Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
‘“સદ્ગુરુ” કહે છે.
સત્ શબ્દ સમજાય તેવો છે જયારે “ગુરુ” શબ્દ સામાન્યપણે ગુરુતાવાચી છે. “ભાર” કે “મહત્વ” “મહત્તા” ને પ્રદર્શિત કરે છે. પરંતુ અધ્યાત્મ અર્થમાં “ગુરુ” શબ્દનો નિરાળો અર્થ છે. યુ” તે ક્રિયાવાચી શબ્દ છે અને તેનો અર્થ છે. “રહસ્યને જાણવું” અને રહસ્યને જાણનાર “ગુરુ” કહેવાય છે. સત્ તત્ત્વો અનંતાનંત રહસ્યથી ભરેલા છે. તે રહસ્યોને જેઓએ સામાન્ય અને વિશેષરૂપે અર્થાત્ દ્રવ્ય અને ક્રિયારૂપે, વ્યવહાર અને નિશ્ચયરૂપે, બંને ‘નય' થી જાણ્યા છે, તે પૂજ્ય પુરુષને ‘સદ્ગુરુ' કહી વંદનીય માન્યા છે.
અહીં સદ્ગુરુનો યોગ થાય તો બાકી શું રહે ? પરંતુ ‘સદ્ગુરુ’ નો યોગ એટલે શું ? તે એક બહુજ બહુમૂલો સંયોગ છે તેના ઉપર હવે વિચાર કરીશું.
સદ્ગુરુ યોગ અહીં “યોગ” નો અર્થ “સંયોગ” લેવાનો છે, પુણ્યના ઉદયથી સંયોગવશાત્ આવો સદ્ગુરુનો યોગ થાય અથવા મળવાનું થાય, તેવા અર્થમાં યોગ” શબ્દ વપરાયો છે. વસ્તુતઃ “યોગ” શબ્દ બહુ અર્થવાચી છે, અનેક અર્થવાળો છે. સાધનાના ક્ષેત્રમાં “યોગ” શબ્દ પ્રધાનપણું ભોગવે છે, જેને “યોગસાધના” કહેવામાં આવે છે અને આ “યોગ” નો સંબધ મુખ્યત્વે પ્રાણાયામ સાથે સંબંધ ધરાવે છે અને આવા યોગ સાધકને યોગી કહેવામાં આવે છે. અસ્તુ. જૈન પરિભાષામાં “યોગ” શબ્દ મન, વચન અને કાયા માટે વપરાય છે અને આ ત્રણે અંગ જીવાત્મા સાથે અનાદિકાળથી સંબંધ ધરાવે છે. એક પ્રકારે તે સંયુકત છે. “સંયુકત” શબ્દ પણ યોગાર્થ છે. અસ્તુ. આમ ભિન્ન ભિન્ન રૂપે “યોગ” નો ઉપયોગ કરવામાં આવે છે. યોગ” થી “પ્રયોગ”, “ઉપયોગ”, “વિયોગ”, “સંયોગ” આવા ઘણા શબ્દો નિષ્પન્ન થયા છે. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. અહીં “સદ્ગુરુનો પ્રત્યક્ષ યોગ” કયા ભાવથી ગ્રહણ કરવો, તેની મહત્તા છે.
સામાન્ય રીતે ગુરુ મળે કે તેના દર્શનમાત્ર થાય. તેથી “સ્વચ્છંદ” નો “લય” કરવા માટે આ દ્રવ્યયોગ ઉપકારી નથી, તે સહજ સમજાય તેવું છે તેથી આપણે ઊંડાઈથી વિચાર કરશું તો જણાશે કે સદ્ગુરુના જે ભાવ છે અથવા તેમની જે નિર્મળ પરિણતિ છે તેને અનુકુળ સાધક કહો, શિષ્ય કહો કે જિજ્ઞાસુ કહો, તેની વિનય ભરેલી પરિણતિ, અહંકારરહિત પરિણતિ. આમ એક જ્ઞાન દેનારી અને એક જ્ઞાન લેનારી બંને પરિણતિઓ એકાકાર થાય અને તેમાં દૂધ અને સાકર જેમ પરસ્પર યોગ પામી સાકર વિલીન થઈ જાય, તે રીતે આ બંને પરિણતિઓથી એક મધુર ભાવ ઉત્પન્ન થાય તે ભાવયોગ છે. તેનાથી વિપરીત દૂધ અને મીઠું (નમક) કે દૂધ અને ફટકડી બંને યોગ પામે તો બંનેની કુરિણિત થાય અને ખરેખર સાચી રીતે યોગ ન કહી શકાય, અહીં કૃપાળુ ગુરુદેવ જે યોગ માટે પ્રેરણા આપે છે, તે ગુણાત્મક યોગ છે.
યોગ બે પ્રકારના છે : (૧) ગુણાત્મક અને (૨) વિગુણાત્મક, અનુકુળ અને પ્રતિકુળ. વિગુણાત્મક કે પ્રતિકુળ યોગને જરાપણ લાભકારી ન કહી શકાય. અહીં જે યોગની વાત કરી છે તે સાધક માટે લાભકારી યોગની વાત છે તેથી તે ગુણાત્મક યોગ છે. શાસ્ત્રની રીતે બે ભાવોનું
૨૦૯