Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
આપવા માટે આત્મજ્ઞાનનો સંયોગ થવો નિતાંત આવશ્યક છે. બન્નેનું અધિષ્ઠાન આત્મા સ્વયં છે એટલે ઉપશમભાવ કે જ્ઞાન સ્વતંત્ર હોવા છતાં, આત્મા રૂપ અધિષ્ઠાનમાં બન્ને ત ્રૂપ બની જાય છે. દૂધ અને સાકર સ્વતંત્ર હોવા છતાં ઉપભોકતાની સ્વાદેન્દ્રિયનું અધિષ્ઠાન એક જ હોવાથી ત્યાં બન્ને તદરૂપ બની જાય છે.
આ એટલો બધો ઝીણો વિષય છે કે શબ્દોથી પરિભાષિત કરવો દુર્ગમ છે. છતાં પણ લક્ષમાં આવે એટલે આટલું ઊંડુ વિવેચન કર્યુ છે.
સફળતાની વિશેષતા : વૈરાગ્ય અને જ્ઞાનની જોડી એ નિતાંત જરૂરી છે. તે બન્ને સાથે હોવાથી આત્માના અલંકાર છે. વિખૂટા પડવાથી તેના ઉચિત ફળમાં અંતરાય આવે છે. તેથી જ અહીં સિદ્ધિકારે સળ શબ્દ મૂકયો છે. નિષેધાત્મક નિષ્ફળ છે તેમ કહ્યું નથી. જેમ કોઈ ખેડૂતને કહે છે કે તમારી ખેતીમાં તમોએ ધ્યાન આપ્યું હોત, તો તે સફળ થાત. તેનો અર્થ એ છે કે બીજાએ ધ્યાન આપ્યું તે સર્વથા નિષ્ફળ છે તેમ નથી પરંતુ તમે સ્વયં ધ્યાન આપ્યું હોત તો વિશેષ સારું ફળ પ્રાપ્ત થાય. તેમ આત્મજ્ઞાન હોવાથી વૈરાગ્યના જે કાંઈ બીજા દોષો હોય તેનો પણ પરિહાર થઈ જાય છે અને વૈરાગ્ય સ્વયં નિર્મળ બને છે. સાબુ લાગતાં કપડું વધારે સ્વચ્છ થાય છે તેમ જ્ઞાનની રોશની આવતા વૈરાગ્ય નિર્મળ થઈ જાય છે. અહીં સફળ શબ્દ વિચારણીય છે. વૈરાગ્યમાં પણ સફળનું વિશેષણ છે. વૈરાગ્યથી ઉપજતા આત્મજ્ઞાનમાં પણ સફળ શબ્દ જોડાય છે. આંબાનું સિંચન કરતા ફળ સુંદર બને છે અને ખાનારને પણ અધિક સ્વાદ આપે છે. એક સફળ તા કેરીની છે અને બીજી સફળતા સ્વાદની છે. તેમ અહીં વૈરાગ્ય સ્વયં સફળ થઈ જાય છે અર્થાત્ નિર્મળ બની જાય છે અને તેનાથી આત્માને પણ નિર્મળ ભાવોની પ્રાપ્તિ થાય છે. આ રીતે સફળ શબ્દ કર્મ અને કર્તા બન્ને સાથે જોડાય છે, કાર્ય અને કર્તા બન્નેનું વિશેષણ છે. વૈરાગ્ય સ્વયં એક નિષ્પત્તિ છે. આત્મા તે નિષ્પાદક છે. સફળતા નિષ્પત્તિ સાથે પણ જોડાયેલી છે અને નિષ્પાદકને પણ સ્પર્શ કરે છે. જેમ ઉત્તમ કારીગરીથી બનેલું અલંકાર સ્વયં સુશોભિત થાય છે અને અલંકારને ધારણ કરનારને પણ સુશોભિત કરે છે. ઉત્તમ કળાની બન્ને ઉપર અસર થાય છે. તેમ અહીં પણ આત્મજ્ઞાન એ ઉત્તમ કળા છે. વૈરાગ્ય તે સ્વર્ણ છે અને આત્મા તે અલંકારનો ધારક છે. આત્મજ્ઞાન રૂપીકલાથી ભરપૂર રમણિય બનેલો વૈરાગ્ય આત્માને પણ રમણિય બનાવે છે અને સ્વયં પણ રમણિય બની જાય છે. આ રીતે વૈરાગ્ય અને આત્મજ્ઞાનની જોડી એક અદ્ભુત ઉત્તમ નક્ષત્રની જોડી જેવી છે. અસ્તુઃ
આત્મજ્ઞાન : હવે આપણે આ આત્મજ્ઞાન શું છે તે વિશે શાસ્ત્રીયભાવે અને મહાત્માઓના અનુભવને આઘારે તેનું વિવેચન કરશું. પૂર્વમાં કહી ગયા તેમ આત્મતત્ત્વ અથવા બ્રહ્મતત્ત્વ એ સંપૂર્ણ વિશ્વનું અધિષ્ઠાન છે.
આત્મજ્ઞાન વિશે સાધારણ માણસથી લઈ અને મહાન યોગેશ્વર સાધકોએ ચર્ચા કરેલ છે અને આત્મજ્ઞાન બહુ જરૂરી છે તેમ એક સ્વરે સહુએ સ્વીકાર કરેલ છે. આત્મજ્ઞાન વિશે સ્પષ્ટ ધારણા હોય એમ લાગતું નથી. જેમ ઈશ્વર માટે સાધારણ મનુષ્યથી લઈને પરમ ઉચ્ચ કોટિના વ્યકિતઓ પણ ઈશ્વરનો સ્વીકાર કરે છે, પરંતુ ઈશ્વર વિશે સ્પષ્ટ ધારણા હોય તેમ લાગતું નથી.
૧૦૧