Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ત્રણેનું ફળ મહાયાતના છે, અનંત સંસાર છે.
- વિપક્ષમાં અસદ્ગુરુનું ચિત્ર ઊભુ કરી સામાન્ય જનસમૂહને અંધશ્રધ્ધાથી મુકત કરવા અને સુસ્વભાવી સરળ જીવો અસદ્ગુરુનો શિકાર ન થાય તેમ જ સદ્ગુરુઓ સ્વયં મહામોહના શિકાર ન થાય તે માટે આ ગાથાનું ત્રીજું ચોથું પદ બુલંદ અવાજે જાગૃતિની પ્રેરણા આપે છે.
આટલો સામાન્ય અર્થ કર્યા પછી આ બંને પદોના કેટલાંક વિશેષ અર્થ વિચારશું.
કર્મવિપાકનું સામર્થ્ય : અહીં મહામોહને કરણરૂપે સ્વીકારવામાં આવ્યો છે અર્થાત્ તૃતીયા વિભકિતથી પ્રત્યય જોડી મહામોહને સ્વયં ફળદાયી બતાવ્યો છે. કર્મનું રહસ્ય એ છે કે કર્મ કરવામાં જીવ થોડે ઘણે અંશે સ્વતંત્ર છે પરંતુ જયારે કર્મ ફળ આપે છે ત્યારે તેમાં બાંધછોડ થતી નથી. જાણે કર્મ જ જીવની લગામ પકડે છે. કર્મ ઉદયમાન થયા પછી પણ જીવનું જાગરણ હોય અને કોઈ પુણ્યનો સંયોગ હોય તો કર્મના પ્રવાહને ખાળી શકે છે પરંતુ જયારે મહામોહનો ઉદય હોય, ત્યારે જીવના ઉપકરણ કુંઠિત થઈ જાય છે. એટલે કર્મ પોતે જ લગામ હાથ ધરે છે. કર્મમાં પ્રાકૃતિક શકિત છે કે તે પોતાને અનુકુળ એવા ફળ આપે છે. જેમ બીજમાં પ્રાકૃતિક શકિત છે કે તે પરમાણુ સંચય કરી પોતાને અનુરૂપ એવું વૃક્ષ પેદા કરે છે. તે જ રીતે આ કર્મો બીજરૂપ છે. અહીં કર્મ સ્વયં ઈશ્વર છે અર્થાત્ સામર્થ્યવાન છે અને ફળ આપવાની શકિત ધરાવે છે. કુફળ આપતી વખતે જીવ જ તેનું અધિષ્ઠાન છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ તેમાં પૂર્તી કરે છે. જેમ બીજ અંકુરિત થાય ત્યારે ભૂમિ, પાણી, હવા અને સમય તેનું પોષણ કરે છે તે જ રીતે કર્મ ફળ માં આ બધા યોગો નિમિત્ત રૂપે હાજર રહી કર્મના ઉપાદાનને પુષ્ટ કરે છે તેથી અહીં શાસ્ત્રકારે મહામોહથી જીવ સંસારમાં ડૂબે છે એમ કહીને મહામોહની પ્રધાનતા બતાવી છે. મહામોહ બાંધ્યા પહેલા જીવ ચેતી શકે છે. પરંતુ ન ચેતે તો તે પોતાના જ મોહથી પોતે જ ભવસાગરમાં ગોથા ખાય છે. આમ ત્રીજું પદ એ જીવ અને જીવનું ઐશ્વર્ય, કર્મ અને કર્મનું ઐશ્ચર્ય, બન્નેની શકિતની તુલનામાં મહામોહનો ઉદય અધિક સમર્થ છે તેવું જણાવીને અસદ્દગુરુએ પોતાનું સામર્થ્ય ગુમાવ્યું છે. શિષ્યની શકિતઓને પણ ઢાંકી છે અને મહામોહનું સામર્થ્ય વધાર્યું છે. જેનું પરિણામ ચોથા પદમાં સ્પષ્ટ કરે છે. “બુડે ભવ જળ માંહી. આમ તો આ વાકય બહુ સામાન્ય છે અને ભવસાગરમાં જીવો ડૂબી જાય છે પાપના ફળ ભોગવે છે, તે જગ જાહેર છે. ભકતામર સ્તોત્રના પ્રથમ શ્લોકમાં કહ્યું છે કે, ભવજલે પતતાં જનાનામ્ અહીં પણ ભવજળ શબ્દ વાપર્યો છે અને આપણા કવિરાજે પણ ભવજળ શબ્દનો ઉપયોગ કર્યો છે. પ્રથમ આપણે વિચારીએ કે કવિઓએ અથવા જ્ઞાનીઓએ સંસારને જળ સાથે કેમ સરખાવ્યો છે અને ભવ એટલે સંસારરૂપી પાણી તેને ભવજળ કહે છે. હકીકતમાં પાણી તો ઘણી જ ઉત્તમ વસ્તુ છે. સમગ્ર જીવન પાણી પર આધારિત છે તો તેને આવા કલેશમય સંસાર સાથે કેમ સરખાવી શકાય. પ્રશ્ન એ છે કે કોઈ માણસ પાણીમાં ડૂબે છે ત્યારે શું પાણીનો દોષ છે કે વ્યકિતનો દોષ છે? સ્પષ્ટ છે કે પાણી નિમિત્ત માત્ર છે અને વ્યકિત દોષનું ભાજન છે. લાકડું પાણીમાં તરે અને લોખંડ ડૂબી જાય છે તો તેમાં પાણીનો દોષ નથી. લોખંડનું ઉપાદાન ભારે છે અને લાકડાનું ઉપાદાન લઘુ છે અર્થાત્ અલ્પભાર છે એ જ રીતે ભારે કર્મી જીવ લોખંડની તુલનામાં આવે છે અને લઘુકર્મી જીવ કાષ્ટની તુલનાવાળો છે. બંનેના