________________
રૂપી ધન બીજાઓને રાજી કરીને મેળવાય છે. અહીં શાસ્ત્રકારે માનાર્થે લખ્યું છે માનને માટે અને માનરૂપ અર્થ માટે એમ બંને અર્થ ઘટિત કરી શકાશે. અસદ્ગુરુના શરણે ગયો છે એટલે એને હવે આવા કષાય કે વિકારી ભાવ સિવાય બીજુ શું ઉપલબ્ધ થાય ? અહીં ‘મુખ્ય’ શબ્દ વાપર્યા છે તે લક્ષાર્થે પણ છે. અર્થાત્ માનને લક્ષ બનાવે છે અને તેને મુખ્યતા આપી વિકારીભાવોમાં રમણ કરે છે. અસદ્ગુરુને દ્રઢ કર્યા પછી આખી આ વિકારી પરિણતિ તેની ફળશ્રુતિ છે. અહીં ઉલ્લેખ કર્યો નથી કે આ ફળશ્રુતિ અસદ્ગુરુ કે સાધક બંને માટે કે બંનેમાંથી એક માટે એવી સ્પષ્ટતા નથી પરંતુ આ સિધ્ધાંત હોવાથી બધાને લાગુ પડે છે. તે સદ્ગુરુથી વિમુખ થયા પછી અને અસદ્ગુરુનું શરણું લીધા પછી કષાયોની વૃધ્ધિ થાય, સાચા ખોટા માનની ઝંખના જાગે તે તેની ફળશ્રુતિ છે.
અહીં આ ૨૬મી ગાથાનો સારાંશ આપ્યા પછી ૨૭મી ગાથાનો ઉપોદ્ઘાત કરીયે.
ઉપોદ્ઘાતઃ આ ગાથામાં મુખ્યપણે જૈન સમાજમાં પ્રવર્તતા છીછરા ભાવો ઉપર કે સાધના ઉપર કટાક્ષ છે. આ છીછરા ભાવો આત્મસાધનામાં મોટો વિરોધ છે તેવું મંતવ્ય પણ જણાવે છે. વસ્તુતઃ જ્ઞાન પવિત્ર છે અને દરેક વસ્તુનું જ્ઞાન થવું જરૂરી છે. પરંતુ વ્યકિત સાધારણ છીછરાજ્ઞાનમાં અટકી જાય. અમુક પ્રકારના પદો કે દ્રવ્યભાવોને બુધ્ધિ ગ્રાહ્ય બનાવી જ્ઞાનની ઈતિશ્રી કરે અથવા એટલા જ્ઞાનને પવિત્ર માને કે શાસ્ત્રજ્ઞાન સમજીને બિંદુમાં જ અટકી જાય, તો હકીકતમાં તે પોતે મુકિતને માર્ગે છે તેવો આગ્રહ સેવીને અથવા આવા દુરાગ્રહને સેવીને તેમાં જ રચ્યો–પચ્યો રહે છે અને સાધનાની પૂર્ણાહુતિ કરે છે. તે આપણા શાસ્ત્રકારને ઈષ્ટ લાગતું નથી અને ખરેખર આ અનિષ્ટથી સાંપ્રદાયિક રાગદ્વેષો વધે અને ઊચ્ચકોટિના શાસ્ત્રજ્ઞાનની હાંસી થાય, તે વર્તન પણ સાધક જીવો માટે બાધક છે.
શાસ્ત્રકાર આ ૨૭મી ગાથામાં બે બિંદુ ઉપર પ્રકાશ નાખે છે.
(૧) શ્રુતજ્ઞાનની અવહેલના અથવા શ્રુતજ્ઞાન વિષયક સમજ (૨) પોતે કલ્પનાથી એક પ્રકારનો વેશ ધારણ કરી સાધુતાનો દાવો કરી અને તે બાબતોનો આગ્રહ રાખી, આ જ મુકિતમાર્ગ છે તેમ સમજાવે.
આ બન્ને બિંદુ જે સાધનામાં બાધક છે, તે આંતિરક દૃષ્ટિએ દૂરના છે. શ્રુતજ્ઞાનની અવહેલના તે માનસિક સ્થિતિ છે, અથવા જ્ઞાન બાબતે સામાન્ય સાધકોની જે ધારણા છે તે પ્રથમ બિંદુમાં લીધુ છે. આ માનસિક સ્થિતિ છે. એ જ રીતે બીજા બિંદુમાં બાહ્ય સ્થિતિ લીધી છે. કલ્પેલી વેશભૂષા અને તેને લગતા સ્થૂળ નીતિ નિયમો, એને વિષે આગ્રહ રાખી મુકિત માર્ગની સ્થાપના કરે, આ બાહ્ય વ્યવહારનું બીજુ બિંદુ છે.
શાસ્ત્રકારે આ બંને બિંદુઓને, બંને વિકૃતિઓને ૨૭મી ગાથામાં પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધમાં સ્પષ્ટ રીતે નિર્દેશ કરીને ઘટસ્ફોટ કર્યા છે. હવે આપણે મૂળ ગાથાના ઉચ્ચારણ સાથે આ બંને બિંદુ ઉપર ઝીણવટથી વિચાર કરશું. શાસ્ત્રકારનું મંતવ્ય શું છે અને ગાથાના અધ્યાહાર ભાવો શું છે તે તપાસવા કોશિષ કરશું.
૨૮૫