Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
મુખ્ય શબ્દો (૧) વિચાર અને (૨) નિર્ધાર તે અર્થપૂર્ણ શબ્દ છે.
વિચારની ભૂમિકા : વિચાર શબ્દ વિકલ્પાત્મક પણ છે અર્થાત્ તે વિકલ્પની કોટિમાં પણ આવે છે. તેની ત્રણ ભૂમિકા છે વિકાર, વિકલ્પ અને વિચાર. જો કે આ ત્રણે અંતે તો ત્યાજ્ય જ છે, પરંતુ વિચાર શબ્દ વિશેષ પ્રકારના બોધને પ્રગટ કરે છે. વર્ વરતિ ઘાતુથી વિચાર શબ્દ બન્યો છે. ચરવું એટલે ચારે તરફથી જોવું, જાણવું, વાગોળવું, ગ્રહણ કરવું તેવો અર્થ છે, પરંતુ તેને વિશેષ પ્રકારે સમજીને ચરવાની ક્રિયા આવે છે ત્યારે તે ચરણ મટીને વિચરણ બની જાય છે. ચાર મટીને વિચાર બની જાય છે. વિચાર ઘણો જ ભાવાત્મક શબ્દ છે. અહીં ટૂંકમાં એટલું જ કહેશું કે વિચાર શબ્દ ઉદારતાનો પરિચાયક છે.
જયારે નિર્ધાર શબ્દ એ વિચાર કરતાં પણ અધિક મહત્ત્વનો છે. નિર્ણયાત્મક ભાવ નિર્ધારમાં આવે છે. હવે ધારણામાં કોઈ ફેરફાર કરવો નથી તે નિર્ધાર છે, પરંતુ દુઃખની વાત એ છે કે બધા નિર્ણય, નિર્ણય હોતા નથી, કેટલાક અવળા નિર્ણય પણ થઈ જાય છે. એમાં નિર્ણયનો દોષ નથી પણ નિર્ણયકર્તાનો દોષ છે. આ ગાથામાં મતાર્થીના નિર્ણયને વિપરીત નિર્ણય તરીકે પ્રગટ કરી કર્યા છે, અસ્તુ. આ ૨૨મી ગાથા આગળની ગાથાઓની પૂર્વ ભૂમિકા છે. જે રસ્તે જવાનું છે, ત્યાં બે રસ્તા થાય છે એટલે સાચા રસ્તાની સમજ રાખી ખોટા માર્ગને ઓળખવાની જરૂર છે. આટલા વિવેચન સાથે ૨૨મી ગાથા પૂર્ણ કરી ૨૩મી ગાથામાં આપણે પ્રવેશ કરીએ છીએ.
ઉપોદ્ઘાતઃ– આ ૨૩મી ગાથામાં એક રીતે ફરીથી મતાર્થીનું લક્ષણ બતાવીને તે વાત ઉપર વજન મૂકવામાં આવ્યું છે અને જે અવળો વિચાર કરે છે તેનું મૂળ કારણ મતાર્થીને આત્મલક્ષ હોતું નથી. આત્મલક્ષ થાય તો જ બુધ્ધિ સવળી થાય. ૨૨મી ગાથામાં જે કથન કર્યું છે તેનું અહીં કારણ બતાવ્યું છે. હકીકતમાં મનુષ્ય લક્ષનું નિર્ધારણ કરી તે પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. લક્ષ ખોટું હોય તો બાકીના નિર્ણયો પણ ખોટા હોય. આ ગાથામાં કવિરાજે ઉપરની વાત સિધ્ધ કરી છે અને સાથે સાથે આત્મલક્ષની મહત્તા પણ બતાવી છે. અનંતકાળથી જીવ બહિરાત્મા બની બહારની વસ્તુને લક્ષ બનાવે છે અને ઘરની ખબર લેતો નથી, આત્માને એટલે સ્વને જ ભૂલ્યો છે. હવે જે કોઈ બાકીના બીજા દુર્ગુણો છે જે મતાર્થી સાથે જોડાયેલા છે તે દુર્ગુણોને પણ આગળની ગાથામાં વિવરણ કરવા માટે કવિશ્રી અહીં તેનો ઉદ્ઘોષ કરે છે. આ બધા લક્ષણો સારા નથી. વ્યવહાર દષ્ટિએ અથવા સાંસારિક દ્દષ્ટિએ ભલે કદાચ સારા લાગતાં હોય, પરંતુ આ અધ્યાત્મશાસ્ત્રમાં તો તે અકલ્યાણકારી છે તેથી તેનાથી ચેતવું જ જોઈએ. આ મતાર્થીના લક્ષણો મતાર્થીને જ સમજવા માટે નથી પરંતુ મતાર્થી કેવા હોય તેનું વિવરણ આપી મુમુક્ષુઓને સાવધાન કરવા માટે તેનું વિવરણ આપ્યું છે. સંપૂર્ણ ગાથા એક રીતે પાછળનું પુનરાવર્તન છે, પરંતુ તે ગાથામાં જે વિશેષ લક્ષણો બતાવ્યા નથી તે લક્ષણોનેં બતાવવા માટેની જાહેરાત છે. ગાથા સામાન્ય હોવા છતાં કેટલુંક વિશેષ અર્થઘટન પણ છે. આપણે અહીં આટલો ઉપોદ્ઘાત કરી હવે ગાથાનું અર્થઘટન કરશું. સામાન્ય માણસને દહીં તે દહીં જ દેખાય છે, પરંતુ સમજદારને તેમાં માખણ કેટલું છે તે સમજાય છે. એમ માખણને આધારે જ દહીંનું મૂલ્યાંકન થાય છે. પદાર્થ જોયા પછી પદાર્થની ગુણધર્મિતા ઉપર પણ અને ક્રિયાકલાપ ઉપર પણ વિચાર કરવો ઘટે છે. હવે આપણે મૂળ ગાથાનો ઉલ્લેખ કરીએ.
૨૬૪