Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
પૂર્વાર્ધમાં સદ્ગુરુનું ઉચ્ચારણ કરીને ઉત્તરાર્ધમાં તેના વિપક્ષનો ખ્યાલ આપે છે. સદ્રષ્ટિથી જે દૂર થયેલો છે તેને અસદ્ગુરુનો ભોગ થતા વાર લાગતી નથી. સદ્ગુરુ તો જંગલના ચંદનવૃક્ષ જેવા એકાદ હોય છે. અસદ્ગુરુ રૂપી વૃક્ષ તો ઘણા ઊભા છે. અસદ્ગુરુઓ ચારે બાજુ ધામા નાખીને ધર્મને સમજયા વિના ધર્મને નામે વ્યાપાર કરતાં હોય છે. ભિન્ન ભિન્ન પ્રકારે મોહાત્મક વાતાવરણથી ઘેરાયેલા અસદ્ગુરુઓ વિપરીત વિચાર, મિથ્યા માન્યતાઓ અને અંધશ્રધ્ધાથી ભરેલા વિચારો ફેલાવીને આવા દ્રષ્ટિ વિમુખ જીવોને આકર્ષિત કરે છે. શાસ્ત્રકારે અહીં બહુ જ વજનદાર શબ્દ મૂકયો છે અને તે છે, ‘દ્રઢ’ કરે અર્થાત્ અહીં એક પ્રકારના ક્રાંતિકારી કિરણો ચમકી રહ્યાં છે. જે અસદ્ગુરુ છે તેને પોષણ આપવું અને તેમની ભકિત કરવી, તેમની અસત્ પ્રવૃત્તિઓને મજબૂત કરવી તે આત્મદ્રષ્ટિએ તો ઠીક, પણ સામાજિક દ્રષ્ટિએ પણ અનર્થકારી છે. અહીં બે પક્ષ છે, એક અસદ્ગુરુ અને તેના શરણમાં જનાર વ્યકિત. શાસ્ત્રકારે દ્રઢ કરે તેમ લખીને શરણમાં જનાર વ્યકિતને જે ઈશારો કર્યા છે કે આવા વ્યકિતઓ અસદ્ગુરુને પોષણ આપી મજબૂત કરે છે અને તેનાથી નિષ્પન્ન થતાં દ્રષ્ટ પરિણામોનો અસદ્ગુરુ પણ લાભ ઉઠાવે છે અને પોતે પણ લાભ ઉઠાવે છે. ધર્મરહિત વિચારહીન વ્યકિત ગુરુ પદે બેઠા છે અને તેના શરણમાં જઈ તેમને સહયોગ આપી આ દૃષ્ટિ વિમુખ જીવો તેમને વધારે મજબૂત કરે છે અથવા અસદ્ગુરુનો આશ્રય લઈને પોતાની દૃષ્ટિ વિમુખતાને પણ દ્રઢ કરે છે.
દ્રઢ કરવું એટલે શું ? કોઈપણ સિધ્ધાંત ક્રિયા કે વિચાર જે બીજરૂપે છે અથવા અંકુરિત થયેલા છે, તેને અન્ય તત્ત્વોનો આશ્રય કરી મજબૂત કરવા અને દ્રઢીકરણ કરી તેમાં અનુભાગ રેડવો, તે ક્રિયામાં દ્રઢતા વધારે છે. અર્થાત્ જડ મજબૂત કરે છે, મૂળના પોષણ કરે છે.
ઉદાહરણ : એક માણસ સામાન્ય ખોટુ કામ કરી બેસે, પરંતુ તેને પશ્ચાતાપ થાય તો તે કર્મ દ્રઢ થતાં નથી. પરંતુ ખોટું કર્મ કર્યા પછી તેમાં રાજીપો થાય અને પોતે આનંદી થઈ રસ રેડે તો આ કર્મ ઘણું જ દ્રઢ થઈ જાય છે અથવા મજબુત થઈ જાય છે, ગાઢ સ્થિતિનું થઈ જાય છે. વ્યવહારભાષામાં ઘાટો રંગ લાગવો, તેને ચારે તરફથી રક્ષણ આપવું, તેમનું પોષણ કરવું એ બધી દ્રઢીકરણની ક્રિયા છે. આ જ રીતે મનુષ્ય સ્વાર્થમાં પ્રેરાય પછી સ્વાર્થને જીવતો કરવા માટે નાના પ્રકારના બીજા પગલાં ભરીને સ્વાર્થનું પોષણ કરવું, સ્વાર્થ માટે કપટ કરીને ક્રોધાદિ કષાયનું આચરણ કરવું, તે સ્વાર્થનું દઢીકરણ છે. જડ પદાર્થમાં પણ મંદભાવ અને દ્રઢભાવ, એ બે પ્રકારે બંધન થતાં હોય છે. લાકડાંના પુદ્ગલો મંદભાવે બંધાયેલા છે, જયારે લોખંડના પુદ્ગલો દ્રઢભાવે બંધાયેલા છે. દ્રઢ કરવાનો અર્થ મન વચન કાયાના યોગો દ્વારા તીવ્ર રસ પેદા કરી જે કાંઈ અશુભ કર્મો થાય છે તેનો અનુભાગ વધારી, સ્થિતિમાં વૃધ્ધિ કરવી, તન્મયભાવે આચરણ કરવું, તે કર્મની દ્રઢતા છે.
હવે આપણે મૂળ વાત પર આવીએ. અહીં અસદ્ગુરુ અને દ્રષ્ટી વિમુખ બંનેની જોડી થઈ છે અને બંને મળીને અસદ્ભાવને દઢ કરે છે. પરસ્પર મળીને એકબીજાનો આશ્રય કરી એક ગઠબંધન તૈયાર કરે છે. શાસ્ત્રકારનું મંતવ્ય છે કે આત્મા અસદ્ગુરુથી સાવધાન ન રહી તેને પોષણ આપી તેની સાથે બધી જાતનો સહયોગ કરી મજબુત કરે, તો તે ઘોર મતાર્થી બની પોતે
૨૮૩
wwwwww