Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
અહીં આધ્યાત્મિક શાસ્ત્રોમાં પરા અને અપરા તેવી બે સાધનાઓનું સૂમ વિવેચન જોવામાં મળે છે. ઉચ્ચકોટિના સાધકો પરાસાધના કરે છે. તે સંપૂર્ણતઃ આધ્યાત્મિક હોય છે પરંતુ અપરાસાધનામાં સમગ્ર સાધના અહંકારમય હોય છે, જેના પરિણામે જીવ ઉલમાંથી નીકળી ચૂલમાં જાય છે. અસ્તુ. અહીં આપણે મૂળ વાત પર આવીએ. શાસ્ત્રકારે માનને પ્રથમ સ્થાન આપ્યું છે, તેનું કારણ ઉપરના વિવેચનથી સ્પષ્ટ થઈ ગયું છે કે આત્મિક સાધનામાં માનકષાયની પ્રબળતા પ્રધાન અવરોધક છે. એટલે માન ઉપર વિશેષ જોર આપ્યું છે. પરંતુ એનો અર્થ એવો નથી કે ફકત માનકષાય ઘાતક છે. માનની સાથે આદિ શબ્દ મૂકેલો છે. “માનાદિ તો આદિથી બાકીના ત્રણે કષાયો ગ્રહણ કરવામાં આવે છે. ચારે કષાય આત્મઘાતી છે.
અહીં કષાયને મારવાથી કષાય મરી જાય અથવા હણાય જાય અને તેનો લોપ થાય તે વિષય પ્રકાશિત કર્યો છે.
કષાય ત્યાગની રીત : સામાન્ય રીતે સહુ કષાય ત્યાગની વાત કરે છે. ઉપદેશમાં પણ ક્રોધ કે અહંકાર ન કરવો તે ઉપદેશ અપાય છે. અહીં આપણે થોડો શાસ્ત્રીય દ્રષ્ટિથી વિચાર કરીએ. શું ખરેખર છદ્મસ્થ અવસ્થામાં કે સામાન્ય જીવનમાં આ કષાયનો લય થવો સંભવ છે ? જયાં સુધી અરિહંત દશા ન પ્રગટે અને ઘાતી કર્મોનો ક્ષય ન થાય, ત્યાં સુધી મહાન જ્ઞાની આત્માઓ, ચૌદપૂર્વધારી સંતો કે ગૌતમસ્વામી જેવા મહાસાધકને પણ કષાયનું અસ્તિત્ત્વ બની રહે છે. આથી એ પ્રશ્ન થશે કે કષાય છોડવા એટલે શું?
જુઓ, કષાય જીવની સાથે લાગેલા છે. તેની ત્રણ અવસ્થા છે. આશ્રયરૂપ કષાય, સત્તામાં પડેલા કષાય અને ઉદયમાન કષાય, અસ્તુઃ આ ત્રણ સ્થિતિમાં રહેલા કષાયો પણ ઘણાં તરતમભાવવાળા છે. કેટલાંક કષાય સમકિતનો ઘાત કરે છે, અર્થાત્ તે કષાયની હાજરીમાં સમકિત થતું નથી. જ્યારે તેથી હલકા કષાય હાજર હોવાં છતાં સમકિતની ઘાત કરી શકતા નથી. હલકા કષાય પણ બે રીતે ઉદયમાન થાય છે, તીવ્ર ભાવે અને મંદબાવે, જે સત્તામાં પડેલા કષાયો છે તે બીજ રૂપે છે અને અંકુરિત થયેલા કષાય તે ઉદયમાન છે.
અહીં કષાય છોડવાની જે વાત છે, તે સાધક જયારે જ્ઞાનકક્ષામાં આવે છે, ત્યારે આશ્રય પામતા કષાયો પણ મંદ કરી નાંખે છે. અર્થાત્ ગાઢ આશ્રયને પણ છોડી શકે છે અને એ જ રીતે સદગુરુના ચરણે જતા આધ્યાત્મિક ભાવોનું જાગરણ થતાં, સત્તામાં પણ પડેલા ઘણા કષાયને ખાલી જ કરી શકે છે. એથી આગળ વધીને જયારે સાધક જ્ઞાનદશાનું અવલંબન લે છે અને ભકિતરસે પ્રભાવિત થાય છે, ત્યારે ઉદયમાન કષાયો બહુધા ઉપશમી જાય છે અને મંદ પણ પડી જાય છે. આવા કષાયો ગુણનો ઘાત કરી શકતા નથી અને ઉદયમાન કષાયમાં પણ સાધક ઘણા કષાયનો ત્યાગ કરી શકે છે. આ વિવેચનથી સ્પષ્ટ થયું કે માનાદિક કષાય છોડવા એટલે શું? અરિહંત અવસ્થા પામ્યા પહેલા કષાય સર્વથા નિર્મૂળ થશે નહીં, સકષાય અવસ્થા બની રહેશે. પરંતુ કે સાધક કષાયના ત્યાગ માટે પુરુષાર્થ કરી ઘણે અંશે કષાયને છોડી ચારિત્ર કે જ્ઞાનાદિના શુધ્ધ પરિણામોને અનુભવે છે. અહીં શિષ્ય પ્રશ્ન કર્યો છે કે આ બધા કષાય શું પોતાની ઈચ્છાથી છોડી શકાય? છોડવાનો સાચો રસ્તો શું છે ?