Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
નીતિ નિયમોનું, વ્રત સાધનાનું કે શુધ્ધ આચરણનું ઉદ્ધોધન પણ કરે છે. આમ પરમાર્થના પ્રાગટયની સાથે સાથે બીજી પણ નૈતિક આરાધના કરવા યોગ્ય ભકિતરૂપ પ્રેરણાનો પ્રવાહ પણ પ્રવાહિત કરે છે. અને તેને અહીં પ્રેરે એમ કહ્યું છે. કોણ પ્રેરે છે? જેમ બીજમાં પડેલી શકિત માટી અને પાણીને સંચિત કરી અંકુરિત થવા માટે ગુપ્તભાવે પ્રેરતી હોય છે, બળ આપતી હોય છે. તેમ અહિં પરમાર્થના પંથરૂપ બીજ જયારે અંતરાત્મામાં વિકાસની અવસ્થામાં આવે છે ત્યારે મન–પ્રાણ-ઈન્દ્રિયોને તથા અંતર બાહ્ય બધા અંગોને આકૃષ્ટ કરીને સાધનાના ક્ષેત્રમાં જવાની પ્રેરણા આપે છે અને જીવનને ભકિતમય બનાવે છે. આ છે પરમાર્થ પંથનો બાહ્ય વ્યવહાર પક્ષ.
સંપૂર્ણ આત્મસિધ્ધિમાં શાસ્ત્રકારની દક્ષતા દ્રષ્ટિગોચર થાય છે. અને તેમની ન્યાયબુધ્ધિ એટલી બધી સંતુલિત છે કે ન્યાય આપવાનું ચૂકયા નથી. નિશ્ચય અને વ્યવહાર, આત્મા, આરાધના અને વ્યવહાર આમ જયાં જયાં પ્રસંગ પડયો ત્યાં બને ભાવને સાથે રાખી જ્ઞાનમાર્ગની કોતરણી કરી છે. જ્ઞાનક્રિયાનું બન્નેની ઉપાસનાનું સંતુલન બરાબર જાળવ્યું છે, એકાંત ભાવોનું સાફ શબ્દોમાં નિરાકરણ કર્યું છે.
આત્મસિધ્ધિના પ્રારંભના, પદોમાં કહ્યું છે કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાની કોઈ ત્યાં પણ એકાંત ભાવનું ખંડન કરી, એકાંતભાવની આકરી ટીકા કરી અત્યંત ઉચિત શબ્દોથી બને ભાવોને સ્પર્શ કરવા માટે સ્વયં પ્રેરણા આપી રહ્યા છે. અહીં પણ પરમાર્થનો પંથ તે સૂક્ષ્મ આરાધના હોવા છતાં વ્યવહારદશાને બરાબર જાળવી રાખે છે. તેમ કહીને આ ગાથામાં પણ બને ભાવોનું ઉદ્ઘાટન કર્યું છે અને પરમાર્થ પંથનો પણ એક વ્યવહાર પક્ષ છે અને આ વ્યવહાર પક્ષ પણ પરમાર્થ પંથથી સ્વયં પ્રેરિત થયેલો કે ઉદ્ઘોધિત થનારો છે. તેમ કહીને પરમાર્થ પંથની દ્વિવિધ શકિતનું દર્શન કરાવ્યું છે.
પ્રેરણા : પ્રેરે છે તેનો અર્થ પ્રેરણા આપે છે. અહિં આપણે પ્રેરણા શબ્દ ઉપર થોડો વિચાર કરીએ. વિશ્વમાં જે કાંઈ ક્રિયમાણ છે તેનું મૂળ ઉપાદાન કારણ તો સ્વયં પદાર્થની દિવ્ય સત્તા છે. અથવા દિવ્ય શકિત છે, તે સત્તાનું કોઈ સાક્ષાત્ ઉલ્લંઘન કરી શકતું નથી, જયારે બે દ્રવ્યો કે બે વ્યકિતઓ સામે સામે આવે છે ત્યારે પરસ્પર નિમિત્ત બની, કર્તા કર્મની એક જંજીર ઉત્પન્ન કરે છે. આ કર્તા કર્મની મૂળ સાંકળ તો સત્ય ન હોવાથી પરમાર્થ રૂપે અસ્તિત્ત્વ ધરાવતી નથી. પરંતુ નિમિત્તભાવે હું કર્તા છું તેવો આભાસ ઉત્પન્ન કરે છે અને બીજા જીવોમાં પણ બીજો કોઈ કર્તા છે તેમ નિમિત્તભાવે કર્તુત્વની સ્થાપના થાય છે.
આ કર્તૃત્ત્વ ક્યારેક અહંકારથી પેદા થાય છે. કયારેક જનવૃંદ તેને સન્માનરુપે કર્તૃત્વ અર્પણ કરે છે અને કર્તા બનાવે છે. યુગની આદિમાં જયારે કોઈ રાજા કે રાજય નહોતું ત્યારે પણ વ્યવહારિક આવશ્યકતાના આધારે સહુએ મળીને એક શકિતશાળી વ્યકિતને રાજપદ આપ્યું રાજાએ તે સ્વીકાર્યું. હું સમગ્ર રાજયનો ચલાવનાર છે તેવો અહંકાર જનતાના સન્માનમાંથી ઉદ્ભવ્યો, આ રાજાશાહીએ વિશ્વમાં કેટલા પ્રચંડ નાટકો ભજવ્યા તે ઐતિહાસિક ઘટનાઓ ઈતિહાસના પાના ઉપર પ્રસિધ્ધ છે. એટલે આ કર્તૃત્ત્વ બહુધા અંશે મિથ્યા હોય છે. પરંતુ કર્ણનો બીજો પક્ષ એ છે કે
૩૪૯