Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
પૂર્ણાહૂતિ થાય છે.
ક્રિયા જડતા અને શુષ્કજ્ઞાન રૂપી હાનિકારક તત્ત્વોથી દૂર રહી સાધકે પોતાની યાત્રા શરુ કરી હતી અને તેમાં શુધ્ધ આત્મદ્રવ્યની પ્રાપ્તિ તે જ લક્ષ હતું અને આ યાત્રામાં સદ્ગુરુના ચરણ પરમ ઉપકારી હતા. પાણીમાંથી મેલ નીકળી જતાં જેમ નિર્મળ જળ સ્વાસ્થ્યપ્રદ છે તેમ વિતંડાવાદથી પર થઈ પરમાર્થને પામી જે પોતાનું લક્ષ હતું તેમાં હવે સ્થિર થવાનો અવસર આવ્યો છે. આ નવમી કડી સાધકની અધ્યાત્મયાત્રાનું એક સુંદર ચિત્ર પુરું પાડે છે.
ગાથા ૧૦ ની પૃષ્ઠભૂમિ :
આપણે સદ્ગુરુની વ્યાખ્યા કરી રહ્યા છીએ પરંતુ સદ્ગુરુ રૂપી રત્નભંડાર એટલો બધો ભરપૂર છે કે તેના અનુપમ ગુણો અને હજારો જ્ઞાન કિરણો સર્વત્ર પ્રકાશ પાથરે છે. તેથી અહીં સ્વયં સિધ્ધિકાર દશમી કડીમાં સદ્ગુરુની વ્યાખ્યા કરે છે. સદ્ગુરુની અધ્યાત્મિક સ્થિતિ કેવી છે ? તેનું સમદર્શન કેવું છે ? સમતોલપણું કેવું છે ? સ્વયં કેટલા નિસ્પૃહ છે ? વગેરે લક્ષણો પ્રગટ કર્યા છે. તેઓ કર્મોના પ્રભાવોથી કાં તો મુકત થયા છે અથવા કર્મોના પ્રભાવોને જ્ઞાન દૃષ્ટિએ છૂટાં પાડી તેના પ્રભાવમાં સુખ દુઃખ ન માનતા તેનો સ્વીકાર કરી કર્મોનેં કર્મોનું કામ કરવા દેવું અને પોતે પોતાના તત્ત્વોમાં રમતું રહેવું ઈત્યાદી લક્ષણો પ્રગટ કર્યા છે. દશમી ગાથાનું પ્રયોજન એ છે કે ફકત સદ્ગુરુ કહેવા માત્રથી વાસ્તવિક સદ્ગુરુ કોણ છે તે સ્પષ્ટ થતું ન હતું કારણ કે આપણે પૂર્વમાં કુગુરુ, ગુરુ અને સદ્ગુરુ આ શબ્દોથી ગુરુપદમાં વિપરીત ભાવો પણ છે, તેનું આખ્યાન કર્યું છે. કુમતિથી પ્રેરાઈને કુમતિની સ્થાપના કરે, તેમના વ્યવહારમાં હિંસાદિ પાપ પ્રવૃત્તિની પ્રમુખતા હોય, કામભોગ અને દુરાચાર તેના આચરણમાં સ્થાન પામ્યા હોય, પરિગ્રહ માત્ર તેની સંપત્તિ હોય, જ્ઞાનથી ગભરાતા હોય તે બધા કુગુરુના લક્ષણ છે. સામાન્ય ગુરુની વ્યાખ્યા આપણે કરી ગયા છીએ અને ત્યાર બાદ સદ્ગુરુની એક સ્વતંત્ર વ્યાખ્યા કરી છે. આમ છતાં સદ્ગુરુના કેટલાક લક્ષણો છે તેના ઉપર સ્વયં સિધ્ધિકાર દષ્ટિપાત કરે છે. અને અતિ ઉત્તમ શબ્દોથી આ ગાથામાં ગુરુનું હાર્દ, ગુરુની મહત્તા અને તેમનું સુહાર્દ તથા સમતોલપણું આ બધા
લક્ષણો પ્રગટ કર્યા છે.
એક ખુલાસો : જેમ પૂર્વમાં આપણે જ્ઞાતા, જ્ઞાન, શેય ઈત્યાદિ પર્યાયોનો પ્રભેદ બતાવ્યો છે તે જ રીતે અહીં લક્ષ, લક્ષણ, લક્ષવેધી અને લક્ષણધારક એ બધા પ્રભેદો દાર્શનિક બુધ્ધિથી સમજવા જરૂરી છે. શું લક્ષણ અને લક્ષણધારક બંને એક તત્ત્વ છે કે ભિન્ન તત્ત્વ છે ? આ દશમી ગાથામાં સદ્ગુરુના લક્ષણ બતાવે છે. તો લક્ષણ સ્વયં સદ્ગુરુથી ભિન્ન છે કે અભિન્ન છે. જેમ પાકી કેરીના રંગ–રૂપ જોઈને લક્ષણથી આપણે કહીએ કે આ કેરી પાકી ગઈ છે. આ કેરી મીઠી છે. એમ બધા લક્ષણોથી તેમની પરીક્ષા કરીએ છીએ. તો આ લક્ષણો અને કેરી બંને ભિન્ન ભિન્ન છે કે એક રૂપ છે ? મુખ્ય વસ્તુ એ છે કે દર્શનશાસ્ત્રમાં પર્યાય અને દ્રવ્ય, પર્યાય અને ગુણ, દ્રવ્ય અને ગુણ, આ બધા એક જ દ્રવ્યના અપેક્ષાકૃત ભિન્ન—અભિન્ન ભાવ હોય છે. જૈનદર્શનમાં સ્યાદ્વાદથી વસ્તુનો નિર્ણય કરે છે. જો સંગ્રહનયની દૃષ્ટિ અપનાવે તો બધું એકાકાર થાય છે. પણ ઉપરના નયમાં પ્રવેશ કરવાથી બધા ભિન્ન ભિન્ન પ્રત્યક્ષ થાય છે. શરીરથી આંગળી ભિન્ન છે કે અભિન્ન છે ? શરીર તે એક મોટું દ્રવ્ય છે અને આંગળી તેનું એક અંગ છે. આંગળી શરીર
૧૪૨