Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
આત્મજ્ઞાન રૂપી સોનામાં જડાય તો યોગ્ય બને છે. અસ્તુ. અહીં આપણે આદિ શબ્દની ટૂંકી વ્યાખ્યા કરી, હવે ઉત્તરાર્ધમાં પ્રવેશ કરશું.
સિધ્ધિકારે પૂર્વની કડીઓમાં સાધનામાં બે પ્રતિયોગી અર્થાત્ પ્રતિબંધક, એક ક્રિયાજડતા અને એક શુષ્કજ્ઞાન બન્નેનો વિરોધ કર્યા પછી હવે આ ગાથામાં તેમણે સાધનાના સહયોગી બંને તત્ત્વનો ઉલ્લેખ કર્યો છે. તે છે વૈરાગ્ય અને આત્મજ્ઞાન. આ રીતે ખેતર સાફ થયા પછી યોગ્ય બીજનું વાવેતર થઈ રહયું છે. અહીં પૂર્વાર્ધ અને ઉતરાર્ધ બન્નેમાં ક્રમશઃ વૈરાગ્યની સફળતા અને આત્મજ્ઞાનની કસોટી એ બને વાત આ કડીમાં કહેલી છે. અહીં નિદાન શબ્દ મુક્યો છે.
આત્મજ્ઞાનનું નિદાન : નિદાન એટલે નિશ્ચય, નિદાન એટલે પરીક્ષા, નિદાન એટલે લક્ષણ, નિદાન એટલે કસોટી પર ઉતરતી સાચી વાત. નિદાનનો અર્થ સંકલ્પ પણ થાય છે. અહીં નિદાન શબ્દ આત્મજ્ઞાનની પરીક્ષા માટે મૂકેલો છે. આત્મજ્ઞાનના લક્ષણ રૂપે વૈરાગ્યને પ્રદર્શિત કર્યો છે. અર્થાત્ આત્મજ્ઞાનની પ્રાપ્તિના સાચા લક્ષણ વૈરાગ્યથી જોવા મળે છે. વૈરાગ્ય ન હોય તો આત્મજ્ઞાન વાસ્તવિક ધરાતળને સ્પર્શ કરતું નથી અને આત્મજ્ઞાનથી અથવા આત્મજ્ઞાનની વાતથી બીજા કેટલા લક્ષ તરફ જીવ દોરાઈ જાય છે. વાસ્તવિક આત્મજ્ઞાન વૈરાગ્ય સાથે જોડાયેલું છે. અહીં નિદાન શબ્દ મૂકીને નિશ્ચિત ભાવ પ્રગટ કર્યો છે. નિદાન એક પ્રકારે સાચી વસ્તુને સમજવાની ચાવી છે. તમને પોતાને પણ નિદાન સંબંધી જ્ઞાન હોવું જોઈએ. અસ્તુ.
અહીં સિધ્ધિકારે આત્મજ્ઞાન વિનાનો વૈરાગ્ય અને વૈરાગ્ય વિનાનું આત્મજ્ઞાન બન્નેને પરસ્પર સાચા સહયોગી બતાવી તેની એકલતાનું ખંડન કર્યું છે. વૈરાગ્ય અને આત્મજ્ઞાન બંને આદરણીય છે, અને સાધનાના પૂરક છે. અહીં આપણે એક પ્રશ્નને સમજવા લક્ષ આપશું.
પૂર્વાર્ધમાં આત્મજ્ઞાન હોય તો જ વૈરાગ્યની સફળતા છે, તેમ કહ્યું છે અને ઉત્તરાર્ધમાં આત્મજ્ઞાનનું લક્ષણ વૈરાગ્ય બતાવ્યું છે. આ બન્નેમાં ક્રમિક ઉત્પત્તિનો સંબંધ છે. વૈરાગ્ય ઉત્પન થયા પછી આત્મજ્ઞાન આવી શકે છે અને આત્મજ્ઞાન થયા પછી વિરકિત ઉદ્ભવે છે. આમ ઉત્પત્તિના ક્રમમાં બને આગળ પાછળ નિમિત્ત-નૈમિત્તિક ભાવે અથવા કાર્ય-કારણ રૂપે સંકળાયેલા, છે કયારેક એવો પણ અવસર હોય કે બને સહજન્મા પણ હોય. અર્થાત્ આત્મજ્ઞાન અને વૈરાગ્ય બન્નેનું એક સાથે પ્રાગટય થાય છે. આ ક્રમથી સાધનામાં જરા પણ ફરક પડતો નથી. ક્રમ ગમે તે હોય પરંતુ સાહચર્ય જરૂરી છે અને વિશેષમાં બંનેનું અધિષ્ઠાન પણ એક આત્મા જ છે એટલે બંને સમાનાધિકરણ પણ બની રહે છે. વૈરાગ્યમાં જ્ઞાનની ઝલક છે અને આત્મજ્ઞાનમાં વૈરાગ્યની ઝલક છે. તે બંનેથી તેનાથી ઉદ્ભવતાં આત્મશાંતિની ગુણ પરંપરાના જ ભાવો છે. મૂળ તો વૈરાગ્ય કે આત્મજ્ઞાન તેની આવશ્યકતા સ્વાનુભુતિજન્ય આનંદ માટે જ છે. શ્રીમદ્ યોગીરાજની ભાષામાં તેને નિર્દોષ આનંદ કહી શકાય અસ્તુ. આમ અધિષ્ઠાન પણ એક જ અને બંને સહચારી પણ છે, બનેનું લક્ષ પણ એક જ છે, બંને આદરણીય તત્ત્વ છે છતાં પણ બેમાંથી એકની પણ હાજરી ન હોય તો અપંગ માણસ જેવી સ્થિતિ થાય છે. અહીં સિદ્ધિકારે બન્નેની હાજરી પૂરતી ટકોર કરી નથી. પરંતુ આત્મજ્ઞાનની કસોટી વૈરાગ્યના ભાવોથી કસી છે અથવા પારખી છે. આ રીતે સિદ્ધિકારે વૈરાગ્ય પર પૂરું વજન આપ્યું છે. પૂર્વ ગાથામાં જે વાત કહી છે તેને પુનઃ ફેરવીને ઉતરાર્ધમાં પણ એ જ વાત કહી છે. બંને પદથી નિષ્પન્ન થતી એ ચૌભંગી અહીં સ્પષ્ટ કરવાથી
દશરથ ૧૦૬