Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
સાચી સફળતા પણ નથી. વૈરાગ્ય દ્વારા જીવ ઊંચો જરુર આવ્યો છે. પરંતુ આ સ્થિતિ સફળ ત્યારે જ થાય, જો જીવને સાચું જ્ઞાન હોય, તત્ત્વજ્ઞાન હોય. અહીં શાસ્ત્રકારે વૈરાગ્ય આદિ સફળ તો જો સહ આત્મજ્ઞાન.' અહીં આત્મજ્ઞાનનો અર્થ તત્ત્વજ્ઞાન લેવાનો છે. કોઈ પણ એક દ્રવ્યનું સાચું જ્ઞાન બધા દ્રવ્યોને સ્પર્શ કરે છે. આત્મજ્ઞાન એટલે જીવ દ્રવ્યનું જ્ઞાન. અહીં આપણે પ્રથમ વૈરાગ્યની સફળતા વિશે વિવેચન કરી રહ્યા હતા. અહીં સફળતાનો અર્થ આગળની વધારે સ્થાયી સફળતાનો ભાવ છે. અર્થાત્ વૈરાગ્યથી મુક્તિ મળવી જોઈએ. મુકિત તે લક્ષ છે. વૈરાગ્ય તેનું સાધન છે. વૈરાગ્યમાં સ્વયં મુકિતના અંશો છે. પરંતુ પૂર્ણરૂપથી તેનો વિકાસ થતો નથી. જેમ બીજમાં વૃક્ષ સમાયેલું છે. પરંતુ બીજી કારણ સામગ્રી ન હોય તો બીજ વૃક્ષ રૂપે પલ્લવિત થતું નથી. એટલા માટે આપણે પૂર્વમાં કહ્યું કે કારણ સામગ્રી ઘણી જ મહત્ત્વપૂર્ણ છે. વૈરાગ્યને પલ્લવિત કરવા માટે આત્મજ્ઞાન રૂપી કારણ સામગ્રી બહુ જરૂરી છે. જેમ પાણી વગર રોપા સુકાઈ જાય છે અને આંખ વગરનો માણસ લથડી જાય છે, તેમ જ્ઞાન વગરનો વૈરાગ્ય બાકીના બધા ગુણોને શુષ્ક બનાવી દે છે. જ્ઞાનથી વૈરાગ્યનું સિંચન થાય છે, એટલે અહીં શાસ્ત્રકાર વૈરાગ્ય અને આત્મજ્ઞાન બન્નેની જોડી બતાવે છે. જેમ કાચું સોનુ કલાકારના હાથમાં આવે તો તે અલંકાર બની જાય છે, તેમ વૈરાગ્ય જો જ્ઞાનની સાથે જોડાય તો વૈરાગ્ય સ્વયં આનંદનું ઝરણુ બની જાય છે. એથી સ્પષ્ટ થાય છે કે વૃક્ષ અને તેનું ફળ, તેમાં ફળ જ મહત્વપૂર્ણ છે. તેમ વૈરાગ્યનું ફળ નિર્દોષ આનંદ જ છે. પણ આ ફળ ત્યારે જ પ્રસ્ફુટિત થાય, જ્યારે આત્મજ્ઞાન પ્રગટ થયું હોય. અહીં વૈરાગ્યના ફળને પ્રાપ્ત કરવા માટે આત્મજ્ઞાન પરમ આવશ્યક છે, તેમ નિશ્ચયથી કહ્યું છે. આપણે પૂર્વમાં ચૌભંગી કરી છે, તેમાં વૈરાગ્યની સાથે આત્મજ્ઞાન અને આત્મજ્ઞાન સાથે વૈરાગ્ય તેવા બે ભંગ બતાવ્યા છે. તે બન્ને વસ્તુતઃ એકજ છે. છતાં ક્રમિક વિકાસની દૃષ્ટિએ કયારેક આત્મજ્ઞાનમાં વૈરાગ્યની પ્રાથમિકતા હોય છે અને આત્મજ્ઞાન ઉત્તરવર્તી હોય છે. કયારેક આત્મજ્ઞાનની પ્રાથમિકતા હોય છે અને વૈરાગ્ય ઉત્તરવર્તી હોય છે, અને કયારેક બન્ને સહધર્મી હોય છે, બંનેનો સહજન્મ હોય છે. પરંતુ કહેવાનું તાત્પર્ય એ છે કે આ બન્નેની જોડી જામવી જોઈએ તો વૈરાગ્યનો ભાવ સફળ બને. કોઈ પણ ક્રિયાનું ફળ તો હોય જ છે. સફળતાનો અર્થ ફળ ન આવવું કે આવવું તે નથી. ફળ અને ફળની આકાંક્ષા તેમ બે અર્થ થાય છે. પૂર્વમાં જે પ્રશ્ન કર્યો છે તે નિષ્કામ વ્યકિતને કે તેની સાધનાને ફળની શી જરુર છે ? ફળરહિત સાધના તે પરિપૂર્ણ સાધના છે, એમ જે કહેવામાં આવ્યું છે અથવા જે નિષ્કામ સાધના છે તેનો અર્થ ફળની આકાંક્ષા રાખવાની નથી. ફળ વગરની તો કોઈ ક્રિયાનો સંભવ નથી. ફળની આકાંક્ષા કરવાથી સાધનામાં મંદતા આવે છે અને ફળમાં વૈગુણ્ય આવે છે, અર્થાત્ ફળની માત્રા ઘટી જાય છે. તો અહીં વૈરાગ્યની સફળતા એવો શબ્દ મૂકયો છે. તે સાર્થકતાના હિસાબો છે. સફળ થવું અને સાર્થક થવું, બન્નેનો ભાવ એક હોવા છતાં સફળમાં ફળની આકાંક્ષા છે. જ્યારે સાર્થક થવામાં સાઘનાની મહત્તા
છે.
આ છઠ્ઠી કડીમાં વૈરાગ્ય આદિ સફળ જેમ કહ્યું છે, તેનો ખરો અર્થ વૈરાગ્ય આદિ સાર્થક થાય છે, જો આત્મજ્ઞાન સાથે હોય તો. પાઠકે અથવા ચિંતક વ્યકિતએ સફળતાનો મર્મ સમજવાનો છે. વૈરાગ્યવંત જીવને ફળની ઈચ્છા છે જ નહીં. આ બધી નિષ્કામ સાધનામાં સ્વતઃ ઊંચી અવસ્થા
૯૮ ||||||