Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
વિભક્ત થઈ જાય છે અર્થાત્ કરવું તે કર્મ, કરાય છે તે પણ કર્મ, વર્તમાનમાં જે કંઈ પ્રવૃત્તિ કરે છે તે પણ કર્મ છે અને કર્મ કર્યા પછી જે કર્મફળ મળે છે તેને પણ કર્મ કહે છે. એ જ રીતે બંધાયેલા પાપ પુણ્યનો પિંડ પણ કર્મ જ છે. આમ કર્મ ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં વ્યાપ્ત છે. કર્મનો આરંભ સંજ્ઞાથી, સંસ્કારથી, વિચારથી શરૂ થાય છે. મનવાળા જીવો વિચારપૂર્વક પણ કર્મ કરે છે. કર્મનો આરંભ થયા પછી તે વાણી અને કાયામાં પણ ઉતરી આવે છે. વૃત્તિમાંથી પ્રવૃતિનું રૂપ ધારણ કરે છે. અહીં જૈનદર્શનમાં મુખ્યત્વે જે ક્રિયા થાય છે તેનાથી જે પાપ-પુણ્યના પિંડ નિર્માણ થાય છે તેને કર્મ કહે છે.
હવે આપણે મૂળ વિષય પર આવીએ. સદ્ગુરુએ વિનયશીલ શિષ્યનો જે કાંઈ અન્ય સ્વાર્થમય લાભ લીધો છે તેનું કુળ શાસ્ત્રકાર સ્વયં બતાવે છે. આ અસદ્ગુરુની પ્રવૃત્તિના પરિણામે મહામોહનીય કર્મ બંધાય છે. હકીકતમાં કર્મ ઘણી જાતના છે પરંતુ મોહકર્મ એ બધા પાપનું મૂળ છે. બીજા અન્ય ઘાતીકકર્મ જ્ઞાનાવરણીય આદિ પણ મોહના કારણે જ તીવ્ર ભાવે બંધાય છે. આત્મામાં જે કોઈ વિકાર છે તે બધા મોહનીય કર્મના તાંડવ છે પરંતુ અહીં શાસ્ત્રકારે મહામોહનું નિરૂપણ કર્યુ છે. અલ્પમોહ, સામાન્યમોહ અને મહામોહ. આ વિભાગોમાં મહામોહ જ મોટું આવરણ છે. અલ્પમોહ જયાં સુધી દેહ છે ત્યાં સુધી આવશ્યક પણ છે. અલ્પમોહ હોય ત્યારે જ શુભ ક્રિયાઓ પણ થાય છે. વ્યવહાર ચલાવવા માટે પણ અલ્પમોહ કારણભૂત બને છે. ગુરુ શિષ્યના ઉત્તમ સંબંધોમાં પણ અલ્પમોહ હોય છે. ગૌતમસ્વામી જેવા મહાન પ્રખર જ્ઞાનીને પણ અલ્પમોહે શિષ્યભાવે સાધના કરવામાં સહાયતા કરી છે, સામાન્ય મોહ, ગૃહસ્થધર્મમાં હોય છે અને ધનસંચય, મકાન પરિગ્રહ આદિની સારસંભાળ રાખી, સંચય સંગ્રહ કરી ઘરસંસાર ચલાવે છે, બાળકોનું પાલન પોષણ કરે છે, ખેડૂતો પણ સામાન્ય મોહને કારણે પોતાના કૃષી કર્મમાં સંલગ્ન રહે છે, પરંતુ આ બે મોહ છોડીને મોહ માત્ર વધે છે ત્યારે મનુષ્ય અનર્થ તરફ વધે છે, અનિષ્ટ કર્મ કરે છે, પાપ કર્મમાં જોડાય છે. જેમ ચૂલાની થોડી અગ્નિ રસોઈ બનાવવામાં કારણભૂત છે પરંતુ તે જ અગ્નિ મહાઅગ્નિનું રૂપ ધારણ કરે તો ઘરને અને રસોઈ કરનારને, તે બધાને બાળી ભસ્મ કરી શકે છે. થોડું પાણી પ્રાણીઓનું અને વનસ્પિતિનું પોષણ કરે છે પરંતુ મહાપ્રલયનું રૂપ ધારણ કરી પાણી જયારે વિકરાળરૂપ ધારણ કરે છે ત્યારે મોટો વિનાશ કરે છે આ બધા બાહ્ય ઉદાહરણ છે. આત્યંતરમાં મહામોહરૂપ અગ્નિ પ્રગટ થતાં જીવને દુર્ગતિમાં લઈ જાય છે, અનંતકાળ સુધી તે ભયંકર યોનિઓમાં રખડપટ્ટી કરે છે અને પીડાય છે. મહામોહનો ઉદય તે એક પ્રકારનો શ્રાપ છે. અસદ્ગુરુને નાનકડા સ્વાર્થને કારણે આ સત્ય સમજાતું નથી અને વિનય જેવી પવિત્ર વસ્તુનો ખોટો લાભ ઊઠાવી મહામોહનો બંધન કરે છે. ચોરને ખબર નથી કે જેલખાનાની પીડા કેવી હોય. દુનિયાદારીના જેલખાનામાંથી છૂટી શકાય છે પરંતુ આ પ્રાકૃતિક મહામોહ એવી યાતના ભરેલી સ્થિતિમાં લઈ જાય છે કે જેમાં એ કર્મો ભોગવ્યા વિના નીકળી શકાતું નથી. આ વિવેચન જગ જાહેર છે, સામાન્ય સૌ કોઈ જાણે છે. તેથી તેના ઉપર અધિક ન લખતાં વિરાજે અસદ્ગુરુઓને તેની કુપ્રવૃત્તિ અને તેનું કુળ એ ત્રિપુટીને અહીં પ્રદર્શિત કરી છે. (૧) અસદ્ગુરુ કર્તા છે. (૨) કુપ્રવૃત્તિ તેનું પાપ કર્મ છે. (૩) તેનું કુફળ મહામોહ છે. આ
૨૫૨