Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
પ્રત્યક્ષ દેખાય છે કે આ વ્યવહાર સમ્યગ્દર્શનનો જનક છે. તેથી શાસ્ત્રકારે અહીં ‘ગણી' શબ્દ મૂકીને આ કારણને પ્રત્યક્ષ કાર્યરૂપે જોયું છે. આરોપ હોવા છતાં જ્ઞાનમાં આરોપ નથી, કારણમાં પ્રત્યક્ષ કાર્ય દેખાય છે. આ થયો વ્યવહાર નિશ્ચયનો સબંધ, કાર્યકારણનો સબંધ અને તેથી આગળ વધીને જ્ઞાતાની પરિણતિમાં થતા પ્રત્યક્ષ પરિણામ. જો કે આ પદ ઘણું જ ગૂઢ અને ગંભીર છે. ત્રિગુણાત્મક વ્યાખ્યા છે. એટલે હવે આપણે આગળ આ ત્રિગુણાત્મક વ્યાખ્યાને સ્પષ્ટ કરવા પ્રયત્ન કરશું.
સંપૂર્ણ ગાથાના ત્રણ માધ્યમ છે (૧) જીવાત્મા (૨) સદગુરુ (૩) તેનું લક્ષ. ઉપરાંત કવિરાજ જ્ઞાતા તરીકે જીવ અને સદ્ગુરુ બન્નેની વ્યાખ્યા કરી રહ્યા છે. તેઓએ સદ્ગુરુના લક્ષમાં સમકિતના પ્રત્યક્ષ દર્શન કર્યા છે અને તે પણ એમ કહીને કે આ લક્ષ સમ્યગ્દર્શનનું પ્રત્યક્ષ કારણ
છે.
અહીં પ્રત્યક્ષ શબ્દ લક્ષમાં સકિતના કારણ રૂપે હોવું અને બીજું જે જ્ઞાતા છે તેને તેમાં પ્રત્યક્ષ દર્શન થઈ રહ્યા છે. આ રીતે પ્રત્યક્ષ' શબ્દ બન્ને તરફ દેહલી દિપકના ન્યાયે પ્રકાશ પાથરી રહ્યો છે અને ગીતકારે બહુ જ સમજીને આ પ્રત્યક્ષ શબ્દનું ઉચ્ચારણ કર્યું છે.
હવે આપણે એક પછી એક માધ્યમને તપાસશું. પ્રથમ જીવાત્મા, જે ભકતરૂપે સદગુરુનું લક્ષ કરવા તત્પર થયો છે અને તેનામાં તેવી યોગ્યતા આવી છે. આ યોગ્યતા જીવાત્મામાં બે રીતે વિકાસ પામે છે, એક તો કર્મક્ષય કે કર્મનો ક્ષયોપશમ થતાં અને સ્વતઃ મોહાદિક કર્મો પાતળા પડતાં. જીવમાં સાંસારિક મહત્ત્વ ઓછું થતાં સ્વતઃ તેનું મન સદગુરુના શરણને શોધે છે અને સદગુરુનું લક્ષ કરવા તૈયાર થાય છે. આ યોગ્યતા અને પરીણિત તે જીવની આંતરિક સ્થિતિ છે, પરંતુ કયારેક કર્મો પાતળા ન પડયા હોય, થોડી ગાઢ અવસ્થા હોય, ત્યારે કોઈ પુણ્યના ઉદયથી સત્સંગનો યોગ મળતાં કે ધર્મકથાનું શ્રવણ કરતાં તેના ઉજ્જવળ પરિણામોથી ગાઢ મોહ મંદ સ્થિતિમાં આવી જાય છે. આમ નિમિત્ત કારણથી પણ જીવ યોગ્ય અવસ્થા પ્રાપ્ત કરે છે.
મોહ ગાળવાની પ્રક્રિયા ઃ ત્યારબાદ સમ્દષ્ટા તત્ત્વજ્ઞ મહાપુરુષનો સંગ થતાં તે સામાન્ય યોગ્યતા વિશેષરૂપ ધારણ કરે છે અને તેના અધ્યવસાયોમાં પરિશુદ્ધિ થાય છે. સદ્ગુરુ કોને કહેવાય તેવું તેને ભાન થાય છે. જેનાથી પોતાના ઘરની અર્થાત્ આત્માની કથા સાંભળે છે. ત્યારે તેના પ્રત્યે જીવનું લક્ષ થાય છે. આ લક્ષ જ્ઞાનાત્મક હોવા છતાં ભકિતરૂપ છે. તેમાં સદ્ગુરુના લક્ષ ઉપરાંત પ્રધાનપણે અહંકારનો ત્યાગ છે. અહંકાર પીગળી જતાં સદગુરુ તેને આશ્રયભૂત લાગે છે. આ રીતે આખી ગાથાનું જે મુખ્યપાત્ર છે અને જે પ્રથમ માધ્યમ છે તે ભકત જીવ પુણ્યના ઉદયે યોગ્યતા પ્રાપ્ત કરી સન્મુખગામી બને છે. બીજું માધ્યમ સ્વયં સદગુરુ છે. જેની આપણે પૂર્વમાં ભિન્ન ભિન્ન રૂપે વ્યાખ્યા કરી ગયા છીએ. છતાં અહીં સદ્ગુરુ પણ આ જીવને હું મુકત કરું તેવા અહંકારથી મુકત હોય છે. જેવા ગુરુદેવ ભકતના આત્મામાં અરિહંતના દર્શન કરીને સ્વયં તે સ્વરૂપને ઓળખે એવી પ્રેરણા આપે તે જ સદગુરુ વસ્તુતઃ સત્ત્ને ઓળખાવનારા, સત્ તત્ત્વને અર્પણ કરનારા ગુરુદેવ છે. સત્ તત્ત્વ ગુરુમાં અને ભકતમાં બન્નેમાં વ્યાપ્ત છે. પરંતુ ગુરુદેવનો મનોયોગ નિર્મળ થયેલો છે, તેઓ મહાપુણ્યના અધિકારી છે, તેથી તેઓ સત્ તત્ત્વને નિહાળી રહ્યા
૨૧૮