Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ગાથા-૩૬
એક હોય ત્રણ કાળમાં; પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત II
‘એક હોય' તેવા ભાવ સાથે આ પદની શરૂઆત થાય છે. અહીં શાસ્ત્રકાર અનુમાન શૈલીમાં બોલી રહ્યા છે. ‘એક હોય' નો અર્થ છે એક હોવો જોઈએ. બીજો નિશ્ચયાત્મક ભાવ. એ પણ છે કે એક છે. અહીં એક શબ્દ જે મૂકેલો છે તે કયા ગુણનું વિશેષણ છે ? પ્રથમ તે ઊંડાઈથી સમજવું જરૂરી છે. પરમાર્થનો પંથ એક છે તે શું ઉચિત છે ? પરમાર્થ તો ભિન્ન ભિન્ન રૂપે અનેક ગુણાત્મક હોવાથી અનેકરૂપે અસ્તિત્ત્વ ધરાવે છે અને પરમાર્થ એક હોય છતાં પણ તેમા પંથ તો ઘણા વિભિન્ન હોવા જોઈએ. અત્યારે આપણે અહીં પંથ શબ્દની વ્યાખ્યા કરી રહ્યા નથી પરંતુ એક શબ્દની વ્યાખ્યા કરીએ છીએ.
એક ખાસ મહત્ત્વપૂર્ણ દાર્શનિક સિધ્ધાંત : દર્શનશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનના શાસ્ત્ર એમ કહે છે કે એક સંખ્યા જ સત્ય છે. એકથી વધારે બે–ત્રણ-ચાર આદિ અંકો, સંખ્યાત ઈત્યાદિ સંખ્યા કાલ્પનિક અને મિથ્યા પણ છે. એક સંખ્યાનું અસ્તિત્ત્વ પદાર્થ માત્રમાં છે અને બાકીની બધી સંખ્યાઓ બૌદ્ધિક અને માનસિક છે, કાલ્પનિક છે. મનુષ્ય પોતાની બુધ્ધિથી બે, ત્રણ ઈત્યાદિ સંખ્યાની સ્થાપના કરે છે. જયારે પદાર્થ તો સદાકાળ માટે એક જ હોય છે. પદાર્થનું એકત્ત્વ તે તેનો શાશ્વત ગુણ છે. તેમાં દ્વિધારૂપ પ્રગટ થઈ શકતું નથી.
દૃષ્ટિની સામે રાખેલા પાંચ ઘડા તેને આપણે પાંચ ઘડા એમ કહીએ છીએ પરંતુ ઘડા પાંચ છે જ નહીં. પાંચેય ઘડા એક એક છે. ઘડાને ખબર નથી બીજો કોઈ ઘડો છે. પાંચેય ઘડાનું એકત્વ સ્વતંત્ર છે. તેનું સ્વરૂપ પણ ન્યારું છે. પરંતુ ઘડાની સામે બેઠેલો બૌધ્ધિક માનવી ઘડાના સમાન ધર્મ જોઈ તેની સમાનતાના આધારે અને સમાન ધર્મની સંગ્રહનયની દ્દષ્ટિએ મનોગત સ્થાપના કરી બે, ત્રણ, ચાર એમ ગણના કરે છે અને પોતાના હિતાહિતની દ્દષ્ટિએ પાંચ ઘડાની સંખ્યાનું એક ઘટક મનમાં નિર્માણ કરે છે. જયારે હકીકતમાં પાંચેય ઘડા પાંચ નથી. પરંતુ બધા ઘડા એક એક છે. આમ એક સંખ્યા શાશ્વત છે અને બાકી સંખ્યા બૌધ્ધિક છે. આ સિધ્ધાંત એટલો બધો ગૂઢ અને માર્મિક સિધ્ધાંત છે કે પરમ આધ્યાત્મિક દ્દષ્ટિમાં જ જીવાત્મા આ સિધ્ધાંતનું અવલંબન કરી નિશ્ચયભાવોને પ્રાપ્ત કરી, નિશ્ચયનયનું અવલંબન કરી સમગ્ર વિશ્વના પદાર્થોને સ્વતંત્ર એક એક રૂપે નિહાળી જૈતભાવથી મુકત થાય છે અને અદ્વૈતનો સિધ્ધાંત સ્થાપિત કરે છે. વેદાન્તનો જે અદ્વૈત સિધ્ધાંત છે તેનો મર્મ પણ હજારો અદ્વૈતવાદી જાણતા નથી અને સમગ્ર વિશ્વ એક છે અથવા “બ્રહ્મ સત્ય, જગત મિથ્યા” એમ કહીને પૌદ્ગલિક સત્તાનો અભાવ બતાવે છે, તે સાચો અદ્વૈતવાદ નથી. અદ્વૈતવાદનો માર્મિક અર્થ એ જ છે કે અહીં દ્વૈત નથી. બધુ એકત્વરૂપે પોતપોતાના સ્વરૂપને ધારણ કરી પ્રવર્તમાન છે. આધ્યાત્મિક શ્રેણીમાં આરૂઢ થયેલો યોગી અથવા જ્ઞાની જયારે એકત્ત્વ સંખ્યાને શાશ્વત માની બધા પદાર્થોમાંથી દૈતભાવનું વિસર્જન કરી એકત્ત્વના દર્શન કરે છે. વિશ્વના જે કોઈ તત્ત્વો છે તે સૌ એક એક રૂપે પોતાનું અસ્તિત્ત્વ ધારણ કરી
૩૪૫