Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
-
ગાથામાં આ સિધ્ધાંત સ્પષ્ટપણે સ્થાપિત કર્યો અને આખો સિધ્ધાંત જિનેશ્વર ભગવાનને સામે રાખીને પ્રગટ કર્યો છે. અહીં બે પ્રશ્નો સામે છેઃ (૧) જિનેશ્વરનો દેહાદિભાવ તે શું છે? (૨) જિન સ્વયં શું છે ? અને જિનનું વર્ણન શું છે?
આ બન્ને પ્રશ્નો ઉપર આપણે ઝીણવટથી વિચાર કરશું.
જિનેશ્વરનો દેહાદિ ભાવ : અહીં શાસ્ત્રકારે જિનના એટલે જિનેશ્વરના પવિત્ર દેહને નિહાળી તેનું અલૌકિક સંસ્થાન અને ઉચ્ચતમ પરમાણુના પિંડથી નિર્માણ થયેલું એવું વિભૂતિયુકત શરીર તે દેહાદિભાવ છે. આ દેહાદિભાવ ભગવંતોને કેવી રીતે પ્રાપ્ત થાય છે કે જેને નિહાળવાથી સાધકને એક પ્રકારે સંતોષ થઈ જાય છે. જૈનદર્શન એમ કહે છે કે આઠ કર્મોમાં છઠું નામ કર્મ છે, તે કર્મ કોઈપણ જીવના શરીરનું નિર્માણ કરે છે. આ નામકર્મ શુભ અને અશુભ એમ બે પ્રકારે બંધાયેલું હોય છે. શુભ અને અશુભ બંને ભાવો ભિન્ન ભિન્ન રૂપે પણ પ્રવર્તમાન થાય અને મિશ્રભાવે પણ પ્રવર્તમાન થાય, તેના કારણે સારા નરસા, આંશિક રૂપે ખરાબ અને આંશિક રૂપે સારા, એવા શરીર જીવને પ્રાપ્ત થાય છે પરંતુ જે જીવે ઘણા જન્મો સુધી કોઈ પણ જીવોના શરીરને ઠેસ ન પહોંચાડી હોય, કોઈ પણ જીવોના અંગોપાંગનું છેદન ન કરાવ્યું હોય, પ્રાપ્ત થયેલા શરીરથી અન્ય જીવોને શાંતિ પહોંચાડી હોય અને દેહાદિ કષ્ટોને દૂર કર્યા હોય, ત્યારે લગાતાર નિરંતર ભાવે શુભ નામકર્મનો સંચય અધિક થાય છે અને તેમાં પણ જન્મ-જન્માંતરોમાં મન વચન કાયાના યોગ વક્ર ન થયા હોય, સરળ ભાવે ત્રણે યોગમાં સામ્યભાવ ટકયો હોય, તો આ શુભ નામ કર્મ ઘણું જ ઉત્કૃષ્ટ ભાવે બંધાય છે, પૂર્વના ત્રીજા ભવમાં વીસ સ્થાનની આરાધનાથી સર્વોત્તમ પુણ્ય પ્રકૃતિ જિનનામ કર્મનો બંધ થાય છે. આ શુભ નામકર્મની પ્રકૃતિ, પ્રદેશ, અનુભાગ ત્રણેય અંશો એટલા બધા ઉચ્ચતમ હોય છે કે જયારે આ નામકર્મ ઉદયમાન થાય ત્યારે જીવને ઈન્દ્રાદિ દેવોના શરીર કરતા પણ વધારે દિવ્યભાવવાળા શરીરની પ્રાપ્તિ થાય છે. અશુભનામકર્મ ઘણી જ લઘુતમ સ્થિતિમાં ચાલ્યું ગયું હોય અને શુભનામકર્મ બધા ગુણોથી પરિપૂર્ણ ભાવોથી બંધાયેલું હોય, ત્યારે આ શુભ નામકર્મ એક અલૌકિક ફળની પ્રાપ્તિનું નિમિત્ત બને છે. તેમાં ભગવંતોના દિવ્ય શરીરો અને તેનાથી કંઈક હીન ચક્રવર્તી આદિ પદવીધારીના દેહો નિર્માણ થાય છે. શુભનામકર્મ સ્વયં દિવ્ય શરીરનું અધિષ્ઠાન છે જેમ ઉચ્ચકોટિના બીજમાંથી ઉચ્ચકોટિનું વૃક્ષ ઉદ્ભવે છે, તેમ શુભ નામકર્મના ઉદયથી અને શુભ નામકર્મ રૂપી બીજથી ભગવંતોના દિવ્ય શરીર જેવા અલૌકિક ચંદન વૃક્ષ ઉત્પન્ન થાય છે. આ શરીરની કોઈપણ પદાર્થોથી તુલના કરવી કઠિન છે. માનતુંગ મહારાજે ભકતામર સ્તોત્રમાં પણ એમ જ કહ્યું છે કે ત્રણ જગતની શ્રેષ્ઠ ઉપમાઓ પ્રભુશ્રીના દેહની ઉપમા આપવા માટે અપૂર્ણ છે, અર્થાત્ યોગ્ય નથી. આવા શબ્દાતીત અનુપમેય શરીરનું બંધન શુભનામકર્મથી ઉદ્ભવે છે. આ પ્રભુના દિવ્ય શરીરો અહંકારી જીવોના અને અહંકારી દેવોના અહંકારને પણ તોડાવી શકે એવા પ્રબળ છે.
પરંતુ અહીં દુઃખ એ છે કે આ દિવ્ય શરીરના દર્શન કરી અને મહાપુણ્યના ઉદયથી ઉત્પન થતાં સમોસરણના ભાવોને જયારે સાધક નિહાળે છે ત્યારે તેને ભ્રમ થાય છે કે શું જિનેશ્વરનું આ અલૌકિક રૂપ અને દિવ્ય પ્રભાવ દેખાય છે તે જ જિનસ્વરૂપ છે ? સાધક તે જ બાહ્ય રૂપને
GERMEISTERULEU
S