Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
મહાશત્રુ કયારે બને છે તે વિચારણીય છે. તેમને સામાન્ય શત્રુ કીધા નથી પરંતુ મહાશત્રુ કીધા છે. આ પ્રશ્ન ઉપર વિચાર કર્યા પહેલા કષાયને શત્રુ કેમ કહ્યાં ? કષાય શત્રુ શા માટે છે ? શું હિતાહિતની દષ્ટિએ શત્રુતા અને મિત્રતાનો નિર્ણય કરવાનો છે. અર્થાત હિત કરે તે મિત્ર અને અહિત કરે તે શત્રુ, પરંતુ આ વ્યાખ્યા તો વ્યવહારિક છે. તેના મૂળ તો રાગદ્વેષમાં છે. હકીકતમાં શત્રુ કોણ છે તે જાણવું જરૂરી છે.
જૈનધર્મમાં નવકાર મંત્રમાં સર્વ પ્રથમ અરિહંત શબ્દ મૂકયો છે. ત્યાં ભગવાનને અરિહંત કહ્યા છે. અર્થાત અરિ એટલે શત્રુનો નાશ કરનારા તેવો અર્થ થાય છે. ગીતામાં પણ કહ્યું છે કે દુષ્ટતાં વિનાશાય', દુષ્ટોનો નાશ કરવા માટે ભગવાનનો અવતાર થાય છે. તો અરિહંત શબ્દ અને આ ગીતાપદમાં સામ્યયોગ હોય તેવું જણાય છે. અરિનો અર્થ દુર્ગુણ રૂપી શત્રુ છે.
મારવું એટલે શું ? : શત્રુનો નાશ કરનાર ફક્ત દુર્ગુણનો નાશ કરે છે કે તે વ્યક્તિનો નાશ કરે છે આ એક ગૂઢ સમસ્યા છે. અહીં આપણે એટલું જ લેવાનું કે સંસારમાં કોઈ શત્રુ તત્ત્વ છે. જેને અરિ કહ્યાં છે, દુષ્ટ કહ્યાં છે અથવા દુષ્ટકર્મો કહ્યાં છે. તે બધા શત્રુ પદમાં આવે છે. અહીં શાસ્ત્રકારે પણ શત્રુ શબ્દનો પ્રયોગ કર્યો છે અને સાથે સાથે તેને મારવાની પણ વાત કહી છે. બંને શબ્દ વ્યવહાર દષ્ટિએ હિંસાત્મક જણાય છે. જયારે આખુ દર્શન અહિંસાત્મક છે. જૈનધર્મમાં પ્રથમ પદમાં હિંસાત્મક શબ્દથી અહિંસાનો ઉપદેશ આપ્યો છે તે પણ એક આશ્ચર્ય છે. એ જ રીતે આત્મસિદ્ધિમાં પણ શત્રુ મારવાની વાત કરી હિંસાત્મક શબ્દથી જ્ઞાન સાધનાની વાત ચાલી રહી છે. એટલે શત્રુ શબ્દ એક પ્રકારનો શ્રેષજનક છે તે ભૂલવું ન જોઈએ. આ કષાયોને શત્રુ ભાવે નિહાળવાથી પુનઃ ૮ષની પ્રક્રિયા શરૂ થાય છે. આટલો પૂર્વ પક્ષ રચ્યા પછી હવે તેનો ઉત્તરપક્ષ લેશું.
હકીકતમાં શત્રુ શબ્દ અહીં ભાવાત્મક છે વ્યકિતપરક નથી. લૌકિક વ્યવહારમાં શત્રુ શબ્દ વાપરવાથી સામાન્ય માણસને પણ સમજાય જાય છે. શત્રુ કોને કહેવાય તે એક અટપટો સવાલ છે. વ્યવહારમાં ભૌતિક રીતે નુકશાન કરે તેને શત્રુ ગણવામાં આવે છે, તેથી વિરોધી માણસને પણ શત્રુ ગણવામાં આવે છે અને તેના માટે પણ શત્રુ શબ્દનો પ્રયોગ થાય છે. જેને શત્રુ માન્યા તેના પ્રત્યે ઊંડો દ્વેષ જન્મે છે અને રાગદ્વેષની ગાંઠ મજબૂત બને છે. એવો અવસર પણ આવે કે શત્રુ મિત્ર બને અને મિત્ર શત્રુ બને પરંતુ તેનાથી રાગદ્વેષની ગાંઠમાં અંતર પડતું નથી. પુનઃ રાગદ્વેષની ગાંઠ અંકુરિત થાય છે. નીતિશાસ્ત્રોમાં આવા શત્રુથી બચવાની ભલામણ કરી છે. આને લગતો સામાન્ય ઉપદેશ અને કથાઓ ઘણી જ હોય છે, પરંતુ તત્ત્વદ્રષ્ટિએ આ શત્રુ નાશ પામે કે નવા થાય તેનું વધારે મૂલ્ય નથી પરંતુ એક પ્રકારના સંસારવૃધ્ધિના કર્મબીજ રોપાય છે. શત્રુમિત્રના ભાવ ઉત્પન્ન કરવા માટે મૂળભૂત અજ્ઞાન અને કષાય કારણભૂત છે, જે મોટા શત્રુ છે. બહારના શત્રુ મરે કે મટે, પરંતુ આ આંતરિક શત્રુ બરાબર પોતાનું સ્થાન જમાવી રાખે છે અને હસતા રહે છે, તેથી તેને ભાવ શત્રુ કહ્યાં છે. અહીં શત્રુનો અર્થ એટલો જ કરશું કે આપણી જન્મ જન્માંતરની સાધના બગાડે, આધ્યાત્મિક ઉત્ક્રાંતિ રોકી રાખે અને જીવ જે દુર્ગતિ પામ્યો છે ત્યાં પુનઃ લઈ જાય, તે આંતરિક શત્રુ છે. અહીં કવિરાજ તેને દ્વેષ દૃષ્ટિથી નિહાળવાની મના કરે છે
: ૨૨૯ ટકા