Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
વિરાગ અને આત્મજ્ઞાનને નિષેધ રૂપે પ્રગટ કર્યા છે. ત્યાગ વિરાગનો અભાવ ત્યાં આત્મજ્ઞાનનો અભાવ. તેનો અન્યથા બોધ એ થાય છે ત્યાગ વિરાગનો સદ્ભાવ ત્યાં આત્મજ્ઞાનનો ઉદ્ભવ. પરંતુ શાસ્ત્રકારને આ વિધિ ભાવ અનુકૂળ નથી અને આગળ જે કથન છે તે પ્રમાણે આ વિધિ ભાવ તર્કયુકત સૈદ્ધાંતિક બની શકતો નથી. તેથી અહીં બન્નેને અભાવ શૈલીથી પ્રદર્શિત કર્યા છે. જ્યાં અગ્નિનો અભાવ છે, ત્યાં ધૂમાડાનો પણ અભાવ છે. આ નિષેધ અનુમાન બરાબર છે. પરંતુ જ્યાં અગ્નિ છે ત્યાં ધૂમાડો હોય જ, તેવો વિધિ ભાવ કહી શકાતો નથી કારણ કે સાધનમાં સાધ્યની વ્યંજના છે પરંતુ સાધ્યમાં સાધનની ભજના છે. એ જ રીતે ત્યાગ—વિરાગ નથી, ત્યાં આત્મજ્ઞાન નથી. પરંતુ જ્યાં ત્યાગ વિરાગ છે, ત્યાં આત્મજ્ઞાનની ભજના છે. જે આજ કડીમાં ઉતરાર્ધમાં કહેવામાં આવશે. અહીં આપણે આ ગાથા છ અને સાત નો અન્વય કર્યા પછી ઉપર્યુકત પ્રશ્નોનું વિવેચન કરશું.
ત્યાગવૈરાગ્ય—ભાવ : વિરાગ એ રાગ–રહિત અવસ્થા માટે વપરાયેલો શબ્દ છે. સંસ્કૃતના નિયમ પ્રમાણે ‘વિ’ ઉપસર્ગ અભાવવાચક અથવા ‘રહિત’ અથવા વિગત તેવા ભાવ માટે છે એ જ રીતે “વિ' ઉપસર્ગ' વિશિષ્ટ ભાવ માટે વપરાય છે. જેમકે વિજ્ઞાન અથવા વિશેષ પ્રકારનું જ્ઞાન, વિવિધ શબ્દમાં ‘વિ'નો અર્થ ઘણી જાતનું થાય છે, તેથી વિવિધ ઘણી જાતની વિધિવાળું, વિકલ્પ એટલે ઘણી જાતના કલ્પ આ રીતે ‘વિ’ ઉપસર્ગના ઘણા અર્થ છે. પરંતુ અહીં વિરાગનો અર્થ રાગરહિત એવા ભાવમાં છે, જેમકે વિલય. વિલય પરિપૂર્ણ લય થયેલું અને એથી આગળ ચાલીને વિરામ અથવા વિયોગ. આ બધા શબ્દોમાં ‘વિ’નો અર્થ અભાવ થાય છે અસ્તુ. વિરાગ શબ્દ રાગના અભાવ અર્થમાં પ્રસિધ્ધ છે. અહીં લખ્યું છે કે “ત્યાગ વિરાગ ન ચિત્તમાં” અર્થાત્ ચિત્ત એક આધ્યાત્મિક અંગ છે. મનના ભાવ છે. એક વિષય ઉન્મુખ અને એક શુધ્ધ ચૈતન્ય લક્ષવાળું. આમ મન દ્વિવિધભાવે હોવાથી સાધનામાં મનની ઊંચી દશાને ચિત્ત કહેવામાં આવે છે. અન્ય દર્શનોમાં પણ ચિત્ત શબ્દનો ભરપૂર પ્રયોગ થયો છે. જ્યાં આત્મા કે પરમાત્મા પ્રતિબિંબિત થાય છે. તેવું દર્પણ, તે ચિત્ત છે. ચિત્ત જ્ઞાનવાચી શબ્દ છે. અહીં આપણે ચિત્તની પૂરી વ્યાખ્યા કર્યા પહેલા, ત્યાગ વૈરાગ્ય ન ચિત્તમાં,' તેમાં રાગરહિત ચિત્તનો ઉલ્લેખ છે. રાગ એ મનનો દોષ છે, જયારે વિરાગ એ ચિત્તનો ગુણ છે. ડાઘ વગરનું કપડું, મેલ વગરનું પાણી, ગંદકી વગરની ભૂમિ, આમ બધા તત્ત્વો દોષરહિત હોવાથી, મૂળ ગુણરૂપે નિર્મળભાવે દૃષ્ટિગોચર થાય છે. અહીં દોષનો અભાવ, એ તત્ત્વનું આભૂષણ બની જાય છે. અભાવ કોઈ પદાર્થ નથી. પરંતુ અભાવ ઘણો જ મહત્વપૂર્ણ છે. પછી તે ગમે તે રૂપે હોય દોષાભાવ અર્થાત્ દોષનો અભાવ, તે સ્વયં ગુણાત્મક છે. નિષ્કંટક ક્ષેત્ર અર્થાત્ કાંટા વગરનું ક્ષેત્ર ત્યાં કંટકનો અભાવ છે પરંતુ તે ક્ષેત્રની ગુણ સ્થિતિ છે. તેમ અહીં ચિત્તમાં રાગનું ન હોવું તે ચિત્તની નિર્મળ દશા છે અને આ ચિત્ત વિરાગ રૂપ બને છે, ત્યારે ત્યાગનો ઉદ્ભવ થાય છે. ત્યાગ પણ એક અભાવાત્મક તત્ત્વ છે. રાગ અને ભોગ એ બંને વિકાર ક્ષેત્રે વિભાવ છે. જ્યારે તે બંનેનો અભાવ તે નિર્વિકાર અને નિર્દોષ અવસ્થાને પ્રગટ કરે છે. દર્પણનો મેલ દૂર થતાં પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય છે, તેમ અહીં સિધ્ધિકાર ચિત્તરૂપી દર્પણમાંથી આ રાગ અને ભોગરૂપી દૂર કરવાની હિમાયત કરે છે. રાગ અને ભોગ દૂર કરવા એટલું જ લક્ષ નથી. ખેતર સાફ કરવું એટલું જ ખેડૂતનું લક્ષ નથી. સાફ કર્યા
૧૧૩