Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
મનુષ્ય, હિંસક શકિતશાળી મનુષ્યો કે રાજાઓ ઈતિહાસને કલંકિત કરી ગયા છે પરંતુ આ માયાવી તત્ત્વની પ્રબળતા એવી છે કે ધર્મના ક્ષેત્રમાં પણ તે પ્રવેશ કરી જાય છે. અને ભિન્ન ભિન્ન રૂપે સાધકનો પીછો કરી સાધકને તો ફસાવે જ છે અને પોતે પણ ગાઢ તીવ્ર પાપ કર્મોના બંધનમાં ફસાઈ જાય છે આ ગુરુ અને શિષ્ય બંને માટે ઘાતક એવું આ માયાવી તત્ત્વ વિશ્વમાં પોતાનું કાર્ય ચાલુ રાખે છે. સત્ય સરળ હોવા છતાં અસત્યની જાળમાંથી તેને છૂટું પાડી માયાના ચમત્કારથી અંજાઈ ન જતાં તેનાથી દૂર રહી સાધના કરવી તે કઠિન છે કારણ કે સાધક સરળ છે પરંતુ તેને દોરનાર માયાવી છે અને જે દોરાય છે તેની મુકિતની તેને પરવા નથી પરંતુ તેનાથી પોતે ભૌતિક સુખ કે સાધન મેળવી શકે છે. તેવો બદઈરાદો રાખી શિષ્યત્વ ભાવ આપી એક પ્રકારે તેને માનસિક ગુલામ બનાવી પૂરો લાભ લેવા કોશિશ કરે છે. આવા કુગુરુને ઉઘાડા પાડતા કવિરાજ સ્વયં તેને અસદ્ગુરુ કહી સંબોધન કરે છે અને તેની પાપલીલાનું ફળ પણ બતાવે છે. અહીં ૨૧મી ગાથાથી વિષયાંતર થાય છે અર્થાત્ સત્યપક્ષ પછી અસત્યપક્ષ કેવો છે પ્રકાશની સાથે અંધારું કેવું છે અને શુધ્ધ તત્ત્વોમાં અશુધ્ધિ કેવો ભાગ ભજવે છે, અસત્યની માયાજાળ મનુષ્યને બુધ્ધિથી ગ્રહણ કરી, બુધ્ધિને કુંઠિત કરી તેમાં આગ્રહ પેદા કરી અવળો માર્ગ કેવી રીતે ચલાવે છે તેનું વર્ણન આ ૨૧મી ગાથાથી શરું થાય છે.
હવે આપણે તે ગાથાનો સ્પર્શ કરીએ.
૨૪૬ ૩