Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
સમૃધ્ધ કરે છે અને આધેયની ગેરહાજરીમાં આધાર નામ માત્ર રહી જાય છે. ઘી ભરેલું હોય ત્યારે તે સાચા અર્થમાં ઘીનો ઘડો છે. ઘી ખાલી થયા પછી પણ વ્યવહારમાં તે ઘીનો ઘડો કહેવાય છે પરંતુ તે નામ માત્ર છે. અહિં ઘી રૂપ આધેયથી જ આધારને નામ પ્રાપ્ત થયું છે. મુનિ આધાર છે. પણ મુનિનો ભાવ આત્મજ્ઞાનરૂપી આધેયથી તેને પ્રાપ્ત થયો છે. આત્મજ્ઞાન નથી છતાં મુનિ કહેવાય છે તે ફકત નામ માટે છે. આધેય તેનો મુખ્ય ધર્મ છે, આત્મજ્ઞાન.
આત્મા અનંત કાળથી સ્વયં અનંતગુણનો આધાર છે, અનંત શકિતનો આધાર છે. આ આધારે તે સૈકાલિક છે અને તેમાં રહેલું જ્ઞાન પણ સૈકાલિક અને શાશ્વત છે. જ્ઞાન જ્ઞાનીનો સંબંધ અખંડ, અવિનાશી છે. પરંતુ મતિ–શ્રત આદિ જ્ઞાનના પ્રાગટયમાં વિશેષ રૂપે આ શાશ્વત સંબંધને સમજનારી પર્યાય પ્રગટ ન થઈ હોય, તો ત્યાં આત્મજ્ઞાનનો અભાવ છે. આત્મારૂપી વિષયને સ્પર્શ કરતી આત્મજ્ઞાન રૂપ પર્યાય તે પોતાના ખજાનાનો પરિચય આપે છે અને જયારે આ આત્મજ્ઞાનરૂપ પ્રકાશ આત્મારૂપ અધિષ્ઠાનમાં ફેલાય છે ત્યારે વિરકિત રૂપ ગુણો જાગૃત થવાથી અને વ્રતનો સદ્ભાવ વિશેષ રૂપે પ્રગટ થતાં મુનિવ્રતનો આવિર્ભાવ થાય છે. આમ આત્મજ્ઞાન અને મુનિપણું, એ બન્નેનું સાચું સાહચર્ય છે. પરંતુ કાળની પરંપરામાં અને કુળની પરંપરામાં અથવા સાંપ્રાદાયિક ભાવોમાં બાળજીવો બાહ્ય મુનિવ્રતમાં રંગાય છે, ગુરુપદ સુધી પહોંચે છે અને પોતાની રીતે બીજા અન્ય સાધકોને પણ દીક્ષા આપે છે પરંતુ હકીકતમાં આત્મજ્ઞાન ન હોવાથી, આત્મદ્રવ્યનો સૈકાલિક નિર્ણય ન હોવાથી ખરા અર્થમાં તે મુનિ પણ પામ્યા નથી. આ પરિસ્થિતિને પ્રદર્શિત કરતા કવિરાજ કહે છે કે આત્મજ્ઞાન નથી ત્યાં મુનિ પણ નથી. આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું છે. આ મુનિપણું હોય તો જ તે સાચા ગુરુપદે શોભે છે અથવા ગુરુમાં આત્મજ્ઞાનરૂપી સત્ય ચમકે છે. તે ગુરુ સ્વયં તો આત્માર્થી છે જ, શિષ્યને પણ આત્માર્થનું દાન કરી શકે છે. માટે અહીં પ્રથમ આત્માની પરીક્ષા કરી છે અને આત્માર્થીરૂપી ગુરુની પેઢી ઉપર પહોંચવા માટે જાણે ભલામણ કરી છે.
લખ્યું છે કે “તે સાચા ગુરુ હોય.” આ શબ્દથી તેઓએ સામાજિક વિકૃતિનું પણ ચિત્ર આપ્યું છે. અર્થાત્ સમાજમાં બનાવટી ગુરુઓ ઘણા હોવાનો સંભવ છે અને સાચા ગુરુ ગોતવાથી પણ મળતા નથી, અથવા વિરલ હોય છે. આમ ગુરુ શબ્દના વિભાજનમાં સાચા અને ખોટા બે ભાવ પ્રગટ થાય છે. જેમ સિકકામાં સાચો સિકકો અને બનાવટી સિકકો અને એ જ રીતે સાચો હીરો અને ખોટો હીરો બને ભાવ વ્યવહારમાં પ્રસિધ્ધ છે. પ્રકૃતિ જગતના પદાર્થોમાં સાચા ખોટાપણું કોઈ બહારનું તત્ત્વ નથી. પરંતુ સ્વનિર્મિત પોતાના ગુણધર્મો હોય છે. જેથી આપણે જડ પદાર્થોને સાચા ખોટાની છાપ મારીએ છીએ. જયારે મનુષ્યનું સાચાપણું કે ખોટાપણું તે વિકૃતિજન્ય છે. સાચાપણું તે શુધ્ધ પ્રકૃતિનો ગુણ છે તેથી તે પ્રકૃતિજન્ય છે પણ ખોટાપણું તે વિકૃતિ છે. આ રીતે મનુષ્ય ગુરુપદ સુધી પહોંચ્યા પછી પણ વિકૃતિનો ભોગ બની રહે છે અને સાચુ પદ ન હોવાથી અન્યને પણ સત્ય દર્શન આપી શકતો નથી કારણ કે મૂળમાં જ તેને આત્મજ્ઞાન નથી. આત્મજ્ઞાન શું છે તેની ચર્ચા આપણે વિસ્તારથી કરી ચૂકયા છીએ અને મુનિપણું દ્રવ્ય અને ભાવ, બને રીતે પ્રગટ થાય છે. અહીં આપણે મુખ્ય રૂપે સાચા ગુરુનો પ્રથમ વિચાર કરી લઈએ. સાચા એટલે
200 ૩૩૧