Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
સાધનનો અભાવ સૂચિત કર્યો છે.
સાધનની મીમાંસા : સાધન વિષે વિચાર કરીએ તો સાધન તે એક પ્રકારનું ઉપકરણ છે. સાધક તે કર્તા છે અને સાધ્ય તેનું કર્મ છે. પરંતુ બાકીના ઉચ્ચકોટિના ઉપકરણ કે અધિકરણ કે સંબંધ ધરાવતા અન્ય તત્ત્વો એ બધા સાધન કોટિમાં આવે છે. વ્યાકરણ શાસ્ત્રમાં પણ ઉપકરણની વાચકતા માટે ત્રીજી, છઠ્ઠી અને સાતમી વિભકિત મૂકેલી છે. મુખ્યત્વે સાધન અર્થે ત્રીજી વિભકિત કામ કરે છે. આ પણ એક ગૂઢ વાત એ છે કે સાધનમાં પણ અમુક અંશે કર્તૃત્વ સમાયેલું છે તેથી વ્યાકરણ નિયમાનુસાર કર્મણિ પ્રયોગમાં સાધનકર્તા બની જાય છે. આમ સાધન વિષે એક નિરાળો અભિપ્રાય ઉદ્ભવે છે. હવે આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ સાધનનો વિચાર કરીએ. સાધન .બે પ્રકારના છે, દ્રવ્ય અને ભાવ સાધન. દ્રવ્ય સાધનો જડાત્મક હોવાથી તે દ્રવ્યરૂપે પોતાનું કાર્ય બજાવે છે અને આવા દ્રવ્ય જડ સાધનો સમગ્ર સાધનામાં પણ જોડાયેલા છે. ગૃહસ્થ માટે મકાન, ભૂમિ, સોના-ચાંદી, ધન-સંપતિ અને જીવવાના બધા સાધનો સ્થૂળ દ્રવ્ય સાધનો છે. તે જ રીતે અધ્યાત્મના રસ્તે જનારા ત્યાગી હોય કે ગૃહસ્થ હોય, તેમને પણ દ્રવ્ય સાધનોનો ઉપયોગ કરવો પડે છે અને તે છે સ્વસ્થ શરીર, શુધ્ધ આહાર, વસ્ત્રાદિ, સાધનાના નિર્વિઘ્ન સ્થાન, વચનયોગ આ બધા દ્રવ્ય સાધનો છે, અર્થાત્ બાહ્ય સાધનો છે. વિચાર કરતા સ્પષ્ટ થાય છે કે દ્રવ્ય સાધનોની પણ ઘણી જ વ્યાપકતા છે.
દ્રવ્ય સાધનની ઉપયોગિતા અને વ્યાપકતા હોવા છતાં જો ભાવસાધન બરાબર ન હોય તો ઉત્તમ દૂધમાં ઝેર ઘોળવા જેવું થાય છે. ભાવ–સાધન તે મનુષ્યની નિર્મળ બુધ્ધિ, નિર્મળ વિચાર, નિર્દોષ પુણ્યનો ઉદય, અહિંસક ભાવોની પ્રાપ્તિ, ઉચ્ચકોટિની દયાવૃત્તિ અને સૌથી શ્રેષ્ઠ સાધન બ્રહ્મચર્ય. કામશકિતનો પરિહાર, તે બધા ભાવસાધન છે. આ ભાવગુણોની કયારીમાં જ જ્ઞાનદશારૂપી પુષ્પ ખીલે છે, અર્થાત્ જ્ઞાનદશાને પ્રાપ્ત કરવા માટે શુધ્ધ સાધનો આવશ્યક છે અને જ્ઞાનદશા અંકુરિત થતાં પુનઃ શુધ્ધ સાધનોમાં ગુણવૃધ્ધિ થાય છે. આમ આ બને ગુણો પરસ્પર આશ્રિત છે.
અહીં મતાર્થી જ્ઞાનદશાના બીજને અંકુરિત કરતો નથી અને સાધનદશાના ઉચ્ચકોટિના ભાવ સાધનનો વિકાસ કરતો નથી છેવટે દ્રવ્ય સાધનથી પણ ભ્રષ્ટ થઈ જાય છે. તેમ સ્વયં શાસ્ત્રકાર સ્પષ્ટપણે ઉદ્ઘોષ કરે છે.
જ્ઞાનદશા એટલે કઈ દશા? ? હકીકતમાં સાધારણ સાંસારિક લોકો બુધ્ધિમત્તાને જ્ઞાન માને છે, અથવા અમુક શાસ્ત્રો અને પાઠો ભણ્યા હોય તો તેને પણ જ્ઞાન માનવામાં આવે છે. ઉપરાંત કેટલાક માણસો વિશિષ્ટ વિદ્યાઓના જાણકાર હોવાથી દુનિયાદારીનું સૂક્ષ્મ અને વ્યવહારિક જ્ઞાન ધરાવતા હોય છે. પરંતુ અહીં સમજવાનું છે કે આ બધી જ્ઞાન સંપતિ હકીકતમાં જ્ઞાન નથી. કારણ કે તે તાત્કાલિક, ક્ષણિક અને વિષયાનુકુલ બૌધ્ધિક સંપતિ હોવાથી નાશવંત પદાર્થની જેમ આ બુદ્ધિમત્તા પણ પુનઃ લય પામી શકે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ તેનું કોઈ ઠોસ અથવા નિશ્ચિત પરિણામ નથી. જેથી મહાત્માઓ, આત્મસાધક પુરુષો અને સદ્ગુરુ, આ જ્ઞાનને જ્ઞાન કહેતા નથી. જ્ઞાનદશા તે તત્ત્વસ્પર્શી હોય. વિશ્વના બધા પદાર્થોની ગતિવિધિ અને તેના પરિણામોને
મારા ૩૧૦