Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
અથવા ચારે ગતિના જીવોની શું પરિસ્થિતિ છે, તેના કેટલા પ્રકારના જન્મ છે, તેમાં કેટલી પર્યાપ્તિ છે, કેટલી ઈન્દ્રિયો છે, કેટલી ગતાગતિ છે તે બધાનું સૂમ વિવેચન કરવામાં આવ્યું છે, તે બધા જીવોનું વિભાજન કરી તેમાં કેટલા કેટલા બોલ લાભે છે તેનું આખું કોષ્ટક તૈયાર કરવામાં આવ્યું છે, તે બધા જ્ઞાનને માટે થોકડાં જ્ઞાનનું નિર્માણ કરવામાં આવ્યું છે અને શાસ્ત્રોમાં પણ આવી ગતિ આગતિના વિવેચન છે, તેની તારવણી કરીને એક સ્વાધ્યાય કરી શકાય અથવા તેના પાઠ બોલી શકાય તેવી શ્રેણીનું નિર્ધારણ કર્યું છે. ચારે ગતિના જીવોને ૫૬૩ ભાગમાં વહેંચીને એક એક જીવ માટે રર-રર બોલોનો પ્રશ્ન ઉભો કરીને તેના ઉત્તર મેળવી રચના કરવામાં આવી છે અને આ બધા પાઠોના નિરંતર રટણ પણ થાય છે. સામાન્ય જીવની બુધ્ધિ પણ તેમાં ગુંચવાય રહે અને આડા અવળા વિચાર ન કરે તેવી ધારણા કરી આ દેવાદિગતિ ભંગજાળને નિરંતર રટાવે છે, બોલાવે છે અને સાધનાના પહેલા પાઠોમાં આ બધા ગતિભંગ સમજાવીને, તે શ્રુતજ્ઞાન છે તેમ કહેવામાં આવે છે પરંતુ અધ્યાત્મદ્રષ્ટિએ આ જ્ઞાન ઘણું જ છીછરું જ્ઞાન છે. બાહ્ય કલેવરનું આભાસ માત્ર છે તેમાં અખંડ શુધ્ધ જીવદ્રવ્યોનો બોધ થતો નથી. જેમાં આત્મચિંતન ન હોય તેવા ઉપરછલ્લા જ્ઞાનને શું શ્રુતજ્ઞાન કહી શકાય? આવા સાધકો તેને શ્રુતજ્ઞાન માને છે. તે માન્યતા સાધક માટે બાધક છે તેનો સ્પષ્ટ ખુલાસો આ ૨૭મી ગાથામાં આપ્યો છે અને જે કોઈ આને શ્રુતજ્ઞાન સમજે છે તે કેવા છે તેનો અધ્યાહાર બોધ જાણી શકાય છે. અર્થાત્ તેને જ્ઞાન સંબંધી એક પ્રકારનો મિથ્યા અભિગ્રહ હોય તેવો આભાસ થાય છે. આવા જ્ઞાનને શ્રુતજ્ઞાન માને છે તેટલું કહીને તે વ્યકિત કોણ છે કે કેવા છે તેનો જવાબ ગૂઢ રાખવામાં આવ્યો છે. સામાન્યપણે જે સર્વનામનો ઉપયોગ થાય તો સામે જવાબ રૂપે ‘તે’ આવવો જોઈએ. ઉદાહરણ રૂપે, જે કોઈ ઝેર ખાય છે તે મરે છે. જે કોઈ પરદેશ જાય તે પાછા આવે છે. આમ “જે ની સાથે તે જવાબરૂપે ઉભો હોય છે. પરંતુ અહીં શાસ્ત્રકારે “જે સમજે શ્રુતજ્ઞાન' એમ કહીને તેનો ઉત્તર અતૃપ્ત રાખ્યો છે. પરંતુ આવા જ્ઞાનને શ્રુતજ્ઞાન સમજે (તે ભૂલ કરે છે એટલો અર્થ બાકી છે).
હવે આપણે મૂળ વાત પર આવીએ. શ્રુતજ્ઞાન વિશેની અધૂરી, અપૂર્ણ કે વિપરીત કલ્પનાનો આ ગાળામાં સ્પષ્ટ આભાસ આપ્યો છે અને કહ્યું છે કે જેમ કોઈ વ્યકિત જંગલમાં વૃક્ષોની ગણતરી કરે અથવા એક વૃક્ષમાં કેટલા પાંદડા છે તેની ગણના કરે અને આ બધી ગણતરીને તે ઉચ્ચકોટીનું આત્મજ્ઞાન માને તો તે કેટલું હાસ્યાસ્પદ છે. વ્યવહારિક જ્ઞાન અને ભિન્ન ભિન્ન પ્રકારની વિદ્યાઓ તે જ્ઞાનની કોઈ સીમા નથી અને વ્યવહારમાં આ બધા જ્ઞાનો સ્વાર્થપૂર્તિના સાધન હોવાથી તેમની ગણનાઓ ચાલતી હોય છે. પરંતુ તેમને આત્મજ્ઞાનનો કે શાસ્ત્રજ્ઞાનનો દરજજો આપી શકાય નહીં. મનુષ્યના અંતરમાં બિરાજમાન પરમાત્માના દર્શન કરાવે, તે જ સાચું શ્રુતજ્ઞાન છે. અહીં શાસ્ત્રકાર આ જ વસ્તુનો સ્પષ્ટ આભાસ આપે છે કે આ બધી ગણનાઓને જૈન સાધકો શ્રુતજ્ઞાન માની બેસે અને તેમાં જ રટણ કરે છે તે હકીકતમાં શ્રુતજ્ઞાન નથી.
માનસિક સ્થિતિની વિપરીત અવસ્થાનું વર્ણન કર્યા પછી અને શ્રુતજ્ઞાનની શું શ્રેષ્ઠતા છે તેનો આભાસ આપ્યા પછી, હવે ઉત્તરાર્ધમાં શાસ્ત્રકાર બાહ્ય સ્થિતિનો ઘટસ્ફોટ કરે છે. કારણ કે ધર્મના સંપ્રદાયોમાં, ધર્મની પરંપરાઓમાં, સામાન્ય રૂપે ઘણા આગ્રહો ઉદ્ભવે છે. પછી તે કપાળના
-
૨૮૭