Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ગાથા-૩ર
નહીં કષાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય; સરળપણું ન મઘ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય
આ ગાથામાં કષાયના બે વિભાગ પાડયા છે તે શાસ્ત્રોકત છે. આ જાતના વિભાગ ફકત જૈન દર્શનમાં જ જોવા મળે છે. કષાય એટલે એક પ્રકારની અધ્યાત્મ વિકૃતિ છે. જેમાં ક્રોધાદિ દુર્ગુણોનો સમાવેશ થાય છે. અન્ય દર્શનોમાં પણ ષરિપુનું વર્ણન છે. જયારે જૈનોમાં ચાર કષાયનો ઉલ્લેખ છે. કષાયની સાંગોપાંગ સ્થિતિ અને અવસ્થાનું દિગદર્શન જૈનદર્શનને છોડી અન્યત્ર જોવા મળતું
નથી.
કષાયની બે પ્રકારની સ્થિતિ છે. (૧) કષાય સર્વથા નિર્મૂળ થઈ જવા. કષાયના બીજનો પણ ક્ષય થઈ જવો, તેને ક્ષાયિક ભાવ કહેવામાં આવે છે. (૨) કષાય મર્યા ન હોય, પરંતુ તેનો ઉદય શાંત થઈ જાય અને જીવ પોતાના ગુણમાં રમણ કરી શકે એવી સ્થિતિ થાય તો તેને ઉપશમ કે ક્ષયોપશમ કહે છે. જેમ પાણીમાં મેલ હોય તે સર્વથા મેલ કાઢીને પાણીને શુધ્ધ કરે તે એક અવસ્થા છે. જયારે મેલ તળીયે બેસી જાય અને પાણી સ્વચ્છ થાય એ બીજી અવસ્થા છે. તે કષાયો ઉપશાંત થઈ પોતાના પ્રભાવથી જીવને મુકત રાખે અને સમય મળતા ફરીથી ઉદયમાન પણ થઈ શકે તે સ્થિતિને ઉપશમભાવ કહે છે.
અહીં શાસ્ત્રકારે “નહિ કષાય ઉપશાંતતા” એમ કહીને બીજી સ્થિતિનું વર્ણન કર્યું છે. અર્થાત્ કષાય ક્ષય તો પામ્યા જ નથી. પણ ઉપશાંત પણ થયા નથી. હકીકતમાં જીવનો પુરુષાર્થ ઉપશમભાવને ક્ષયોપશમ ભાવમાં સીમિત છે. ક્ષાયિકભાવ તો સાધનાનું ચરમ બિંદુ છે. તેથી શાસ્ત્રકારે અહિં ઉપશાંતતા શબ્દનો પ્રયોગ કર્યા છે. ઉપશમભાવનું અવલંબન કરી પુરુષાર્થ અનુસાર જીવ કષાયથી મુકત થાય છે. પરંતુ કષાયની ઉપશાંતતા થઈ જ નથી. અર્થાત્ જેના કષાય શમ્યા નથી. ત્યાં જ્ઞાન અને આત્મદર્શનની આશાનો સંભવ નથી. આવો જીવ કષાયથી સંતપ્ત છે. જેમ ઘર બળતું હોય ત્યાં શાંતિથી કેમ કોઈ સૂઈ શકે ? કષાયની જયાં લાય લાગી છે ત્યાં સદ્ભાવ અને વૈરાગ્યના બીજો પણ બળી જાય છે અને ઉપશમ જેવા સુંદર વૃક્ષોથી વિહીન ઉપશાંતના અભાવવાળા રણપ્રદેશમાં ગરમ રેતી સિવાય બીજુ કશું હાથ લાગતું નથી. પોતાને ડાહયો માનતો જીવ આત્માને રણપ્રદેશ જેવો ગુણ વિહીન બનાવે છે અને રાગદ્વેષના વિષાકત કડવા ફળ આવતા જાળમાં જોડાય છે, એટલે જ શાસ્ત્રકાર કહે છે કે નહિ અંતર વૈરાગ્ય.’
અહીં વૈરાગ્યની આશા કયાંથી હોય ? કદાચ કોઈના પ્રભાવમાં આવી બાહ્ય વૈરાગ ધારણ કર્યા હોય તો પણ અંતરમાં વૈરાગ્યની સૌરભ નથી તેથી શાસ્ત્રકારે કહ્યું છે અંતર વૈરાગ્યનો અભાવ. આપણે અંતર વૈરાગ્યની વ્યાખ્યા કરતા પહેલા કષાયની ઉપશાંતતા વિશે વિચાર કરીએ.
કષાય ભાવ મીમાંસા : શું કષાય ભાવો એ જીવની અનાદિકાળની સંપત્તિ છે ? કે જીવ પાછળથી કષાયમાં સપડાય છે ? મૂળમાં જે કષાયભાવો સામાન્ય કોટિના હતા તે શું મનુષ્યયોનિમાં
૩૧૯