Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
કયારેય પોતાના પરિણામમાં બાંધછોડ કરતું નથી. સદા સત્ય સ્વરૂપે પ્રકાશિત થતું હોય છે. આવું સૈકાલિક સત્ય સ્વરૂપ પરમાર્થના પંથને બીજી કોઈપણ રીતે વિભકત કરી શકાતું નથી. આત્મા જેમ અખંડ અને અવિનાશી છે, તેમ તેનો આ પંથ પણ, આ માર્ગ પણ અખંડ, અવિનાશી છે. તેનું સત્ય પણ શાશ્વત છે. આ સિધ્ધાંત તે અવિકલ્પ સત્ય ઉપર સ્થાપિત થયેલો છે. આવા સિધ્ધાંતોથી પરિપૂર્ણ પરમાર્થનો પંથ પણ શાશ્વત ભાવથી ભરેલો છે.
અહીં સિધ્ધાંત, સત્ય, પંથ, માર્ગ ઈત્યાદિ બધા શબ્દોનો જે પ્રયોગ કર્યો છે પરંતુ તેના પ્રાણ સ્વરૂપે એક સૈકાલિક સત્યનો ઉદ્ઘોષ કર્યો છે.
લક્ષણ લક્ષની ભેદ અભેદતાઃ અહીં શાસ્ત્રકારે પરમાર્થ અને પરમાર્થનો પંથ' તેવા બે શબ્દ વાપર્યા છે. સાધન અને સાધ્ય, લક્ષ અને લક્ષણ, ધ્યેય અને ધ્યાન, આ બધા સાધનાના ક્ષેત્રમાં જે બે ભાવ જોડાયેલા છે અને કારણ કાર્યરૂપે તેનું વિવેચન થયેલું છે, તે ઉપદેશરૂપે આવશ્યક છે. પરંતુ હકીકતમાં સાધન, સાધ્ય કે કાર્ય કારણ, ધ્યાન–ધ્યેયમાં શું અંતર છે? અને કયા કારણથી બન્નેને ભિન્નરૂપે સમજાવીને ઉપદેશ અપાય છે. હકીકતમાં શું આ બને અવસ્થા ભિન્ન ભિન્ન છે ? તેનો ઉત્તર પણ આપણે આ પરમાર્થ અને પરમાર્થનો પંથ એમ કહીને જે ઉપદેશ આપ્યો છે તેનું સૂક્ષ્મ દ્રષ્ટિએ નિરીક્ષણ કરી ઉચિતભાવ મેળવવા પ્રયાસ કરીશું.
જ્ઞાતા, જ્ઞાન, શેય અને પ્રાપ્તિ, પ્રમાતા, પ્રમાણ, પ્રમેય અને પ્રમિતિ. આ રીતે કોઈપણ કાર્યને ક્રિયાત્મક અવસ્થામાં કાર–કરણ કે ઉપકરણ એ બધાનો વિચાર થતો હોય છે અને તેને આધારે ઉપરોકત ત્રણ–ચાર કે તેથી અધિક વિભાગ જોવા મળે છે. જયારે ટૂંકમાં આવી ક્રિયા બે ભાગમાં પણ વિભકત થઈ જાય છે. ઉપરમાં જે ચાર પ્રકાર બતાવ્યા છે. તેમાં પણ કરણ–ઉપકરણ–અધિકરણ કે સંબંધ આદિ અંશો જોડીએ તો ચારથી વધારે અંશો જોઈ શકાય છે. ઉદાહરણ રૂપે આપણે એક ધૂળ વસ્તુને ગ્રહણ કરીએ.
કુંભાર ઘડો બનાવે છે. ત્યાં કુંભાર તે નિર્માતા છે. ઘડો તે તેનું લક્ષ અથવા કાર્ય છે, જે કુંભારનું સાધ્ય છે. તેને નિર્માણ પણ કહી શકાય. નિર્માણના સાધનરૂપે માટી તે ઉપાદાન કારણરૂપે છે. ચક્રન્ચીવર ઈત્યાદિ નિમિત્ત કારણ છે અને એ જ રીતે બીજા બાહ્ય કાષ્ટના દંડ કે (ચક્ર) બાહ્ય સાધન તેના ઉપકરણ છે. માટી સ્વયં ઘડાનું નિશ્ચય અધિકરણ છે, જયારે સ્થાન ઈત્યાદિ બાહ્ય અધિકરણ છે, આ બધા સંયોગોનો આશ્રય લઈ તેનું કાર્ય સંપાદિત થાય છે. અહીં તેને આપણે બે ભાગમાં વિભકત કરીએ તો ઘડો તે ધ્યેય છે અને ઘડાના ઉત્પન્ન કરવાના બધા સાધનો તેના નિર્માણ પંથ છે. આ જ રીતે જ્ઞાન તે ધ્યેય છે અને જ્ઞાન પ્રાપ્તિના સાધન તેનો માર્ગ કે પંથ છે. આમ ધ્યેય, ધ્યાન કે ધ્યાતા એ બધા વિભકત હોવા છતાં બધા સંગ્રહ દષ્ટિએ એક જ છે. એકરૂપ થઈ જાય છે. સાધનની ક્રિયાઓની પૂર્ણાહૂતિ તે જ સાધ્ય છે. સાધનાની પૂર્ણાહૂતિ તે જ સિધ્ધિ છે. પરમાર્થના પંથનું અંતિમ બિંદુ સ્વયં પરમાર્થ છે. આ રીતે સૂક્ષ્મદ્રષ્ટિએ વિચારતા પરમાર્થ અને તેનો પંથ બને એકરૂપ છે પરંતુ સાધના કાળની અપેક્ષાએ તેને બે ભાગમાં વિભકત કરી અહીં પરમાર્થનો પંથ' તેમ લખ્યું છે. પરમાર્થનો પંથ તે કોઈ વ્યકિતની વિચારધારાથી ઉદ્ભવેલો ફકત વિચારાત્મક માર્ગ નથી.
૩૪૭