________________
અહીં સદ્ગુરુ અને જિનેશ્વરનો ઉપકાર માનવાનો જે આગ્રહ છે તે ફકત બાહ્યદષ્ટિએ કે બાહ્યભાવે ઉપકાર સ્વીકારવાથી આત્મવિચાર ઉદ્ભવતો નથી. આત્યંતરભાવે સદ્દગુરુ અને જિનેશ્વરના દર્શન થાય, ત્યારે આત્મ-વિચારનો ઉદ્ભવ થાય છે. અહીં ગાથામાં આત્મજ્ઞાન ન લખતાં આત્મવિચાર એવો શબ્દ વાપર્યો છે. આત્મવિચાર તે આત્મજ્ઞાનની પૂર્વભૂમિકા છે. ગુણસ્થાન ઉત્કાન્તિ ક્રમમાં પણ સમ્યગુદર્શન પહેલા આવી કેટલીક ભૂમિકા, યથાપ્રવૃતિકરણ, અપૂર્વકરણ, અનિવૃતિકરણ ઈત્યાદિ કરણોની પ્રાપ્તિ પછી સમ્યગું દર્શન પ્રાપ્ત થાય છે. એ જ રીતે આત્મવિચાર તે બૌધ્ધિક સ્વચ્છતાનો ભાવ છે અને ત્યારબાદ આત્મજ્ઞાનરૂપી નિર્મળ પરિણામનો ઉદ્ભવ થાય છે. એટલે કૃપાળુ દેવે “ઉગે આત્મવિચાર' લખ્યું છે. ઉગે એટલે અસ્કુરિત થાય છે. અહીં પણ એક ત્રિવેણીનો સંગમ થયો છે. સદ્દગુરુનો પ્રત્યક્ષ ઉપકાર, જિનેશ્વરનો પરોક્ષ ઉપકાર અને આત્મવિચારનો ઉદ્ભવ. આ ત્રણે તત્ત્વો એકસાથે જોડાયેલા છે. પરસ્પર કાર્ય-કારણનો સંબંધ પણ સંભવે છે. ઉપકાર થવાથી આત્મવિચાર ઉગે અને વિચાર ઉગે તો ઉપકાર સમજાય. આ એક સૂક્ષ્મ ભાવાત્મક ક્રિયા છે. અસ્તુ.
કલ્યાણનો રાજમાર્ગ : અહીં આપણે નિસર્ગથી અથવા અનૈમિત્તિકભાવે આત્મવિચારનો ઉદ્ભવ થાય તો ત્યાં પણ અદશ્યભાવે સદ્દગુરુ કે જિનેશ્વરની ઉપસ્થિતિ છે, એમ માનવામાં કશી ઉણપ દેખાતી નથી. જો કે સૈધ્ધાંતિક સત્ય એવું નથી કે કોઈનો ઉપકાર માન્યા વિના આત્મજ્ઞાન ન થાય. હજારો જીવ પોતાની સ્વપરિણતિથી, કર્મોના સૂક્ષ્મ ભાવો અનૂકુળ થતાં અને, મોહાદિ તત્ત્વોનો ઉપશમ થતાં તરી ગયા છે. પરંતુ આ વાત, અપવાદ રૂપે જોવામાં આવે છે. રાજમાર્ગ તો એ જ છે સદ્ગુરુ અને જિનેશ્વરના ઉપકારનું લક્ષ થવું જરૂરી છે.
લક્ષ શબ્દ એ એક નિર્ણયાત્મક ભાવનો વાચક છે. કોઈ એક તત્ત્વ ઉપર જ્યારે ધ્યાન કેન્દ્રિત થાય, ત્યારે તે કેન્દ્ર જીવનું લક્ષ બને છે. ધ્યાનનું કેન્દ્ર ધ્યાન પૂરતું સીમિત છે. જ્યારે લક્ષ તે અસીમિત છે. ધ્યાન છૂટયા પછી પણ લક્ષ છૂટતું નથી. લક્ષ તે સૈકાલિક દ્રવ્યાર્થિકનયનો નિર્ણય છે. આ લક્ષ્ય બહુજ મહત્વપૂર્ણ હોવાથી અહીં સિધ્ધિકારે લક્ષ થયા વિના એવો શબ્દ વાપર્યો છે. -. અહીં વિચારણીય છે કે લક્ષ થવો કે લક્ષ થવું તે શું જીવનો સ્વતંત્ર પુરુષાર્થ છે કે કોઈ કર્માધીન અવસ્થા છે ? એક જીવને લક્ષ થાય છે અને એક જીવ સદ્દગુરુનું નિમિત્ત હોય છતાં તેને ઉપકારી તરીકે લક્ષ કરી શકતો નથી. આમ લક્ષ થવા અને ન થવામાં કારણભૂત તત્ત્વ શું છે ? ગાથામાં પણ લખ્યું છે કે લક્ષ થયા વિના. લક્ષ કર્યા વિના એમ લખ્યું નથી. લક્ષ કરવું, તે ઈચ્છાપૂર્વકનું કર્તૃત્વયુકત કાર્ય છે, જ્યારે થવું તે પરિસ્થિતિ શુધ્ધ થયા પછી સહજભાવે શુધ્ધ લક્ષ થાય છે.
અહીં લક્ષમાં સદ્ગુરુ અને જિનેશ્વરને ઉપકારી તરીકે સ્વીકારવા અને એને સ્વીકાર્યા પછી જ આત્મવિચારનો ઉદ્ભવ થાય તેમ નિશ્ચયપૂર્વક કહ્યું.
વસ્તુતઃ કર્મની સ્થિતિ અનુકુળ થયા વિના મોદાદિ ઉદય પરિણામોનો ક્ષયોપશમ થયા વિના અને આગળ ચાલીને કહિયે તો ઉચ્ચ કોટિના પુણ્યનો ઉદય થયા વિના જીવ સદ્દગુરુને ઓળખી શકતો નથી. ઓળખી ન શકે ત્યાં ઉપકાર માનવાની વાત કેવી રીતે ઘટે ? અને એ જ રીતે ભાવશુધ્ધિ કે ઉપાદાનની નિર્મળ પરિણતિ થયા વિના જીવ અનંતજ્ઞાની એવા જિનેશ્વર ભગવાનને ઓળખી શકતો નથી. તો ત્યાં પણ તેના પ્રત્યે ઉપકાર ભાવના પ્રગટ થવી દુર્લભ છે. અસ્તુ.