Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
તર્કજાળથી તેમના આત્મામાં આવવો જોઈએ તે ઉપશમભાવ કે ઉપશાંતિ કે નિર્મોહદશાનો ભાવ કે નિર્મમત્વ પ્રગટ થતું નથી.
“જ્ઞાનસ્ય ફલમ્ વિરતિ” જ્ઞાનનું ફળ મોહનો વિરામ કે ઉપશમભાવ છે, અથવા વિરકિત છે, રતિની રમણતા ઘટી વિરતિનો આનંદ ઉપજે તે છે, પરંતુ આવો વિવાદ ભરેલો વ્યકિત કુતર્કનો આશ્રય કરી બધા દ્રવ્યોની ગતિવિધિનો શુદ્ઘ નિર્ણય કર્યા વિના દ્રવ્યોના સ્વભાવનો સચોટ નિર્ણય કર્યા વિના પોતાની આગ્રહ બુદ્ધિથી જેમ ફાવે તેમ સ્થાપના કરી નાસ્તિકવાદના સિદ્ધ્તો કે મિથ્યાવાદના સિદ્ધાંતોનું અવલંબન કરી સ્વયં શુદ્ધ ચૈતન્ય તત્ત્વની અવહેલના કરે અને જે સ્થિતિમાં પોતે પહોંચ્યો છે તે વિપરીત સ્થિતિને મોક્ષમાર્ગ સમજી બંધમાર્ગનું અવલંબન કરે છે તે શુષ્કજ્ઞાની કહેવાય છે. આ એક ઈશારો માત્ર અમે આપ્યો છે. પરંતુ શુષ્કજ્ઞાનનું શાસ્ત્ર ઘણું જ વિસ્તાર પામેલું છે અને વિશ્વના મોટા ભાગના બુદ્ધિવાદીઓ શુષ્કજ્ઞાનના શિકાર બન્યા છે. સાધુતાનો માર્ગ છોડી, વિરકિતને પરિહરી બુદ્ધિના બળે સ્વયં ભ્રમિત થઈ બીજા અલ્પ બુદ્ધિજીવીઓને ભ્રમિત કરે તે વાસ્તવિક શુષ્કજ્ઞાની છે. શુષ્કજ્ઞાનમાં અહંકારની પ્રધાનતા છે. પોતે સમજ્યો છે તેમાં હવે વધારે સમજવાની ગુંજાઈશ નથી, એવો કઠોરભાવ જન્માવી સ્વયં જ્ઞાનનો દરવાજો બંધ કરે છે. આંવા જીવને શુષ્કજ્ઞાની કહી શકાય. શુષ્કનો અર્થ સૂકાયેલુ એવો થાય છે. શુષ્યનો અર્થ ખાલી પણ થાય છે અને કોરો પણ થાય છે.
અહીં ચાર લાઈનમાં એક વાસ્તવિક ઘટનાનો આપણે ઉલ્લેખ કરશું. મહારાષ્ટ્રમાં જ્ઞાનદેવજી અધ્યાત્મમાં રમણતા કરતા હતા, એકવાર જ્ઞાનના અહંકારમાં ગળાબૂડ ચૈતન્યદેવ નામક સાધુને જ્ઞાનદેવને પત્ર લખવાનો અવસર આવ્યો ત્યારે મૂંઝવણથી કશુ સંબોધન લખી શકયો નહીં. પૂજ્ય લખે તો પોતે નાનો બની જાય અને કોઈ પણ સંબોધન વિના ફકત જ્ઞાનદેવ લખે તો તેની અવિદ્વતા પ્રગટ થાય. આવા ડરથી તેણે કોરો કાગળ કવરમાં બંધ કરી જ્ઞાનદેવને મોકલ્યો. જ્યારે જ્ઞાનદેવે કવર ખોલ્યું ત્યારે આશ્ચર્ય સાથે થોડું મોઢું મલકાવી તેમના ત્યાગી બેન મુકતાબેનને આ કાગળ આપ્યો અને પૂછયું કે બેન આમાં શું લખ્યુ છે ? વાંચો. ત્યારે મુકતાબેને કહ્યું કે ગુરુદેવ ! ચૈત્યાનંદે આ પત્રમાં લખ્યું છે કે હું વેદ વેદાંત ઘણું ભણ્યો, સંસ્કૃતિ સાહિત્ય, અને બીજા બધા વિદ્યાના ગ્રંથોનો અભ્યાસ કર્યો પરંતુ હું કોરો ને કોરો રહી ગયો છું. મુકતાબેન જેવા વિરકત ત્યાગીના મુખથી આ વચનો સાંભળી સૌ હસી પડયા.
આ ઉદાહરણથી સ્પષ્ટ થાય છે કે ઘણું ભણતર હોવા છતાં જીવ કોરો રહી જાય છે. અર્થાત્ શુષ્કજ્ઞાની બની જાય છે.
અનુમાન શાસ્ત્રમાં અવ્યાપ્તિ, અલ્પવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ એવા ત્રણ દોષોનું વર્ણન છે. જેમાં ગુણધર્મ બિલ્કુલ ન હોય, અથવા ગુણધર્મ ઓછો હોય તે અલ્પ વ્યાપ્તિમાં આવે છે. જ્યારે ગુણધર્મનો અતિરેક થાય ત્યારે તે અતિવ્યાપ્તિમાં આવે છે. શુષ્કજ્ઞાનીમાં પણ લગભગ અતિવ્યાપ્તિનો દોષ હોય છે. તેમની બુદ્ધિ નિશ્ચિત ગુણધર્મનો નિર્ણય કર્યા વિના, વિવેકનો અતિરેક કરી લગભગ અનિર્ણય જેવી અવસ્થામાં જ ગૂંચવાય જાય છે, તેને શુષ્કજ્ઞાની કહેવામાં આવે છે. આટલી સામાન્ય વ્યાખ્યા કર્યા પછી હવે શાસ્ત્રીય દૃષ્ટિએ અને કર્મ સિદ્ધાંત પ્રમાણે
૫૧