Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
સ્થૂલ રીતે બહારના કોઈ પરિષહ આવે, વિપરીત પરિસ્થિતિ ઊભી થાય અને પોતાના પારિવારિક કે સમાજિક સંયોગો સારા નરસા બને તેમાં જરા પણ રંગાઈ ન જતા તેના દુષ્ટ પ્રભાવોથી દૂર રહી શાંતિ જાળવી જ્ઞાનપૂર્વક આ બધા અનુકૂળ પ્રતિકૂળ સંયોગોનો સામનો કરે તે સાધુ હોય કે ગૃહસ્થ હોય, તે સાચા સદ્ગુરુ છે. સદ્ગુરુ થવા માટે કપડાં બદલવાં જ પર્યાપ્ત નથી પરંતુ જેનો હૃદય પલટો થયો છે અને જેઓ સુખમાં છકતાં નથી, સન્માનમાં ફૂલાતાં નથી, અપમાનથી દુ:ખી થતાં નથી, આવા સમદષ્ટિ જીવ સદ્ગુરુના પદને પ્રાપ્ત થયેલા છે. આ સ્થૂલ ભાવે પણ વિચરે ઉદય પ્રયોગની વાત થઈ.
(૪) અપૂર્વ વાણી : કવિશ્રી યોગીરાજ સદ્ગુરુની વાણી કેવી હોય તે ચોથા લક્ષણમાં પ્રગટ કરે છે. અહીં પણ ત્રીજા લક્ષણ અને ચોથા લક્ષણમાં પણ કારણ કાર્યનો સંબંધ છે. આગળ આગળના લક્ષણો પછીના લક્ષણને ઉત્પન્ન થવામાં કારણભૂત છે. જે વ્યકિત ઉદયમાન કર્મોમાં નિર્લિપ્ત હોય તેમની વાણીમાં આ ભાવો ઊતરી આવે છે. વચનશકિત તે સ્વતંત્ર નથી પરંતુ આત્મ પરિણતિની સાથે વચન પરિણતિનો સંબંધ જોડાયેલો છે. જેમ શેરડીનો જેવો રસ હોય તેવો ગોળ બને, લોટ જેવો હોય તેવી રોટલી બને. તેમ અહીં પણ આત્માના ભાવો નિર્મળ થતાં વાણી પણ નિર્મળ થઈ જાય છે.
વચનશકિત : સર્વ પ્રથમ આપણે વચનશકિત શું છે તેના ઉપર તાત્ત્વિક વિચાર કરી તેની અવસ્થા વિષે ચિંતન કરશું. વચનશકિત કેવળ સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યને અક્ષરશ્રુત રૂપે પ્રાપ્ત છે. બીજા પ્રાણીઓમાં પણ વચનયોગ છે અને તેમાં પણ શુભાશુભ ભાવો હોય છે. તેની અહીં આપણે ચર્ચા નહીં કરતાં મનુષ્યના વચનપ્રયોગ ઉપર વિચાર કરીએ છીએ. કારણ કે મનુષ્યને છોડીને બીજા પ્રાણીઓની ભાષા વિષે ઘણું ઘણું મંથન થયું છે. તેમાં તે પ્રાણીઓના પણ ઉચ્ચારણ ઘણી ઊંડી વાતો કહી દેતા હોય છે. તેના શાસ્ત્રો પણ બન્યા છે. ઘણી વખત કોઈ દેવ મનુષ્ય સિવાય બીજા પ્રાણીનો દેહ ધારણ કરી સમાજમાં વિચરણ કરે છે, ત્યારે તેની ભાષા પણ વિલક્ષણ હોય છે તેવું માનવામાં આવે છે અસ્તુ. અહીં તે વસ્તુનો વિશેષ વિચાર ન કરતા માનવીય વચન યોગનો જે પ્રભાવ છે, તેનો જે ઉદ્ભવ છે અને તેમાં કર્મોના જે સંબંધ છે તે વિચારણીય છે.
·મન, વચન ને કાયાના ત્રણ યોગ પ્રસિધ્ધ છે. કાયયોગ તે મનુષ્યની મૂળભૂત સંપતિ છે. અને વચનયોગ તથા મનયોગ, તે તેના બે અંગ છે. તે રીતે સમજવાથી વધારે સ્પષ્ટતા થશે. શરીરની રચનામાં ગર્ભજ મનુષ્ય જ્યારે પોતાના ઉત્પતિ સ્થાનમાં શરીરનો આરંભ કરે છે ત્યારે પાંચમી પર્યાપ્તિ રૂપિ વચનલબ્ધિનું નિર્માણ કરે છે. આ વચન લબ્ધિ શરીરના કયા ભાગમાં છે તે શાસ્ત્રકારે સ્પષ્ટ કર્યું નથી. શું તે મસ્તિષ્કમાં જોડાયેલી છે કે હૃદયમાં જોડાયેલી છે ? આ બધા ગૂઢ પ્રશ્નો છે. આજના વિજ્ઞાને પણ હજુ સચોટ જવાબ આપ્યો નથી. પરંતુ વચનશકિત દેહ સાથે જોડાયેલી છે અને તેનું પ્રગટ સ્થાન વ્યાકરણકારોએ કંઠ, તાલુ, મૂર્છા, દાંત અને હોઠ અર્થાત્ કંઠય, તાલવ્ય, મૂંધન્ય, દંત્યતવ્ય, ઔષ્ઠય આ પાંચ સ્થાનો માન્યા છે. જે શુધ્ધરૂપે વૈજ્ઞાનિક અને સર્વત્ર સુપ્રસિધ્ધ છે પરંતુ આ વચનને પ્રગટ કરવાના ઉપકરણ છે. વસ્તુતઃ વચનશકિત નિરાળી છે. જ્યારે મનુષ્ય વચનયોગમાં જોડાય છે ત્યારે તેના આંતરિક જગતમાં રહેલા રાગ, દ્વેષ, ક્રોધ અહંકાર ઈત્યાદિ વિષાકતભાવો પણ વચનયોગમાં જોડાય છે. આટલું જ નહીં પરંતુ તેના
૧૫૩