Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ગાથા-૩૮
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવ ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ II
કષાયની ઉપશાંતતા : ગાથાના પ્રારંભમાં કહ્યું છે કે કષાયની ઉપશાંતતા' હકીકતમાં મોહનીય કર્મ એક જ એવું કર્મ છે કે જેને ઉપશમાવી શકાય છે. મોહનીય કર્મના બે ભાગ. મિથ્યાત્વમોહનીય અને ચારિત્ર મોહનીય. આ બન્ને શાખાઓને ઉપશમાવી શકાય છે. શાસ્ત્રમાં ઉપશમાભાવના બે પ્રકાર પ્રસિધ્ધ છે અસ્તુ.
તેનું વિવેચન શાસ્ત્રીય દ્દષ્ટિએ પણ જાણી લેશું. પરંતુ અહીં કષાયની ઉપશાંતતા કહી છે તેનો ભાવ એવો છે કે વર્તમાન કષાય જો મન–વચનને કે કાયાના યોગોને કે આત્મિક સ્થિતિને પ્રભાવિત કરતા હોય અને તેની પ્રબળતા હોય તો ત્યાં બહુ આશા રાખી ન શકાય અને તે જીવ પણ આત્માર્થને મેળવવામાં સફળ ન થઈ શકે.
કષાય એ એક એવું તત્ત્વ છે જે ચારિત્ર ગુણોનું હનન કરે છે અને મિથ્યાત્ત્વને ટકવામાં પણ સહાયક બને છે. જો અનંતાનુબંધી કષાય છૂટી જાય તો મિથ્યાત્ત્વ ઊભું રહી શકતું નથી. આ ગાઢ મોહનીયનો ઉપશમ કે ક્ષયોપશમ નિતાંત આવશ્યક છે. તેના જવાથી જ સમ્યગ્દર્શનરુપી આંખ ખૂલે છે. જ્ઞાન પણ ત્યારે જ સમ્યજ્ઞાન બને છે. સાધનાના જે બે પ્રબળ સ્તંભ સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્ર (સમ્યગ્દર્શનની સાથે સમ્યજ્ઞાન સમજી લેવાનું છે.) આ વિકાસ શ્રેણીનો આધાર છે. તે બન્નેના વિકાસથી જ બાકીના ગુણોનો વિકાસ થાય છે. અસંયમ અને અવ્રતની ભાવનાઓ લય પામે છે. આ બન્ને સ્તંભને હાનિકર્તા કષાય અને મિથ્યાત્વ, આત્માની ઉત્ક્રાંતિમાં ભયંકર આડખીલી કરનારી શિલાઓ છે. માટે અહીં કવિરાજ કહે છે ભાઈ કષાયની ઉપશાંતતા, તે આત્માર્થીનું એક ઉત્તમ લક્ષણ છે.
અહીં એક રસમય વિષય એ છે કે મતાર્થી અને આત્માર્થના જે લક્ષણો છે તે પરસ્પર વિધિ નિષેધ ભાવે અથવા નકારાત્મક અને સકારાત્મક ભાવે પ્રરૂપ્યા છે. જે ગુણોનો અભાવ છે તે મતાર્થીમાં જાય છે અને એ જ ગુણોનો સદ્ભાવ તે આત્માર્થીના પક્ષમાં જાય છે. એ જ રીતે જે કુભાવો મતાર્થીમાં અસ્તિત્ત્વ ધરાવે છે તેનો નિષેધ આત્માર્થીમાં પ્રદર્શિત કર્યો છે. આમ વિધિ નિષેધભાવે વર્ણન કર્યું છે, તેથી સ્પષ્ટ થાય છે કે સારા અને ખરાબ લક્ષણો અને કુલક્ષણો આત્મામાં વિધિ નિષેધરુપે અસ્તિત્ત્વ ધરાવે છે. આપણે અહીં તેના ત્રણ ચાર નમૂના લેશું, જેથી આ ૨સમય ભાવો જાણી શકાશે અને અવળી સવળી પ્રકૃતિનું જે વ્યાખ્યાન થયું છે તે પણ આશ્ચર્યજનક રીતે બોધદાયી બને છે.
વિધિ નિષેધ ભાવથી પરસ્પર વિરોધી જે લક્ષણો બતાવવામાં આવે છે એ સામાન્યપણે એક જ વાતનું કથન કરી જાય છે. જેમ કે સદ્ગુણનું ન હોવું અને સદ્ગુણનું હોવું. આ બન્ને નિષેધ વિધિ શબ્દો સદ્ગુણનું આખ્યાન કરે છે અર્થાત્ નિષેધથી જે ભાવ પ્રગટ થાય છે તે ભાવ વિધિ
૩૨