Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
આત્મદ્રવ્ય રૂપ જે અર્થ છે તેને જ ઝંખે છે. આત્મા તે દ્રવ્ય છે. પોતાના ગુણધર્મથી પરિપૂર્ણ હોવાથી તે અર્થ છે. અને આત્મ રૂપ અર્થને જાણવા માટે જ જ્ઞાન તલપાપડ થાય છે. તેવું જ્ઞાન અથવા જ્ઞાનનો અધિષ્ઠાતા જીવાત્મા અહીં અર્થી છે. જેમ કોઈ બંદૂકધારી નિશાનને પોતાના લક્ષમાં લઈ તેની ઉપર તીર ચલાવે ત્યારે તે આસપાસ બધી વસ્તુને ભૂલી જઈ કેવળ નિશાનને જૂએ છે. તેમ અહીં જ્ઞાનમાં ઉતરેલો નિશાનધારી જીવ આત્મદ્રવ્યને નિશાન બનાવી તેને જ લક્ષ બનાવી પોતામાં સામાવિષ્ટ કરી લેવા માગે છે. આમ જ્ઞાતા, શય અને જ્ઞાન ત્રણેય એકાકાર થઈ જાય છે. આવી આત્માર્થીની સ્થિતિ છે. “ત્યાં ત્યાં તે તે આચરે તેનો અર્થ એ છે કે જેની તેને જરુર હતી તેવો આત્માર્થી જીવ લક્ષવેધી બની ફકત આત્માનો બોધ કરવા માટે જ બધું આચરણ કરે છે. નિશાન પલટતા દિશા બદલતા આચરણ પણ બદલાય જાય છે. ઉપવાસી વ્યકિત ભોજનની તૈયારી કરતો નથી તેમ આત્માર્થી જીવ હવે સાંસારિક આચરણ કરતો નથી. જે કર્માધીન સાધારણ આચરણ છે તેનો પણ કર્તા રહેતો નથી આમ જ્ઞાનના બળે ક્રિયાઓને છૂટી પાડી, આત્મલક્ષ રૂપ આચરણમાં જ તન્મય થાય છે અને દેહાદિ લક્ષી બીજા જે આચરણો છે તે સ્વતઃ કર્માધીન છે. તેમાં તેનું લક્ષ નથી. આત્માર્થીની આ દિવ્ય સ્થિતિ છે.
ત્રણે શબ્દોનો પરસ્પર અન્વય કરી એક સૂત્ર રૂપે આપણે વ્યાખ્યા કરી. હવે ત્રણે શબ્દોને ભિન્ન ભિન અર્થોથી નિહાળી તેનો જે કાંઈ ક્રિયાકલાપ છે તેની વ્યાખ્યા કરશું.
અસંખ્યાત પ્રદેશી આનંદઘન સિધ્ધ પર્યાયનો અધિકારી નિર્મળ ગુણોનું અધિષ્ઠાન તે આત્મ દ્રવ્ય છે.અર્થ અર્થાત્ ગુણધર્મથી પરિપૂર્ણ અને નિત્ય, શાશ્વત જે તત્ત્વો છે તે બધાનો સમાવેશ અર્થમાં થાય છે પરંતુ મનુષ્યની બુધ્ધિના કારણે કે વિપરીત ભાવોના કારણે તે અર્થથી લાભાન્વિત ન થતાં અનર્થનું સેવન કરે છે. જો અર્થનો કર્તા ન થાય તો અનર્થનો પણ કર્તા ન થાય. અનર્થ શબ્દ તે કોઈ દ્રવ્યવાચી નથી પરંતુ દ્રવ્યનો અભાવવાચી છે, અને વિપરીત ભાવોનો પણ વાચક છે. અર્થનું સ્વરૂપ જેમ નિત્ય અને શાશ્વત છે તેમ આત્મદ્રવ્યરૂપી અર્થ પણ એક શાશ્વત અને નિત્ય અર્થ છે.
અર્થી આત્મદ્રવ્યમાં અધિષ્ઠિત થયેલા જ્ઞાનરૂપી અર્થને જાણ્યા પછી તે અર્થની અપેક્ષા રાખી અર્થી બને છે. અર્થી તે સામાન્ય ઝંખનાવાળો અથવા ઈચ્છાપ્રધાન જીવ છે. પરંતુ જ્યારે અર્થી સામે છ એ દ્રવ્યનું સ્વરૂપ આવે છે ત્યારે આ અર્થી અર્થાત્ જ્ઞાન તે પર અર્થો ઉપરથી લક્ષ હટાવી આત્મા રૂપી અર્થ ઉપર સ્થિર બની તેનો અર્થી બને છે. અર્થી કોઈ પણ સાંસારીક જીવ પણ હોઈ શકે છે અને આવો અર્થી સંસારભ્રમણમાં પણ નિમિત્ત બની જન્મમૃત્યુના ચક્ર વધારે છે. અર્થ થવું તે ત્યારે જ શુભ છે જ્યારે તે આત્માનો અર્થ બને.
અહીં ત્રણેય તત્ત્વોને અલગ અલગ જાણ્યા પછી ત્રણેયનું અનુસંધાન થવાથી તે આત્માર્થી બની જાય છે. આવો આત્માર્થી જીવ જ્યાં જે યોગ્ય છે ત્યાં તેવું આચરણ કરે છે. આ પદથી એ સાબિત થાય છે કે જ્ઞાન થયા પછી ઉચિત આચરણ કરવું બહુ જરૂરી છે. કેટલાક જ્ઞાનવાદી આચારનું મહત્ત્વ ને સમજવાથી આત્મજ્ઞાનમાં જ્યારે શુધ્ધ આચરણ વ્યર્થ હોય તેવો ભાવ પ્રદર્શિત કરે છે. જ્યારે અહીં કવિરાજ કહે છે આત્માર્થી એવો જ્ઞાની જીવ અવશ્ય યોગ્ય આચરણ કરે છે. આત્માર્થીનું જ્ઞાન તે જ્ઞાનની પર્યાય છે. જ્યારે યોગ્ય આચરણ તે ચારિત્રની પર્યાય છે.
શારદાદા ૧૩૧ માં