ગતિશીલ તત્ત્વ છે. અહીં આપણે ટૂંકમાં એટલું જ કહેશું કે જયારે સદ્ગુરુની પ્રાપ્તિ થાય છે ત્યારે
૩૪૧