________________
તે બે પ્રબળ સાધન છે. એટલે અહીં કવિરાજ કહે છે કે સવ્યવહારને લોપવાથી જીવ સાધન રહિત થઈ જાય છે. આસ્તે આસ્તે તે શૂન્ય બની જાય છે. જેમ રાજાનું રાજય જતાં તે સત્તાવિહીન બને છે અને ધનાઢય વ્યકિતનું ધન જતાં તે ગરીબ અને અનાથ બને છે. તેમ આ આંતર સાધન જતાં જીવ અધ્યાત્મિક ક્ષેત્રે અનાથ બની જાય છે. ગતિવિહીન બની જાય છે, કિંકર્તવ્ય વિમૂઢ બની જાય છે. ખરેખર કૃપાળુ ગુરુદેવે આવા સાધન વિહીન જીવ ઉપર કૃપા કરતા તેમને ચેતવણી આપી છે કે ભાઈ ! તું આત્મસાધનાના નામે સવ્યવહારનો અને સદાચારનો ત્યાગ કરી દઈશ તો સાધનહીન લંગડા માણસ જેવી તારી દુર્દશા થશે અને પ્રજ્ઞારૂપી પ્રગતિથી પ્રગટ થયેલા ઉત્તમ સાધન છે તેનો લય થતાં અંધારું છવાઈ જાશે અને તારી ગણના મતાર્થી સિવાય બીજે કયાંય થઈ શકશે નહીં. આમ આ ર૯મી ગાથા દ્રવ્ય અને ભાવે નિશ્ચયનય અને વ્યવહારનય બન્નેનું અવલંબન કરી જે જીવના દુર્લક્ષણ બતાવ્યા તે સમગ્ર આચારકાંડ અને શુધ્ધ વિચારકાંડની અપૂર્વ ગાથા છે.
હવે આપણે આ ગાથાનો સારાંશ બતાવીને ૩૦મી ગાથામાં પ્રવેશ કરશું.
ઉપસંહાર : આ ગાથામાં માનવ જીવનને વિકૃત કરનારા મુખ્ય બે સાધન ઉપર પ્રકાશ નાંખ્યો. (૧) કોરી શાબ્દિક વાતો અને સૂકી તત્ત્વ ફિલસૂફીની વાતોથી જ્ઞાનની અવહેલના. (૨) સવ્યવહાર, સચરિત્રનો અભાવ. સમગ્ર માનવ જીવનના કે સમાજ જીવનના બન્ને પીલર પ્રત્યે બેદરકારી રાખવાથી અનૈતિકભાવોનો વિકાસ થાય, સારા સાધનોથી વંચિત થાય, પ્રકૃતિથી પ્રાપ્ત થયેલા ઉત્તમ સાધન ગુમાવી બેસે, પ્રભુએ આપેલી પ્રજ્ઞા અને દિવ્ય શારીરિક યોગોનો દુરુપયોગ કરી સારા વ્યવહારનો લય કરે, તે વિકાસમાં મહાબાધક છે તેમ આ ગાથામાં જણાવવામાં આવ્યું છે. ચારિત્રિક વિકાસ તે ફકત વ્યકિતનો નહિ પરંતુ સમાજ અને રાષ્ટ્રનો પાયો છે. સંસ્કૃતિ પણ સવ્યવહાર ઉપર આધારિત છે. એટલે શાસ્ત્રકારે આપેલી ચેતવણી ઘણી જ મહત્ત્વપૂર્ણ છે. ર૯મી ગાથાના જે દુષ્પરિણામો આવે છે તેનું હવે ૩૦મી ગાથામાં ઉદ્દઘાટન કરે છે. ૩૦મી ગાથાના બે ખંડ મુખ્ય છે. (૧) જ્ઞાનદશાની પ્રાપ્તિ ન થવી અને (૨) સાધન વિહીનતા. આમ આ બને બાહ્ય અને અત્યંતર ખામી ઉપર પ્રકાશ નાંખી જે વ્યકિતનું નિર્માણ થાય છે તેનો સંગ પણ કેટલો ઘાતક છે તે પણ આ ગાથામાં કહેવામાં આવ્યું છે. હકીકતમાં ર૯મી ગાથામાં સાધન વિહીનતાનો ઉલ્લેખ કર્યો છે. અને પુનઃ અહીં ૩૦મી ગાથામાં પણ સાધન વિહીનતાનું મહત્ત્વ બતાવ્યું છે. આથી સમજી શકાય છે કે સાધન વિહીનતા એ ઘણી જ મોટી ડ્યુટી છે અને તેનો બે વાર ઉલ્લેખ કરીને શાસ્ત્રકાર જીવની પામરતાને ઓળખવા માંગે છે. હકીકતમાં કોઈપણ સાધક કે સાધ્યનો આધાર તેના સાધન છે. પૂર્વમાં જેમ આપણે કહી ગયા કે ઉત્તમ સાધન હોય તો જ ઉત્તમ પરિણામ આવે. આ સાધન દ્રવ્ય અને નિમિત્તભાવે પ્રાપ્ત થાય છે. જે તત્ત્વ દ્રષ્ટિએ સમજવું ઘણું મહત્ત્વપૂર્ણ છે. ગાથાના વિવરણમાં આપણે તેની ઝીણવટથી છણાવટ કરશું. હવે ગાથા ઉપર દ્રષ્ટિ રાખી આગળ ચાલીએ.