Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
બની જાય છે, પરંતુ અહીં કવિશ્રીએ ઉદારતા રાખી તેને મતાગ્રહી શબ્દથી નવાજયા છે અને થોડો સન્માનસૂચક શબ્દ મૂક્યો છે. અહીં કવિશ્રીએ આગળ ચાલીને તેમની દુર્બુધ્ધિનું પણ ધ્યાન કરે છે.
કવિશ્રીએ મુમુક્ષુઓ અને મતાર્થીના બે પક્ષ ઊભા કર્યા છે, તેમાં મુમુક્ષુ સહજ સત્કર્મી છે, સદ્વિચાર ધારણ કરે છે તેથી તેના માટે તુરંત અભિપ્રાય ન આપતા પ્રથમ મતાર્થી વિશે નિવેદન કર્યું છે. કપડું મેલું હોય અને તેના ઉપર આર્ટ કરવું હોય તો પ્રથમ કપડાંનો મેલ દૂર કરવાની જરૂર છે. ગંદા પાણીમાં નાખેલી સાકર વ્યર્થ જાય છે. ક્ષાર ભૂમિમાં વાવેલાં બીજો અંકુરિત થતાં નથી. આ ન્યાયે જીવ મતાર્થી હોય તો તે કલ્યાણનો માર્ગ ગ્રહણ કરી શકતો નથી.
અહીં મતાર્થીના લક્ષણો બતાવ્યા પછી પણ તેમાં એક સદ્ભાવ સમાયેલો છે જેનું આપણે વિવેચન કરીશું.
મતાર્થીના લક્ષણ બતાવવાનું પ્રયોજન શું ? તે અવળો અર્થ કરનાર છે તેમ કહેવામાં કવિનો આશય શું ?બીજા પણ અન્ય ગ્રંથોમાં દુર્જનના લક્ષણો બતાવ્યા હોય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કુશીલના ઘણાં લક્ષણો બતાવ્યા છે. દુર્જનતા, માયાની આધીનતા અને વિપરીત બુધ્ધિ એ વિશ્વની એક સત્ય હકીકત છે. જે છે તે છે તેનું વર્ણન કરવાનું શું પ્રયોજન છે ? વર્ણન કરનાર વ્યકિતમાં, મહાપુરુષમાં દયાવૃતિ હોય છે. આત્મસિધ્ધિના પ્રાથમિક પદોમાં પણ ‘કરુણા ઉપજે જોઈ’ એવા શબ્દો આપ્યા છે. આ રીતે દુર્દશાવાળા કે વિપરીત બુધ્ધિવાળા જીવોને જોઈને કરુણા ઉપજે છે. તે તરે કે ન તરે, સમજે કે ન સમજે પણ તેને ઉપદેશ આપવો તે મહાપુરુષોનો સ્વધર્મ છે.
મતાર્થી પોતાનું વિવેચન સાંભળીને જાગૃત્ત પણ થઈ શકે છે. મતાર્થીમાંથી તે વ્યકિત સન્માર્ગે પણ વળી શકે છે. તેનું કલ્યાણ થાય અને પોતાનો સ્વધર્મ બની રહે તે માટે જ બધા ઉપદેશ ગ્રંથો બન્યા છે. આ ઉપદેશથી ઘણાં જીવોનું કલ્યાણ પણ થયું છે. મુમુક્ષુ જીવ નિશ્ચય કર્યા પછી પોતાનો માર્ગ કે સિધ્ધાંત છોડી શકે છે, જયારે મતાર્થી કે કદાગ્રહી સમજયા પછી પોતાની હઠ છોડી, સત્યનો સ્વીકાર કરી શકતા નથી. મુમુક્ષુ એ સ્થિર અને નિશ્ચિત વ્યકિત છે જયારે મતાર્થી એ અસ્થિર અને અનિશ્ચિત વ્યકિત છે. મુમુક્ષુ માટે તે શુભ લક્ષણ છે, બચવાની ગૂંજાઈશ છે. તેથી શાસ્ત્રકારોએ સુપક્ષની સામે વિપક્ષને પણ દ્દષ્ટિગત રાખ્યો છે. આ ૨૨મી ગાથામાં બંને પક્ષની સ્થાપના કરી છે. (૧) મુમુક્ષુ અને (૨) મતાર્થી. સાથે સાથે બંનેની યોગ્યતાનો પણ ઉલ્લેખ કર્યા છે. મુમુક્ષુ સદ્વિચારને સમજી શકે છે અને મતાર્થી પ્રાયઃ અવળું સમજે છે. તીર્થંકર દેવાધિદેવના દર્શન કરી અને તેના સમોસરણ આદિ વૈભવ જોઈને મુમુક્ષુ જીવ અહોભાવ પ્રગટ કરે છે. જયારે મતાર્થી આ કોઈ ઈન્દ્રજાળી છે એવો આરોપ કરીને સત્યથી સ્વયં વેગળો બની જાય છે. બંનેની દૃષ્ટિનો ફરક છે, બંનેની બુધ્ધિનો પણ ફરક છે અને આપણે જેમ કહી ગયા તેમ આવી સ્થિતિ બનવામાં તે વ્યકિતના ભૂતકાલીન કર્મ અને સંસ્કાર પણ કારણભૂત છે. મુમુક્ષુને પરમ પુણ્યોદય વર્તે છે, જયારે મતાર્થીને પાપ મોહનીયનો પ્રબળ ઉદય છે. આ એનું મૂળભૂત અંતર છે, તેનું પરિણામ સવળી બુધ્ધિ અને અવળી બુધ્ધિ રૂપે પ્રગટ થાય છે. મુમુક્ષુના લક્ષણોનો ઈશારો કરી પ્રથમ શાસ્ત્રકાર મતાર્થીના લક્ષણનો સ્પર્શ કરે છે. ખરું પૂછો તો આ ૨૨મી ગાથા તે આગળની ગાથાઓનો ઉપોદ્ઘાત છે. અહીં આપણે ૨૨ મી ગાથા સંપૂર્ણ કરીએ છીએ અને તેમાં આવેલા બે
૨૬૩૨