Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ગાથા = ૧૨
સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય જિનરૂપ સમજવા વણ ઉપકાર શો? સમજયે જિનસ્વરૂપ
આ ગાથા પણ નિષેધ વ્યાપ્તિના ધરાતલ ઉપર જ રચાયેલી છે કારણ કે કવિને વ્યાપક રીતે અનેકાંતવાદનું અવલંબન કરી સાધકોને માટે માર્ગદર્શન ઉપસ્થિત કરવું છે. પૂવર્મા કહ્યું છે તેમ વિધિ વ્યાપ્તિ મર્યાદિત થઈ જાય છે, જ્યારે નિષેધ વ્યાપ્તિ વ્યાપક અર્થનો સ્પર્શ કરે છે. અહીં પણ ઉપદેશના અભાવમાં સ્વરૂપ સમજણનો અભાવ કહેવામા આવ્યો છે અર્થાત્ જેણે સદ્ગુરુનો ઉપદેશ ગ્રહણ કર્યો નથી તે વ્યકિતએ જીવસ્વરૂપને પણ ગ્રહણ કર્યું નથી. સદ્ગુરુના ઉપદેશને જે ગ્રહણ ન કરે, તે વ્યકિત જિનસ્વરૂપને ન સમજે, તેવી નિષેધ વ્યાપ્તિ છે અર્થાત્ સદ્ગુરુના ઉપદેશને સમજે તો જ જીવ સ્વરૂપને સમજે તેમ કહેવાનું તાત્પર્ય છે. જિન સ્વરૂપને સમજવું તે સાધ્ય છે અને સદ્ગુરુનો ઉપદેશ તે સાધન છે. અહીં સાધનના અભાવમાં સાધ્યનો અભાવ તથા સાધનની સાધનાથી સાધ્યની સિધ્ધિ પણ સૂચિત કરવામાં આવી છે.
સદ્ગુરુથી ભગવત્સ્વરૂપની પ્રાપ્તિ : સદ્ગુરુનો ઉપદેશ શું છે ? જેને સમજવાથી જિન સ્વરૂપ સમજી શકાય. વસ્તુતઃ આ ઉપદેશ શબ્દ જ્ઞાનાત્મક છે. સદ્ગુરુએ જે પ્રાપ્ત કર્યું છે તે વાણી પ્રવાહિત થઈ છે પરંતુ પ્રશ્ન એ છે કે આ પ્રાપ્તિ, આ વાણી કે આ ઉપદેશમાં તત્ત્વ શું છે ? ખરું પૂછો તો ફકત આ આધ્યાત્મિકજગતમાં તેનો સવાલ નથી પરંતુ કોઈપણ વિદ્યાનો ઉપદેશ તત્ત્વસ્પર્શી હોય કે સારભૂત હોય ત્યારે જ તે ઉપદેશ સાર્થક બને છે. જેમ હીરાની ખાણમાં માટી તથા પત્થર મોટા પ્રમાણમાં ખોદ્યા પછી પણ આખા કાર્યનું સત્ત્વ તે હીરાની પ્રાપ્તિ છે. હીરો તેનું કેન્દ્રબિંદુ છે. તે જ રીતે ઉપદેશમાં પણ તત્ત્વ એ જ તેનું કેન્દ્રબિંદુ છે. સદ્ગુરુ જ્યારે પોતાની સાધનામાં જોડાયા છે, ત્યારે સમગ્ર સાધનામાં તેને કોઈ અગમ્ય તત્ત્વોની સ્પર્શના થાય છે. આ અગમ્યતત્ત્વ વચનાતીત છે પરંતુ એ નિશ્ચિત છે કે તે કોઈ શાશ્ર્વત તત્ત્વ છે. ફકત શાશ્વત તત્ત્વ છે એટલું જ નહિ, પરંતુ તે સ્વગુણોથી પરિપૂર્ણ છે અને બધા ગુણોથી પરિપૂર્ણ હોવા છતાં તે સર્વથા અપ્રભાવ્ય છે અને મનુષ્યને જેની ઝંખના છે અથવા જે શાંતિને શોધવા માટે તે તપ્પર છે, તેવી શાંતિ પ્રાપ્ત થતાં તેનું મન ઠરી જાય છે અને હવે તેની બધી વાંચ્છા શાંત થઈ જાય છે. આ તત્ત્વને પામ્યા પછી સદ્ગુરુનો ઉપદેશ ગમે તેટલો વિશાળ હોવા છતાં તે તત્ત્વસ્પર્શી બની રહે છે. શાશ્વત શબ્દની ચારે બાજુ જે શબ્દના સાથિયા પૂરાય છે અને જે રસમય ભાવો પ્રગટ થાય છે તે આ ઉપદેશનું રહસ્ય છે. આવો ઉપદેશ પ્રગટ થતો હોય ત્યારે સમગ્ર ઉપદેશનું જે કેન્દ્રબિંદુ હતું તેનો સાક્ષાત નમુનો જિનેશ્વર ભગવંત છે. એટલે જિનેશ્વરનું સ્વરૂપ પણ આ ઉપદેશથી પ્રગટ થઈ જાય છે અને આવા તત્ત્વસ્પર્શી ઉપદેશથી સ્વરૂપની પ્રાપ્તિ થતાં એક અદ્ભૂત સાંકળ જોડાય જાય છે. એક રેખા અંકિત બને છે જેને સહજ ભાષામાં કહી શકાય કે સદ્ગુરુથી ભગવંતની પ્રાપ્તિ. અસ્તુ.
આ તત્ત્વŃશી ભાવોને ઉપદેશ શા માટે કહેવામાં આવે છે ? દેશ' શબ્દ એ નિર્દેશવાચી શબ્દ છે. અર્થાત્ ચોક્કસ સિધ્ધાંતને સ્પષ્ટ કરે કે જેમાં સ્પષ્ટ આજ્ઞા હોય તેવો ભાવ દેશ કહેવાય
૧૭૫