________________
મોક્ષ સૂત્રમાં કહ્યું છે, “નિસર્ગાત્” અર્થાત્ પ્રાકૃતિક રૂપે “સ્વચ્છંદ” મટી જતા જ્ઞાનનો ઉદય થાય છે. અનેકાંતની દ્રષ્ટિએ આ કથન ઘણું મહત્વપૂર્ણ છે.
અહીં સત્તરમી ગાથાનો શુભારંભ થાય છે તેમાં તર્કદ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ વાતો કહેવામાં આવી છે જેનું આપણે વિવેચન કરીશું. સોળમી ગાથામાં “સ્વચ્છંદ” નો લય થયા પછી સાધકને શું કરવું? અથવા સાધકની સ્થિતિ કેવી હોય ? તેનું રેખાંકન કરવામાં આવ્યું છે અને આ સ્થિતિ સમ્યગ્દર્શન સુધી લઈ જવામાં ઘણી અનુકુળ છે તેમ શાસ્ત્રકાર કહે છે. ત્યાં સુધી કહે છે કે અમે આને સમિત કહીએ છીએ અને તેમાં કાર્યનો કારણમાં આરોપ કરવામાં આવ્યો છે.
આત્મસિધ્ધિનું મુખ્ય લક્ષ મોક્ષમાર્ગ તથા તેના કારણભૂત સમ્યગ્દર્શનને સ્પષ્ટ કરવાનું છે. જૈનદર્શનમાં કે સમગ્ર જૈનસાધનામાં સમ્યગ્દર્શન તે પાયો છે. આ પાયા ઉપર જ શુધ્ધ વ્યવહારરૂપી વૃક્ષ ફાલેફુલે છે અને અંતે તેમાં મોક્ષ રૂપી ફળ આવે છે. સત્તરમી ગાથા આ પાયાની ભૂમિકાનો ઉલ્લેખ કરે છે અને સાથે સાથે સાધકના અનુકુળ આચરણનો ઉલ્લેખ કરી તેનું ભાવાત્મક વિવરણ કરે છે. ખરૂં પૂછો તો કવિરાજ સોળ ગાથા સુધી ખેતી કર્યા પછી અર્થાત્ ક્ષેત્ર વિશુધ્ધિ કર્યા પછી આ સત્તરમી ગાથામાં બીજારોપણ કરી રહ્યાં છે.
કોઈપણ તત્ત્વનો કે પર્યાયનો કે ભાવનો વિકાસ કરવાનો હોય ત્યારે તેના આંતરિક કારણો અને બાહ્ય કારણો અર્થાત્ ઉપાદાનકારણ અને નિમિતકારણ એ બંનેનો મેળ બેસવો જોઈએ. જેમ કડાઈમાં પુરી તળાઈ રહી છે ત્યારે પુરીના ઉપાદાન લોટ, તેલ કે પાણી બધા અનુકુળ થયા પછી નિમિત્તરૂપે અગ્નિ છે. અહીં બન્નેનો મેળ બેસવો જરૂરી છે. કોઈપણ કાર્ય જયારે નિર્મિત થાય છે ત્યારે તેના ઉપાદાન અને નિમિત્તો પરસ્પર બંધબેસતા મેળવાળા હોય છે અહીં આ ગાથામાં સાધકનું બાહ્ય આચરણ અને આંતરિક સમ્યગ્દર્શનના બીજ બંનેનો સમભાવે ઉલ્લેખ કર્યા છે. આટલી પૃષ્ઠભૂમિ લખ્યા પછી હવે આપણે મૂળ ગાથાનું ઉચ્ચારણ કરીશું.
૨૧૪