Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
પ્રકારના છે, એક પ્રારંભિક અવરોધ અને એક વચગાળાનો અવરોધ. જેમ કોઈ વૃક્ષને ઉત્તમ ભૂમિ ન મળતા તેનો વિકાસ અટકી જાય છે પરંતુ ઉત્તમ ભૂમિ મળ્યા પછી વૃક્ષનો સારો વિકાસ થાય છે અને વિકાસ થયા પછી તેમાં કોઈ પ્રતિરોધ ઊભો થાય, ચાહે રોગ આવે, ચાહે કોઈ તેનો વિનાશ કરે અથવા બીજા કોઈ કારણસર તેનો આગળનો વિકાસ અટકી જાય, તે બીજા પ્રકારનો અવરોધ છે. પ્રથમ પ્રકારનો અવરોધ તે શકિતને અંકુરિત થવા દેતો નથી, જયારે બીજા પ્રકારનો અવરોધ વિકસિત થયેલી શિત ઉપર પાણી ફેરવે છે. અહીં ત્યાગ—વિરાગ આવવાથી કોઈ પ્રારંભિક અવરોધ આવ્યો નથી અને જ્ઞાનનો દરવાજો ખૂલી ગયો છે. તેથી જ કહે છે કે “ત્યાગવિરાગ ન ચિતમાં, થાય ન તેને જ્ઞાન”. પરંતુ જ્ઞાનનો દરવાજો ખૂલ્યા પછી ત્યાગ–વૈરાગ્યમાં મોહનું બીજું જ રૂપાંતર ઉત્પન્ન થવાથી જીવ ત્યાં અટકી જાય છે અને આ અટકાવ તે બહુજ મોટો અવરોધ છે. આ અવરોધથી જીવાત્મા નિજભાન ભૂલી પરમાત્માને પડતા મૂકી, પરમાત્માની મૂર્તિઓ સ્થાપી પોતાનો નવો જ વ્યાપાર ચાલુ કરે છે. જેને કવિરાજ ત્યાગ વૈરાગ્યનો અટકાવ ગણે છે.
નિજનો સાચો અર્થ : “ભૂલે નિજ ભાન” અહીં નિજ ભાનને ભૂલવાની વાત કહી છે. પોતાને ભૂલવું એટલે શું? કોઈ પણ વ્યકિત પોતાને ભૂલી શકતો નથી. હર ક્ષણ મનુષ્યનો અહંકાર ઉપસ્થિત હોય છે. ‘હું છું” (I am) આ ભાવ ચિત્તમાં જડાયેલા છે, તો નિજને કેવી રીતે ભૂલી શકે ? કદાચ સ્વપ્ન કે નિદ્રામાં ભલે માણસ પોતાને ભૂલી જાય અથવા બેભાન અવસ્થામાં પણ જીવ પોતાને ભૂલી જાય પરંતુ જાગૃત અવસ્થામાં તે પોતાને ભૂલી શકતો નથી, તો શું કવિજી અહીં અધ્યાત્મક્ષેત્રની બેભાન અવસ્થાની વાત કરે છે ? મહાપુરુષો મોહાક્રાંત વ્યકિતને બેભાન ગણે છે. ગીતામાં પણ કહ્યું છે કે
"या निशा सर्वभूतानां तस्याम जागर्ति संयमी,
यस्याम् जागर्ति भूतानि सा निशा पश्यतो मुनि"
બધા પ્રાણી માટે જે રાત્રી છે, અર્થાત્ જ્યારે બધા પ્રાણીઓ સુએ છે, ત્યારે સંયમી આત્મા જાગે છે અને જ્યારે બધા ભૂત જાગે છે, તેને મુનિ રાત્રિ માને છે. સાર એ થયો કે રાત અને દિવસ બંને મોહાન્વિત જીવો માટે રાત્રિ જ છે, જ્યારે તપસ્વી સંયમી સંતો માટે રાત અને દિવસ બંને દિવસ છે. અહીં પણ આત્માનું ભાન ભૂલેલાને અથવા પરમાત્માને જે ભૂલી ગયા છે, તેને પણ બેભાન ગણે છે. અહીં પોતાને ભૂલવાની જે વાત છે, તે આવી બેભાન અવસ્થા માટે જ છે. પરંતુ આ દશા તો બહુજ નીચી કક્ષાની છે. અહીં તો ત્યાગ વૈરાગ્ય પામ્યા પછી પણ તેમાં અટકી જવાથી પોતાને ભૂલી જવાની વાત છે. ખરેખર, અહીં નિજનો અર્થ પોતે' એમ લેવાનો નથી, પરંતુ ‘પરમાત્મા’ લેવાનો છે. આવા ત્યાગી સંતો પણ પરમ આત્મતત્ત્વને ભૂલીને ભૌતિકવાદમાં સપડાય છે. ભૌતિકવાદ એ આવશ્યક તો છે જ પરંતુ તેના ઉપર આત્મજ્ઞાનની લગામ જરૂરી છે.
ભૂલવું શું છે ? : “ભૂલવું” એટલે વિસ્મરણ થવું, જાણીબુજીને ભૂલી જવું, અને પ્રમાદવશ ભૂલી જવું. વિસ્મરણની ભૂલ એ બહુ નાની સ્વાભાવિક ભૂલ છે. સ્મરણ થતાં જીવ ઠેકાણે આવે છે. અજ્ઞાનવશ જાણીબુઝીને પરમાત્મા પ્રત્યે દુર્લક્ષ કરવો તે બહુ મોટી ભૂલ છે. દુર્લક્ષ કરવાથી
૧૨૦ ૧