Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
નિમિત્તભાવે તે કાર્યકારી પણ હોય છે. ખેડૂત અન્ન પેદા કરે છે, કારીગરો મકાન બનાવે છે કે બીજા વિશ્વના કોઈ આવશ્યક કર્મો નિર્માણ થાય છે તેમાં આ વ્યવહારિક પક્ષ નિમિત્તભાવે કર્તાની આવશ્યકતાને સિધ્ધ કરે છે અને એક પદાર્થ જયારે કર્તા બને ત્યારે બાકીના નિમિત્તો તેનું કર્મ બને
છે.
કર્તાને કે સાધકને કોઈપણ નિમિત્તભાવે કંઈ પણ પ્રાપ્તિ થાય છે ત્યારે સદ્ગુરુનો એ સ્વભાવ છે કે બીજાને તેમાં ભાગીદાર બનાવે અને પોતેપોતામાં સીમિત ન રહી સહુને લાભ મળે, સર્વત્ર તેનો પ્રકાશ ફેલાય, તેવી સત્ત્વગુણ પ્રભા ઉદ્ભવે છે. તમોગુણ તે મનુષ્યને લોભી બનાવી બધી શકિતને પોતામાં સંચિત કરી પોતે જ ઉપભોકતા બને તેવા કષાયભાવોને દઢ કરે છે, જયારે સત્ત્વગુણ પોતે સુખી થાય અને પોતે જે આધ્યાત્મિક આનંદ અનુભવે છે તેવો આનંદ અન્યને પણ મળે અને સમાનભાવે તે શાંત તત્ત્વ પ્રસારિત થાય તેવા અકષાયભાવો કે ઉપશમભાવો વિકાસ પામે છે અને કષાયને મંદ કરે છે. આ છે પ્રેરણાનું કે સત્ પ્રેરણાનું મૂળ સૂક્ષ્મ બીજ. શુદ્ધ પ્રેરણા કર્તા અને કર્મ વચ્ચેની એક સત્ત્વગુણ ભરેલી રેખા છે. અશુધ્ધ પ્રેરણાઓને સામાન્ય રુપે આપણે પ્રેરણા કહી શકતા નથી, તેથી અહીં સત્ત્વ ગુણમય શુધ્ધ પ્રેરણા ગ્રહણ કરવાની છે. ટૂંકમાં કહેવાનો આશય એ છે કે જયાં કર્તાપણાનો અહંકાર નથી છતાં પણ નિમિત્તભાવે જે કાંઈ તત્ત્વનો પોતે સાધક બન્યો છે કે કર્તા બન્યો છે તેવા ભાવોને બધા આત્મા સુધી પહોંચાડવાની વૃતિ તે પ્રેરણા છે. પ્રેરણા એ દિવ્ય પ્રભાવ છે. પ્રેરણા તે પરમાત્માથી પ્રાપ્ત થયેલી સમગ્ર સમાજને જાગ્રત કરવાની સંજીવની છે, એક અમૂલ્ય તત્ત્વ છે, જેથી અહીં કવિરાજે પ્રેરે છે તેમ કહીને પ્રેરણારુપ દિવ્ય રત્ન પ્રકાશિત કર્યું છે. પ્રેરણામાં કતૃત્ત્વના અહંકારની ગંધ નથી, પરંતુ સહજભાવે ફેલાતી સૌરભ છે. જેમ પુષ્પ સ્વયં સુગંધિત થયા પછી સ્વતઃ ચારે તરફ સૌરભ ફેલાવે છે. તેમાં કોઈ સૌરભ ફેલાવવાનો અહંકાર નથી. સ્વાભાવિક ક્રિયાત્મક ગુણ છે. તેમ અહીંયા પરમાર્થનો પંથ પુષ્ટ થતાં, આનંદની સુગંધ ભરપુર થતાં, ચારે તરફ પોતાની સૌરભ ફેલાવે છે અને સ્વયં પંથ હોવા છતાં પરમાર્થની પ્રેરણા આપે છે, જાણે પરમાર્થનું દાન કરે છે, સહુને પરમાર્થ તરફ વળ વા માટે બંસી બજાવે છે, દિવ્ય ધ્વનિ પ્રગટ કરે છે. આ રીતે આ પંથની ઉજ્જવળ વ્યવહારદશા પણ પ્રગટ થાય છે. જેમ સુકુળની ચારિત્રવાન કન્યા શ્વસુરપક્ષમાં સ્વયં તો ગુણી છે જ પણ પૂર્ણ પરિવારને પણ પરોક્ષભાવે પ્રેરણા આપે છે અને સમગ્ર પરિવારને પ્રભાવિત કરે છે. તેમ આ પરમાર્થનો પંથ સમાજમાં કે જે જે વ્યકિતઓમાં પ્રગટ થાય ત્યારે તે વ્યકિત પૂરતો સીમિત ન રહેતા સમગ્ર વાયુમંડળને પ્રભાવિત કરે છે, દિવ્યતાનો સંદેશ આપે છે અને પરમાર્થ માટે સહુને પ્રેરણા આપે છે, પરમાર્થ તરફ જવા માટે આંગળી ચીંધે છે. જરાપણ દબાણ કર્યા વિના સહજભાવે સમજીને ચાલવાની એક સાધનારૂપ કળાનું પ્રદર્શન કરે છે. ધન્ય છે આ પરમાર્થ પંથને ! તેનો આંતરિક પક્ષ અગોચર છે. જયારે તેનો આ વ્યવહાર પક્ષ દશ્યમાન દષ્ટિગોચર છે. સાક્ષાત્ આસ્વાદ લઈ શકાય તેવો તેનો સ્થૂલ પ્રભાવ જોઈ શકાય છે. પરમાર્થના પથરુપ લતામાં લાગેલ સુગંધમય પુષ્પ છે, પંથનું નવનીત છે, જે પરમાર્થ તરફ પ્રેરણા આપે છે. પ્રેરણા તે અહંકાર રહિત જીવવાની, સમજવાની, સમજાવવાની એક નિરાલી પધ્ધતિ છે. જૈનશાસ્ત્રોમાં જેમ
૩૫૦