Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
કે આધ્યાત્મિક જગતમાં આ જડતાના દર્શન થાય છે.
અહીં પ્રશ્ન એ થશે કે બીજા વ્યકિતના બાહ્ય આચરણો તો જોઈ શકાય છે. પરંતુ આંતરિક જગતની આ ગડમથલ વકતાને સ્પષ્ટ થતી નથી તો તે કેવી રીતે આ વર્ણનનો વિચાર સંભવ બને ? એનો ઉત્તર એ જ છે કે મનુષ્ય જીવનની જે કાંઈ બાહ્ય હલચલ છે તે આંતરિક જગતના આધારે જ છે. આંતરિક વિકલ્પો મનુષ્યને સુખ દુઃખનું ભાજન બનાવે છે. ભૂત હોય કે ન હોય, પરંતુ ભૂત સંબંધી ધારણા મનુષ્યને ભયભીત કરે છે અને તેનાથી જ બાહ્ય ક્રિયાનો જન્મ થાય છે. આંતરિક જગતને જો વ્યવસ્થિત કરવામાં આવે તો બાહ્ય જગત પણ દિવ્ય બને છે. અસ્તુ.
અહીં યોગીરાજ “તેહ ક્રિયાજડ આંઈ” એમ કહીને સ્પષ્ટ કરે છે કે મનુષ્યના મનમાં તથા વિકલ્પોમાં આ જડતા ઉદ્ભવે છે.
| સર્વ પ્રથમ ક્રિયાજડના બે કારણો બતાવ્યા. બાહ્રક્રિયામાં રાચવું અને શુષ્કજ્ઞાન. ત્યારબાદ ક્રિયાજડની વ્યાખ્યા કર્યા પછી હવે સિદ્ધિકાર શુષ્કજ્ઞાનની વ્યાખ્યા કરે છે.
મોક્ષની કોરી વાતો : પ્રથમના પદમાં “બંધ મોક્ષ છે કલ્પના” એમ કહ્યું છે, જ્યારે બીજા ચરણમાં “ભાખે વાણી માંહી” આ બન્ને પદોની વચ્ચે ઘણો અધ્યાહારાર્થ છે. જે સાધારણ પાઠકની સમજમાં આવે તેવો નથી. બંધ મોક્ષ જે કલ્પના છે. અર્થાત્ તેની નાસ્તિ છે અને નાસ્તિકવાદનું આ પ્રમુખ લક્ષણ છે. જ્યારે બીજા પદમાં કોઈ એવો જીવ છે કે બંધ મોક્ષનો સ્વીકાર કરી વાણીમાં તેની પ્રરૂપણા કરે છે અને મોક્ષની કોરી વાતો કરે છે અને એ રીતે કર્મબંધ કેમ થાય છે એ પણ પોતે સમજાવે છે. છતાં તેને તે ભાવોનો સ્પર્શ નથી. અર્થાત્ તે મોક્ષની ઉપાસના કરવા માટે કટિબધ્ધ થતો નથી અને નિર્બળતાના કારણે અથવા કઠોર ભાવોને કારણે બંધના કારણભૂત આશ્રવને રોકી શકતો નથી.
આ રીતે પ્રથમ ચરણ અને બીજું ચરણ પરસ્પર એકવાકયતા ધરાવતું નથી. એક જ વ્યકિત બંધ મોક્ષને કાલ્પનિક માને છે અને તે જ વ્યકિત પુનઃ બંધ મોક્ષની ચર્ચા કરે, તે ઉપયુકત લાગતું નથી. કારણ કે તે તો બંધ મોક્ષનો અસ્વીકાર કરે છે. તો પછી તેની ચર્ચા શા માટે ? અથવા તેનું વિવેચન શા માટે કરે? જેમ કોઈ વ્યકિત કહે કે હું ઈશ્વરને માનતો નથી, છતાં પણ ઈશ્વર આવા છે, ઈશ્વર જગતને બનાવે છે, એવી બધી વ્યાખ્યા કરી શકે નહીં. તેમ અહીં પણ પ્રથમ ચરણમાં નાસ્તિકવાદ છે, જ્યારે બીજા ચરણમાં આસ્તિકવાદની ઝલક હોવા છતાં તે વાણી સુધી સીમિત રહે છે, પરંતુ ક્રિયાત્મક રૂપ લેતો નથી, કોરી જ્ઞાનની વાતો કરે છે અને આવો માણસ શુષ્કજ્ઞાનની કોટિમાં આવે છે.
આ તો આધ્યાત્મિક જગત છે, પરંતુ વ્યવહારિક જગતમાં પણ કેટલાક માણસો બહુ મોટી મોટી વાતો કરતા હોય અને તળીયે કશું ન હોય. તો તેવા માણસને વ્યવહારમાં વાતો કરનાર અથવા વાતોડીયો કહેવામાં આવે છે. તેમ અહીં પણ પાંચમી કડીમાં “ભાખે વાણી માંહી” તેમ કહ્યું છે. શું ભાખે છે ? એ પ્રથમ ચરણથી લેવાનું છે. અર્થાત બંધ મોક્ષની વ્યાખ્યા કરે છે. બંધ મોક્ષની ચર્ચા કરે છે, ફકત શબ્દોથી જ વાતો કરી પોતાને કશું લેવા દેવા નથી તેવો તે શબ્દવીર છે. જેને અહીં સિદ્ધિકાર શુષ્કજ્ઞાનીના લક્ષણમાં સ્થાન આપે છે. પ્રથમ પદ તે નાસ્તિકવાદનું કથન કરે છે. એટલે તેને શુષ્કજ્ઞાની કહેવાનો કોઈ અર્થ થતો નથી. કારણ કે તે તો બંધ મોક્ષને સ્વીકારતો