Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
જેમ ખેતરમાં ઝાડી, ઝાંખરા, કાંટા, કચરા કાઢી નાંખવાથી ખેતર શુધ્ધ થાય છે, પરંતુ જયાં સુધી ઉત્તમ બીજનું વાવેતર ન થાય ત્યાં સુધી બીજો પાક પેદા થતો નથી, એ જ રીતે કષાયનો પરિત્યાગ કર્યા પછી ઉપશમ ભાવોનો સ્પર્શ કરવાનો છે. જો કે અહીં કષાયનો સદ્ભાવ એ પ્રતિયોગી હોવાથી ઉપશમના પ્રગટ થવામાં બાધક છે, તેથી કષાયનો પરિત્યાગ કરવો બહુ જરુરી છે, પરંતુ સાથે સાથે ઉપશમ ભાવોનો ઉદ્ભવ પણ જરુરી છે. જેમ જડ પદાર્થમાં ક્રોધ નથી પરંતુ ત્યાં ક્ષમા પણ નથી. તેમ આત્મામાં ક્રોધ ન હોય પરંતુ જયાં સુધી ક્ષમાના ગુણ વિકસે નહીં ત્યાં સુધી ક્રોધના અભાવનું મૂલ્ય નથી. લક્ષ કે જ્ઞાન વિના ક્રોધનો ત્યાગ થઈ જાય તો તે એક પ્રાકૃતિક અવસ્થા છે. તે સાધના નથી. જયારે જ્ઞાનપૂર્વકની ક્ષમા તે એક સાધના છે. અહીં અમે આટલું ઊંડાઈથી વિવેચન એટલા માટે કરી રહ્યા છીએ કે આ ૩૮ મી ગાથાનું પ્રથમ પદ સાચી રીતે સમજવાની આવશ્યકતા છે. તેમાં લખ્યું છે કષાયની ઉપશાંતતા' એટલે કષાયનો અભાવ અને ઉપશાંતતા શબ્દ વાપરીને ઉપશમ ભાવનું વિધાન પણ કર્યું છે. આમ એક શબ્દમાં બે ભાવ પરસ્પર સ્થાપિત કર્યા છે. હકીકતમાં કષાયની ઉપશાંતતા નથી, પરંતુ કષાયનો અભાવ છે અને ઉપશમભાવનો ઉદ્ભવ છે.
કષાય તે ક્રોધ માન માયા લોભ આદિ વિકારી પરિણામો છે જયારે ઉપશમભાવમાં ક્ષમા, સરળતા, નમ્રતા અને સંતોષ, ઈત્યાદિ ઉપશમ ભાવો છે. વિકારી પરિણામનું જાવું જેટલું જરુરી છે તેટલું જ આ સ્વાભાવિક ગુણોનું પ્રગટ થવું પણ જરુરી છે.
અહીં એક સુંદર નાનું ઉદાહરણ આપીએ. રાત્રિની પ્રચંડ ઠંડીમાં એક ઝેરી સાપ ઠૂંઠવાઈ ગયો, ઠંડો પડી ગયો, હલન ચલન બંધ થઈ ગયું, એક મહિલાએ આ સાપ નિશ્ચેષ્ટ જોયો, તેને બહુ સુંવાળો લાગ્યો. ઉપાડી લીધો અને બોલી કે વાહ સાપનું ઝેર ચાલી ગયું છે. બાળકને રમવામાં કામ આવશે. એમ કહી રસોઈ કરવા બેઠી, ત્યારે થોડે દૂર સાપને મૂકયો હતો. ચૂલાની ગરમીથી સાપ જાગૃત થતાં તેની વિષાકત વૃત્તિ ઉદ્ભવી અને ધીરે ધીરે તે ગતિશીલ બની મહિલાના પગ સુધી પહોંચી ગયો અને તેણે ડંખ માર્યો. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ અન્ય કારણોથી કષાયનો અભાવ થાય કે બહુ ઘોર તપશ્ચર્યા કરવાથી વૃત્તિઓ ઠૂંઠવાઈ જાય અને સાધકને એમ લાગે કે મારા બધા કષાય ચાલ્યા ગયા છે. હકીકતમાં ત્યાં કષાયનો અભાવ થયો છે, અથવા અન્ય કારણોથી કષાય શાંત દેખાય છે. પરંતુ વિપક્ષમાં સદ્ગુણ પ્રગટ થયા નથી, ત્યાં સુધી આ કષાયના અભાવનું મૂલ્ય નથી. કષાય શાંત થયા પછી ઉપશમ ભાવો પ્રગટ થવા જોઈએ અસ્તુ.
અહીં ઉપશમ શબ્દ વાપર્યો છે. તે ખાસ ગુણસ્થાન ક્રમમાં ઉદ્ભવતા સ્વભાવ પરિણામની એક અવસ્થાને લક્ષીને વાપર્યો છે. કારણ કે સાધના અવસ્થામાં ક્ષાયિક ભાવો નીચેના ગુણસ્થાનોમાં પ્રગટ થતાં નથી, પરંતુ ક્ષયોપશમ અને ઉપશમનો પ્રભાવ હોય છે. કવિરાજે ઉપશમ શબ્દ મૂકયો છે. તે ઘણો જ જ્ઞાનપૂર્વક દર્શનશાસ્ત્રને અનુલક્ષી સાચો બોધપાઠ આપ્યો છે. ઉપશમભાવ તે શું છે તે આપણે પૂર્વમાં કહી ગયા છીએ. અહીં અભ્યાસી વ્યક્તિએ ખાસ ધ્યાન આપવાનું છે કે ઉપશમભાવ ફકત કષાયનો એટલે કે મોહનીય કર્મનો જ થઈ શકે છે. જ્ઞાનાવરણીય આદિ કર્મોના ક્ષયોયશમભાવ હોય છે, ઉપશમભાવ હોતો નથી, તે ક્ષયોપશમભાવો સહજ રીતે પ્રગટ થતાં હોય
૩૬૪