________________
વસ્તુતઃ આત્માથી જેનું અહિત થાય, જન્મ, મૃત્યુના ચક્ર વધે તેવી મનોકામના, આસકિત તે જ વાસ્તવિક રાગ છે અને તે જ બંધનકર્તા છે. પ્રશસ્ત રાગને રાગ કહેવા કરતાં તેને સેવા અને ભકિતની કોટિમાં મૂકી શકાય છે.
ટૂંકમાં કહેવાનો આશય એ છે કે વિષયોથી વિમુખ થવું અને ભોગની આકાંક્ષાનો ત્યાગ કરવો, એ જ વાસ્તવિક વૈરાગ્ય છે. જ્યારે જીવ ઉચ્ચ કોટિની સાધનામાં જાય અને યોગોની પ્રવૃત્તિ પણ સ્થિર થઈ જાય, ત્યારે પ્રશસ્ત રાગ આપમેળે જ છૂટી જાય છે. તેના માટે અલગ વિરકિતની જરૂર નથી. વૈરાગ્યની ત્રણ સ્થિતિ થાય છે.
(૧) વિષયથી મુકત થવું. (૨) પ્રશસ્ત સેવા ભાવમાં રમણ કરવું, તે પણ વ્યવહાર વૈરાગ્ય છે. (૩) ઉચ્ચ સ્થિતિમાં જતાં શુભાશુભ બને પ્રવૃત્તિથી વિમુકત થવું.
(૧) પ્રથમ પ્રકારનો વૈરાગ્ય એ સાધ્ય છે. પુરુષાર્થ કરવા યોગ્ય છે. (૩) ત્રીજા પ્રકારનો વૈરાગ્ય એ અંતિમ બિંદુ છે, અને બીજા (ર) પ્રકારનો વૈરાગ્ય એ વચ્ચગાળાની સ્થિતિ છે. એ સહજ ભાવે પ્રાપ્ત થાય છે અને સહજ ભાવે વિમુકત થાય છે. અસ્તુ.
- વૈરાગ્યની સફળતા : અહીંયા આપણે વૈરાગ્યની આટલી ઊંડી ચર્ચા કર્યા પછી યોગીરાજ શ્રીમદ્જી આ છઠ્ઠી ગાથામાં કહે છે કે વૈરાગ્યની સફળતા એકાંગી નથી. કોઈ માણસ દોડે છે, તો દોડવાની ક્રિયા પગથી થાય છે પરંતુ જો આંખ ન હોય તો કયારેક દોડવાની ક્રિયા હાનિકારક બની જાય. આંખ તે દ્રષ્ટા છે અને પગ છે તે ક્રિયાત્મક છે. છઠ્ઠી ગાથામાં સ્પષ્ટ કહે છે કે વૈરાગ્યની સફળતા માટે આંખની જરુર છે અને આંખો છે તે આત્મજ્ઞાન છે. અહીં બે શબ્દ છે. આત્મા અને જ્ઞાન. તેનું ઊંડું વિવેચન આપણે પાછળથી કરીશું, અહીં આત્મજ્ઞાન એ સંયુકત શબ્દ છે અને એ જ રીતે વૈરાગ્ય અને સફળતા ત્યાં પણ બે જ શબ્દ છે. વૈરાગ્ય તે કારણભૂત છે અને સફળતા તેનું કાર્ય છે. વૈરાગ્યનું વળી ફળ શું હોય શકે? ફળ વગરની ક્રિયા એ જ તો મુખ્ય સાધના છે. ફળ પ્રાપ્તિ તે સૂક્ષ્મ આસકિત છે. તો અહીં શું લક્ષ રાખીને સફળતાનો પ્રયોગ કરવામાં આવ્યો છે, તે સમજવું ઘટે છે.
આખી ગાથા ભિન્ન ભિન્ન પ્રકારના ભાવો થી ભરપૂર છે. (૧) વૈરાગ્ય (૨) સફળતા (૩) જ્ઞાન (૪) આત્મજ્ઞાન (૫) પરસ્પરની સાપેક્ષતા
અહીં કન્ડીશન સાથે કહેવામાં આવ્યું છે કે જો આત્મજ્ઞાન હોય તો જ વૈરાગ્ય આદિ સફળ છે. તો શું જ્ઞાન વગરનો વૈરાગ્ય નુકશાનકારી છે. કોઈ પણ પરિસ્થિતિમાં વૈરાગ્ય તો કલ્યાણકારી જ છે. તો અહીં આત્મજ્ઞાનની (અપેક્ષા) Condition શા માટે કરવામાં આવી છે? કોઈ ભદ્ર માણસ આત્મજ્ઞાન વગર પણ વૈરાગ્ય ભાવને ભજે તો તેનો અપરાધ શું છે? નીચી યોનીમાંથી જીવ જ્યારે ઊંચો આવે છે, ત્યારે આત્મજ્ઞાન હોતું નથી, પરંતુ વિરકિતનું અવલંબન કરીને જ જીવ ઊંચો આવે છે. આ બધા પ્રશ્નોનો પ્રત્યુતર મેળવી કવિરાજ શું કહેવા માંગે છે. તે સાર તત્ત્વ સમજવા પ્રયાસ કરશું.
અહીં વૈરાગ્યને સફળતા સાથે સંબંધ છે તો વૈરાગ્યનું સુફળ શું છે? અહીં સમજવું જોઈએ કે વૈરાગ્ય ઉત્તમ હોવા છતાં, તે સાધ્ય તત્ત્વ નથી. વૈરાગ્ય ઉપાસ્ય નથી, તે ઉપાસના છે, કોઈ