Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
અને એ જ રીતે જડ પદાર્થમાં સ્વભાવથી થતી હોય છે. ક્રિયાશકિત સર્વત્ર વ્યાપ્ત છે. ક્રિયા અથવા કારની સાથે ઉપ જોડવામાં આવે છે, ત્યારે ઉપકાર બને છે. ઉપ એ સાહિત્યનો પ્રધાન ઉપસર્ગ છે. અધ્યક્ષ-ઉપાધ્યક્ષ, ઉપવાસ, ઉપકાર, ઉપાસના, ઉપાશ્રય, ઉપચાર, ઉપાધ્યાય આદિ ઈત્યાદિ સેંકડો શબ્દોમાં “ઉપ” જોડાય છે, ત્યારે તેના અર્થમાં ઓછે વત્તે અંશે ફેરફાર થાય છે. “ઉપ” શબ્દ નિકટવર્તી ભાવને પ્રદર્શિત કરે છે. નજદિકથી જે સહાયતા કરે છે તે ઉપકારી બને છે. નજદિકથી સહાયતા કરવી એટલે વ્યકિતમાં જે ક્રિયા થાય છે તેને અનુકૂળ માર્ગદર્શન આપવું પરંતુ આ માર્ગદર્શન સ્થાયી ન હોવાથી વ્યકિતત્વનો સ્વીકાર કર્યા પછી તે નિમિત્તને છોડી દઈને પણ સ્વતઃ ક્રિયાશીલ બને છે. અસ્થાયી ભાવોને પ્રગટ કરવા માટે ઉપક્રિયા કરવામાં આવે છે. અર્થાત્ “ઉપ’ ઉપસર્ગ જોડાય છે. ઉપસર્ગમાં પણ “ઉપ” જ છે. સર્ગ એટલે ધાતુની મૂળ શકિત છે, જ્યારે ઉપસર્ગ તે ધાતુના અર્થમાં વધારો કરી સ્વતઃ નિરાળો રહે છે. - આમ ઊંડાઈથી જોવાથી દષ્ટિગોચર થાય છે કે ઉપશકિત તે નૈમિત્તિક શકિત છે. થોડા સમય પૂરતી મર્યાદિત શકિત છે. ત્યારબાદ ઉપશકિત મૂળ શકિતનું સિંચન કરી પોતે સ્થિર થઈ જાય છે. જેમ અરિહંતો ઉપદેશ આપ્યા પછી સ્વતઃ પોતાના ભાવોમાં સ્થિર બને છે અને તેમની આ અસ્થાયી શકિત જે જીવોને લાભકારી બની છે, તેને ઉપક્રિયા તરીકે સ્વીકારી ઉપકાર કહેવામાં આવે છે. તે જ રીતે આશ્રય તે કાયમનું સ્થાન છે. જ્યારે ઉપાશ્રય તે અસ્થાયી આશ્રય છે. અધ્યક્ષ તે બરાબર સત્તા ધરાવે છે. જ્યારે ઉપાધ્યક્ષ જરુર પડે ત્યારે અધ્યક્ષનો પાવર ભોગવી શકે છે.
“ઉપ” ઉપસર્ગ તે અનાસકત ભાવનો પ્રદર્શક છે. ઉપયોગમાં યોગ તે મુખ્ય ક્રિયાશીલ તત્ત્વ છે પરંતુ તેની નજીકમાં જ્ઞાનાદિ પ્રવર્તિત થાય પછી યોગોનું સંચાલન થાય છે તેથી યોગ અસ્થાયી ઉપકારક ભાવ છે. આમ કોઈપણ ઉપકાર કરનાર વ્યકિત જેનો ઉપકાર માનવામાં આવે છે, તે નિરાળા રહી તમારા કલ્યાણનું નિમિત્ત બને છે. પરંતુ તે હંમેશા તમારી સહાયતામાં જોડાઈ રહે, પોતાની શકિત જાગૃત ન થાય તો તે સાચા અર્થમા ઉપકારી નથી. અસ્તુ.
અહીં પણ સદ્ગુરુ અને જિનેશ્વર બે તત્ત્વોનો ઉપકાર સ્વીકારવાની વાત છે. ખરેખર સદ્ગુરુ જીવને અપંગ અને નિર્બળ ન રાખી તેમની મૂળ શકિતને જાગૃત કરી સ્વયં નિરાળા રહે છે અને એ જ રીતે જિનેશ્વર સમગ્ર વિશ્વના કલ્યાણનું નિમિત્ત હોવા છતાં પોતાની શકિતથી કોઈ જીવને મોક્ષમાં લઈ જતાં નથી. સ્વયં નિરાળા રહી ભવ્યજીવોને માટે મોક્ષમાર્ગની રેખા અંકિત કરી જાય છે.
અહીં સિધ્ધિકારના કથાનુસાર આગ્રહપૂર્વક આ બન્નેને ઉપકારી માનવા અને સમગ્ર લક્ષ તેમના ઉપર સ્થિર કરવું તો જીવને આત્મવિચારનો ઉગમ થાય છે, ઉદ્ભવ થાય છે, આત્મતત્વને સમજવાની પ્રેરણા મળે છે. પ્રશ્ન થાય કે શું આ બન્નેના ઉપકારનો સ્વીકાર ન કરે તો આત્મ વિચારનો ઉદ્ભવ ન થઈ શકે ? શું આ સૈધ્ધાંતિક સત્ય છે ? તમામ શાસ્ત્રો અને મોક્ષશાસ્ત્ર ઈત્યાદિ ગ્રંથોમાં નૈમિત્તક અને સ્વતઃ એમ બે ધારાથી જીવના કલ્યાણનો અને આત્મજ્ઞાનનો રસ્તો પ્રગટ થાય છે એવો સ્પષ્ટ ઉલ્લેખ છે. અતઃ અહીં તે ઉલ્લેખ કર્યો છે. તેના ગર્ભમાં પણ પરોક્ષભાવે આ વાત સમાયેલી છે. અનૈમિત્તિક ભાવમાં પણ જેનું લક્ષ થાય છે અને જે કાંઈ દર્શન થાય છે તે વાસ્તવિક રીતે અદ્રશ્ય ભાવે પણ સદ્ગુરુ અને જિનેશ્વરનું જ રૂપ છે.
મારા ૧૬૮ -
| |41111111111111