Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
જ નથી. પરંતુ એક પક્ષથી એમ કહી શકાય કે બંધ મોક્ષના અભાવને સાબિત કરવા માટે તે ઘણા તર્ક આપે છે અને જીવને પાપ પુણ્ય જેવું કંઈ હોતું નથી, તેને પાપનો ડર કે પુણ્યના મધુરા ફળ એ પણ એક કલ્પના છે. આવો નાસ્તિકવાદ જ્યાં જીવનો સ્વીકાર નથી. આત્મા કે ઈશ્વરને માનતો નથી. ત્યાં બંધ મોક્ષનો સ્વીકાર ક્યાંથી કરે ? આવા વિપરીતવાદી વ્યકિતઓને પણ શુષ્કજ્ઞાનીમાં સ્થાન આપી શકાય. વસ્તુતઃ તેઓ મતવાદી છે. એક નાસ્તિક દર્શન છે. અસ્તુ.
ઉપસંહાર : ચોથી કડીનું આટલું વિસ્તારપૂર્વક વિવેચન કર્યા પછી તેનો સાર એ છે કે ક્રિયાજડતા એ ધાર્મિક ક્ષેત્રમાં, આધ્યાત્મિક વિકાસને રોકે છે. તે જીવ સૂક્ષ્મજ્ઞાનથી દૂર રહે છે તેમજ તત્ત્વની અવજ્ઞા કરી એક પ્રકારના નિશ્ચિત ભાવોમાં રમણ કરી મુકિત માર્ગમાં તે આગળ વધી શકતો નથી. સંક્ષેપમાં ગ્રહણ કરેલી કોઈ પણ ચીજ પણ સમયનો પરિપાક થતાં અને તે નિરઉપયોગી થતાં તેને છોડી દેવાની પણ એટલી જ આવશ્યકતા છે. બાળક રમકડાથી રમે છે અને તે નાની મોટી રમતોમાં જ્ઞાન મેળવે છે. પરંતુ બાળ અવસ્થા પૂર્ણ થતાં આ બાળ રમતને છોડી તેને વાસ્તવિક બિંદુને સ્પર્શ કરવાનો હોય છે. તે જ રીતે આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ આશાશ્વત એવા ઘણા ભાવ છે, જે એક સમયે ગ્રાહ્ય હોય છે અને તેની ઉપયોગિતા હોય છે, પરંતુ આગળ માં ઊર્ધ્વક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી તે તત્ત્વો ત્યાજય બની જાય છે. પછી તેને વળગી રહેવાની જરુર નથી. વળગી રહેવું તે એક પ્રકારની જડતા છે. જેને અહીં સિઘ્ધિકાર ક્રિયાજડ કહે છે. અને આ જડતામાં તેના ત્રણ કારણો સ્પષ્ટ રીતે બતાવ્યા છે. (૧) જ્ઞાનમાર્ગનો પ્રતિકાર (૨) ભેદ વિજ્ઞાનનો અભાવ (૩) અને બાહ્ય ક્રિયામાં આસકિત. રાચતા શબ્દ આકિત વાચક છે. આમ મોહાસકત તત્ત્વથી જીવ નીચેના કેન્દ્રમાં બંધાઈ રહે છે. આવા આત્માઓને અહીં ભારે ટકોર કરી જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. એક પ્રકારે તેમને ધર્મથી વિમુખ હોય તેવો આરોપ મૂકી જ્ઞાનમાર્ગમાં આગળ વધવા માટે ચેતના આપી છે.
જો કે આ વાત મહત્વપૂર્ણ છે. પરંતુ તત્ત્વને સમજયા વિના જે કોઈ ધર્મક્રિયાનો ત્યાગ કરે અથવા વ્રત્તનિયમની અવહેલના કરે તો તે બન્ને તરફથી અટકી જાય તેવો ભય છે. જ્યાં સુધી ભેદવિજ્ઞાનને પ્રાપ્ત કરી જીવ મોહાદિ પરિણામનો જ્ઞાતા દ્રષ્ટા ન બને ત્યાં સુધી તેણે જે અવલંબન લીધું છે તે એકાએક મૂકી દેવાની જરુર નથી. ઉપર પહોંચ્યા પછી જ સીડીને ખસેડવાની જરુર છે. જો તે પહેલાં જ જો સીડી ખસેડે તો દુર્ઘટના થાય છે. અહીં જે સિદ્ધિકારે સૂચના આપી છે તે તત્ત્વશ્રેણીનું અવલંબન કર્યા પછી ક્રિયાનું નિવારણ કરવાની વાત છે. ખરું પૂછો તો ક્રિયાના નિવારણ માટે અહીં કહ્યું નથી. પરંતુ ક્રિયાકાંડમાં આસિકત ન રાખવા માટે સૂચના આપી છે. ક્રિયા તે વચગાળાનું અવલંબન છે. આધ્યાત્મિક સ્થિતિ મજબૂત થતાં તે સ્વતઃ નિવૃત્ત થઈ જાય છે.
અસ્તુ.
અહીં આપણે ચોથી કડીમાં સારાંશ બતાવી પાંચમી કડીમાં પ્રવેશ કરશું. કારણ કે સિદ્ધિકા૨ે આત્મ વિકાસમાં બે પ્રબળ તત્ત્વોને બાધક બતાવ્યા છે અને તે છે (૧) ક્રિયાજડત્વ અને (૨) શુષ્કજ્ઞાન. ક્રિયાજડત્વની વ્યાખ્યા કર્યા પછી આ પદમાં શુષ્ક જ્ઞાનની વ્યાખ્યા સ્વયં સિદ્ધિકાર કરી રહ્યા છે, જેનાપર દષ્ટિપાત કરશું.
૮૫